15 – ગો કોરોના – પેરોડી ગઝલ વિડિઓ (#100ગઝલપ્રોજેક્ટ)

(રાગ: હોઠો સે છુ લો તુમ – જગજીત સિંહ)

શેરમાર્કેટ પણ તોડ્યા,
શાકમાર્કેટ ના છોડ્યા.

કેવા અને કઈ રીતના!
અમે માસ્ક લેવા દોડ્યા.

અમે ખતમ કર્યા કાગળ,
કોરોના ગો, ગો કોરોના.

ધોઈ હાથ પડ્યો પાછળ,
કોરોના ગો, ગો કોરોના.

અમે કામે નથી જાતા,
નથી જાતા નિશાળે પણ.

એવું ય નથી કહેતા,
છે જલસા અમારે પણ.

ક્યારે હટશે આ વાદળ?
કોરોના ગો, ગો કોરોના.

તું છે છીંકનું એક ઝાકળ,
કોરોના ગો, ગો કોરોના.

સાક્ષર

14 – કોરોના ના ઘૂંટડા (#100ગઝલપ્રોજેક્ટ)

જોઈ જ્વાળામુખી વૃક્ષો કહે ભાઈ સુન ઝરા,
દૂર થી, નજદીક થી, ડેન્જરસ છે ડુંગરા.

આમ તો માણસ પીતો’તો, હવે શું થઈ ગયું!
જોયું, કોરોના ભરે માનવી ના ઘૂંટડા. *

મૃગજળની શોધમાં બસ બધે ફરતા રહ્યા, **
બહુ સમજતા’તા ખુદને “જાણભેદુ” ઊંટડા.

તું મળે ત્યારે અમે ખામીઓ છૂપાવી છે,
ટ્રમ્પ સામે જેમ સરકાર ઢાંકે ઝૂંપડા. ***

સાક્ષર

* https://theknow.denverpost.com/2020/02/28/corona-beer-coronavirus/234590/
*** https://www.businessinsider.com/india-builds-wall-trump-avoid-seeing-slum-ahmedabad-visit-2020-2

તા.ક. – 20 સેકન્ડ સુધી દર 20 મિનિટે સાબુ અને પાણીથી હાથ ધોતા રહેજો… નહિ તો કોરોના આવી જશે. (** નાનપણનું સપનું હતું એક ગઝલમાં મૃગજળ શબ્દ વાપરવો… કોણ કહે છે સપના પુરા નથી થતા 😉 )

૧૩ – તો પણ ઘણું (#100ગઝલપ્રોજેક્ટ)

માત્ર ડગલું એક આગળ વધ્યા તો પણ ઘણું.
કે પછી બસ પાછળ ના પડ્યા તો પણ ઘણું.

એવી ક્યાં ઈચ્છા હતી કે મળે ઈશ્વર મને ,
માનવી માનવ જેવા જો મળ્યા તો પણ ઘણું. *

“તું ભણ્યો પણ એટલું કંઈ ગણ્યો નહિ” એમ જો
કોઈ કહી જાય, એટલું બસ ભણ્યા તો પણ ઘણું.

જો જરૂર હો તો અમે સો ટકા ઝાલીશું હાથ,
ને જરૂર ના હોય તો ના નડ્યા તો પણ ઘણું.**

સાક્ષર

* શ્રી સુન્દરમ ની ક્ષમા યાચના સહ

** શ્રી શાહબુદ્દીન રાઠોડ ની ક્ષમા યાચના સહ

તા. ક. – આ વખતે બે પોસ્ટ વચ્ચે સમય વધી ગયો, આવતી પોસ્ટ થી બે અઠવાડિયા ની frequency લાવી દઈશું.

12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)

જો કપાયેલી પતંગો પર મચેલી લૂંટ છે,
ચાલી નીકળ ઝંડા લઈને, તને પણ છૂટ છે.

મંઝિલે પહોંચ્યા નહોતા તો ન’તી તકલીફ બહુ,
મંઝિલે પહોંચ્યા પછી ની જ માથાકૂટ છે.

લાખ કોશિશો મથામણ કરી ત્યારે મળ્યો,
વ્યસ્ત હો જેની બધી લાઈનો એ આ રૂટ છે.

જીંદગી લૂપો મહી એવી ચકડોળે હતી,
વર્ષ જો આવ્યું નવું તો થઈ રીબુટ છે.

