પગ જમીન પર ક્યાંથી પડે? (સિક્વલ કવિતા)

ખોલ્યા વગરની બધી બેગો મને એટલી નડે,
આજકાલ પગ જમીન પર પછી મારા ક્યાંથી પડે?

બોર્નવીટામાં ખાંડ નાખ્યા પછી મેં ચાખ્યું છે,
આજે પહેલીવાર જીવનમાં દૂધ ખારું લાગ્યું છે;
બટનને આમ ફેરવું તો સગડી ક્યાંથી બળે?
આજકાલ પગ જમીન પર…

ઊંઘમાંથી પાણી પીવા માટે જ્યારે જાગું છું,
અંધારાથી ડરી સીધો ફ્રીજ તરફ ભાગું છું,
માઈક્રોવેવમાં પાણીની બોટલ ક્યાંથી મળે?
આજકાલ પગ જમીન પર…

સુર્ય આંખોમાં આવે છે અહીં મોડો,
કચરાનો ઉકરડો પણ દુર છે થોડો;
જુના ઘરેથી નીકળ્યાની કળ હવે ક્યારે વળે?
આજકાલ પગ જમીન પર…

– સાક્ષર

હમણાં ફરી પાછુ ઘર શીફ્ટ કર્યું છે…નવા ઘરમાં શરૂઆતમાં સેટ થતા થોડો સમય લાગે. એકદમ નવું ઘર હોય તો થોડું સરળ પડે કેમ કે આપણે જ ત્યાં જઈને બધું ગોઠવવાનું હોય પણ જો already કોઈએ ગોઠવેલુ ઘર હોય તો સેટ થતા થોડી વધારે વાર લાગે. બેગો અનપેક ન કરી હોય તો પગમાં આવે, ખાંડ અને મીઠાના ડબ્બામાં લોચા વાગે, સગડી કંઇક અલગ જાતની હોય, ઊંઘમાંથી ઉઠીને પણ જગ્યાથી ટેવાયા ન હોય એટલે અંધારામાં ફ્રીજની જગ્યાએ માઈક્રોવેવ ખુલે, ઊંઘવાની દિશા બદલાઈ ગઈ હોય અને ઘરમાં બારીઓની ગોઠવણ અલગ હોય તો ઊઠવાના સમયમાં ફેરફાર થઇ જાય, જુના ઘરમાં નજીકમાં બધું મળતું હતું(કચરાનો ઉકરડો – dumpster) એ યાદ આવે વગેરે વગેરે.

એમ જોવા જઈએ તો આ કવિતા ગયા વખતે ઘર બદલ્યું એ કવિતાની સિક્વલ કવિતા(પ્રીક્વલ કવિતાની લીંક: મારો થોડો સામાન…) છે, અને જેમ એ વખતે ગુલઝારદાદાના એક ગીતમાંથી પ્રેરણા લીધી હતી આ વખતે પણ એમના જ બીજા એક ગીતની એક લાઈન ‘आजकल पाँव ज़मीं पर नहीं पड़ते मेरे…’ પરથી પ્રેરણા લીધી છે.

તા.ક. –
મારા જુના ઘરની નજીક રહેતા એક મિત્ર સાથે ફોન પર વાત કરતી વખતે મેં કહ્યું,
“અમે ગઈકાલે જ ઘર બદલ્યું.”
તો એ કહે,
“હા એ તો કચરાનો ટ્રક તમારા ઘર આગળથી જતો જોયો એટલે મને થયું જ”

મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે

મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે,

સિંકની નીચે પલળેલું પોતું પડ્યું છે.
અને ટેબલ ઉપર એક સંચા માં નટરાજની પેન્સિલ પડી છે
OK ચાલ સંચો રેહવા દે, બાકી નો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

ફ્રીજ છે ને પેલું…
ફ્રીજ માં નીચે ના ખાના માં ૨ દિવસ પેહલાનો ભાત,
એ ભાતમાં મારું ભાતીયું પડ્યું હશે,
એ ભાત ફેંકી દેજે, બાકીનો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

એક જ હતી છત્રી(એ પણ મારી) એમાં અડધા અડધા પલળ્યા કરતા’તા,
છત્રી તો હું લઇ આવ્યો છું; પણ ભીની ટીશર્ટ મારી,
બેડરૂમ ના બારણે સુકવી છે;
એ મોકલાવી દે, બાકી નો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

૧૧૬ સેન્ટ નું લોન્ડ્રી માટેનું ચિલ્લર, મારા એક પગનું મોજું,
બાથરૂમ માં પડેલો સાબુ અને ધાણાદાળનાં પેકેટ થોડા;
કશુંય રેહવું ના જોઈએ; બધું જ મોકલાવી દે;
મારો સામાન પાછો આપ.
મારો થોડો સામાન તારા ઘરે પડ્યો છે.

– Sakshar

( ‘ ” મેરા કુછ સામાન” – ગુલઝારદાદા ‘ પરથી પ્રેરિત, Lyrics ની લીંક – http://www.bollyfm.net/bollyfm/mid/342/tid/1936/lyricsinfo.html )

પૂર્વભૂમિકા – ૩૧મી ઓગસ્ટે અમારી લીઝ પૂરી થાય છે અને ઘર બદલવા નું છે. અત્યારે બધા સમાન નું પેકિંગ ને એવું બધું ચાલે છે. ધીરે ધીરે સામાન ખસેડવા નું પણ ચાલશે. અત્યારે જે બધા રૂમમેટ છે બધા ને સાથે ઘર નથી મળ્યું. તો એવી પણ શક્યતા છે કે હું ૨૫મી ની આસપાસ બીજે જતો રહું અને બાકી ના રૂમમેટ ૩૧મિ સુધી અહી જ હોય. અને મારો થોડો સમાન રહી ગયો હોય તો હું કંઇક આવી રીતે કહુ. અને અમે બિચારા ગરીબ Student, એટલે ગુલઝાર દાદા એ લખ્યું છે એમ મહેંદી ની ખુશ્બુ, ચાંદ ની રાતો, શિકવા, વાદા એવું બધું તો માગવાનું હોય નહિ, પેન્સિલ, ભાતીયું, મોજા, ટીશર્ટ એવું બધું હોય.

તા.ક. – મુકેલો ફોટો અમારા ઘર નો નથી, અમારા ઘરની હાલત અત્યારે ફોટો લેવા જેવી નથી.