સાક્ષર

તા.ક. – Happy New Year. મારો નવા વર્ષનો સંકલ્પ – 15 ફેબ્રુઆરી સુધી જીમ જવું નહિ… બહુ ભીડ હોય છે 🙂

11– 2019 માં (#100ગઝલપ્રોજેક્ટ)

આરંભે શૂરા થયા, બે હજાર ઓગણીસમાં,
કામ કંઈ પૂરા થયા, બે હજાર ઓગણીસમાં!*

કંઇક સ્વપ્નો ને વાવ્યા, કંઇક સ્વપ્નો ને પામ્યા,
કૈંક ના ચૂરા થયા , બે હજાર ઓગણીસમાં.

વર્ષ જે વીતી ગયું, રંગ બદલાવી ગયું ,
વાળ જો ભૂરા થયા, બે હજાર ઓગણીસમાં.

જીંદગી ની ચા જુઓ લગભગ તૈયાર છે,
એક બે ઉભરા થયા, બે હજાર ઓગણીસમાં.

સાક્ષર

* double meaning

Meaning ૧ : કૈંક (કેટલાક) કામ પૂરા થયા

Meaning ૨: કામ ક્યાં પૂરા થયા?

તા.ક. – હવે પછીની નવી ગઝલ નવા વર્ષે.

10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
આ બધું કરવામાં મારી વાટ લાગી જાય છે.

થાય છે તારી અહીં ચાંદથી સરખામણી,
સાંભળ્યું છે ચાંદ પર તું ઘણી વખણાય છે.

બોલવા ને પાળવા માં ફરક બસ એટલો,
જીભની મસ્તીમાં આખી પત્તર રગડાય છે.

આમતો ક્યારેય હેલ્મેટ નહોતું ફરજીયાત,
બસ કર્યું જાહેર, તેથી જ સરકાર વગોવાય છે.

સાક્ષર

તા.ક. – 100 ના ટાર્ગેટમાં 10 પર પહોંચ્યા પછી પહેલો વિચાર જે આવેલો એના પર છે આ ગઝલની પહેલી પંક્તિ, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલ પરથી પ્રેરિત છે આ ગઝલ. એમની પ્રથમ પંક્તિ હતી,


“આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઈ કાંઈ કરતુ નથી આ બધું તો થાય છે”


પણ આ 10 ગઝલ લખ્યા પછી હવે ખબર પડે છે કે કેટલા 10 એ સો થાય છે. પણ હું પોતાને સાંત્વન આપ્યા કરું છું કે એક દિવસ પહોંચી જઈશું 100 પર વાંધો નહિ 🙂

9 – ઝાંપે કોણ છે? (#100ગઝલપ્રોજેક્ટ)

આંખ પર કે પંખી પર પણ ધ્યાન આપે કોણ છે ?
પાર્થ ને પૂછ્યું મમ્મીએ જો આ ઝાંપે કોણ છે ?

આંખમાં આંખો પરોવી પકડી મક્કમતાથી હાથ,
ડર ને તું પૂછી જોજે બોલ કાંપે કોણ છે ?

સાંભળ્યું છે કે સમય છે સંપત્તિ તો એ કહો,
આ ક્ષણો ની કડકડતી નોટ છાપે કોણ છે?

શીખી લીધું આપણે કેવી રીતે આગળ જવું,
લે ફેલાવ્યા પગ, હવે ચાદર ને માપે કોણ છે ?

સાક્ષર

તા.ક. –

“I have spent my whole life scared, frightened of things that could happen, might happen, might not happen. 50-years I spent like that. Finding myself awake at three in the morning. But you know what…? What I came to realize is that fear, that’s the worst of it. That’s the real enemy. So, get up, get out in the real world and you kick that b@stard as hard you can right in the teeth.” – Walter White Jr. from Breaking Bad

8- કમળાબા ની ફિલસુફી (#100ગઝલપ્રોજેક્ટ)

જે મળ્યું છે તે કરોને કામ, હું કરવાનુ તા’ર?
ને પછી કરજો બધો આરામ, હું કરવાનુ તા’ર?

આ બધું પકવાન હોટલનું બર્યું પચતું નથી
એ ભલે ને ખાય આખું ગામ, હું કરવાનુ તા’ર?

લાગે એવું જો કે છે જીવન માથાનો દુખાવો,
ભૈ લગાવી દેવાનું તો બામ, હું કરવાનુ તા’ર?

પ્રભુ જે ચિહ્નો આપે તે લઇ લેવાના આપણે
હોય કોમા કે પૂર્ણ વિરામ, હું કરવાનુ તા’ર?

સાક્ષર

તા.ક. – આ ગઝલનો કાફિયા “હું કરવાનું તા’ર” (શું કરવાનું ત્યારે?) એ કમળા બા નો પ્રિય વાક્યપ્રયોગ હતો અને એમનો ભાવ લાચારીનો નહોતો, પણ “એ તો એવું જ હોય ને!” એવો હતો, એ છેલ્લે સુધી ખુબજ સક્રિય હતા, મોટાભાગના ઘરકામમાં મમ્મીને મદદ કરતા, આ વર્ષે 19મી ફેબ્રુઆરી એ 4 દિવસના કોમા ની સ્થિતિમાં રહ્યા બાદ પૂર્ણ વિરામ થઇ ગયા. આ ગઝલ એમને અર્પણ…

7- કામવાળી બાઈને (#100ગઝલપ્રોજેક્ટ)

જો પડ્યું મરચું વધારે, શું કરું પસ્તાઈને,
કોણ સંભારે મને, વિચારું હેડકી ખાઈને.

“લો સફળ થાઓ”ની એકે નકલ વેચાઈ નહિ,
ગાંડીઓ આપે સલાહો આજકાલ તો ડાહીને.

“આટલી ઓછી રજા!”ની કેમ કરે ફરિયાદ તું ?
છે રજા પણ “વર્ક ફ્રોમ હોમ”*, કામવાળી બાઈને.

દિલના જોડાણ તો મળતા નથી આસાનીથી,
શું કરૂ રાખીને હું આ હાઈસ્પીડ વાઇફાઇને.

સાક્ષર

* IT Field માં જે કામ કરતા હોય એમનું મોટાભાગનું કામ લેપટોપ પરથી જ થતું હોય એટલે જ્યારે જરૂર હોય ત્યારે “વર્ક ફ્રોમ હોમ” કરવાની છૂટ મળે, જ્યારે ઘરનું કોઈ કામ હોય કે ઘરે કોઈ બીમાર હોય.

તા.ક. – અમારે કોઈ કામવાળી બાઈ માટે સોફ્ટ કોર્નર નથી. અમારા ઘરે કોઈ કામવાળી બાઈ નથી. 🙂

6- દિવાળી આવી ગઈ (#100ગઝલપ્રોજેક્ટ)

હોજરીમાં થાય આક્રમણ, તો દિવાળી આવી ગઈ.
પગના અંગુઠાનું ગ્રહણ, તો દિવાળી આવી ગઈ. *

ફોડે તું લુમોની લુમો કે ધરે બક્ષિસ તું,
થાય પૈસાના ધૂમાડા, તો દિવાળી આવી ગઈ.

ધૂળ માં રહેઠાણ તારું જો મળે કોઈ દિવસે,
હે કરોળિયા સમજજે, તો દિવાળી આવી ગઈ.

ગામના દરેક બાળકને મળી ગઈ નોકરી,
શિવકાશી** ને થયું, ચાલો દિવાળી આવી ગઈ.

સાક્ષર

**શિવકાશી એ તામિલનાડુમાં આવેલું એક નગર છે જયાં ભારતના 70% જેટલા ફટાકડા અને દીવાસળીનું ઉત્પાદન થાય છે અને ત્યાંની ફેક્ટરીઓ બાળમજૂરી માટે કુખ્યાત છે.

તા.ક. –
દિવાળીના ફાયદા તો ઘણા છે અને ઉજવાય પણ છે
પણ એક નજર દિવાળીના ગેરફાયદા પર, એટલે આ ગઝલ 🙂

*
એકટાણા, ઉપવાસ અને સલાડનું શરણ નથી ગમતું,
ટ્રેડમિલ અને રસ્તા પર થતું ટાંટિયાનું મરણ નથી ગમતું;
આ બધા સિવાય કોઈ સરળ રસ્તો હોય તો કહો;
આમ પેટ દ્વારા થતું પગના અંગુઠાનું ગ્રહણ પણ નથી ગમતું.
– સાક્ષર