અઘરી કવિતા

(“કવિ બનવું છે?”  પોસ્ટમાં લખેલા મુદ્દાઓને અનુસરતી કવિતાનાં એક ઉદાહરણ તરીકે અધીર અમદાવાદીની એક કવિતા પોસ્ટ કરી હતી, આજે ફરી એ જ મુદ્દાઓ પરથી મેં બનાવેલી એક ‘અઘરી’ કવિતા… અને સમજવામાં મદદ મળે એ માટે તા.ક.માં અધીર અમદાવાદીનું વિશ્લેષણ)

 

પાંપણના પલકારે ને પ્રભાતના લલકારે, મારા પ્રણયનું પરિણામ આવ્યું;
નીંદરથી ઉઠાડી તારું સ્વપ્નું ખંખેર્યું ત્યાં મારું પહેલું નામ આવ્યું.

વિરહે તારા તો મને યાદો દીધીને ઘણી વાતો દીધી છે અળખામણી,
દર્દો દીધા ને દીધા મીઠા ઉજાગરા,એ બધું પરીક્ષામાં બહુ કામ આવ્યું.

લહેરો શી ઝુલ્ફો ને મૃગણીશી આંખો ને આંખો પર sin-waveશી ભ્રમ્મર,
યાદોની મીણબત્તીથી અજવાળું કર્યું ત્યારે નજરે આ તમામ આવ્યું.

“સાકી” તું પીવડાવે સુરા બધાને પણ તારી પોતાની ઈચ્છાનું શું?
રાજીનામું આપ્યું મયખાને ત્યારે તારા મેજ પર નશીલું એક જામ આવ્યું.

– સાક્ષર ‘સાકી’

નોંધ – ‘સાકી’ તખલ્લુસ માત્ર આ કવિતા માટે રાખવામાં આવ્યું છે.

તા.ક. –

પહેલીજ લીટીમાં પ્રભાતના લલકારનુ શું અનઅપેક્ષિત પરિણામ આવ્યુ તે ચોખવટ કરી આ પ્રખર કવિએ ક્લાઇમેક્સનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. નીન્દરથી કોને ઉઠાડી અને કોનું સ્વપ્ન ખંખેર્યુ તે વિચારવામાં અનુભવી અને જાણકાર લોકો પણ ગોથા ખાઇ શકે છે. બીજા શેરમાં તારા શબ્દના અર્થ પર વાંચક સહજતાથી અટકી જાય છે તો મીઠા ઉજાગરામાં બહુ જ જુનવાણી વાત કરી દીધી છે. હવે ખરો વળાંક સાઇન-વેવ જેવી ભ્રમરોથી આવે છે, હવે જે સાયંસના ન હોય તે આવી ભ્રમરોની વાતથી જરૂર અધ્ધર ચઢીને પછડાય જ્યારે એંજીનીયરો ને સમજાય કે પાર્ટી કોઇ પોળના બ્યુટીપાર્લરમાં આઇ-બ્રો કરાવતી લાગે છે નહીતર (~~) આવી ભ્રમર કોણ કરે? સૌથી છેલ્લે મયખાનાના રાજીનામાની વાત ગાંધીજીના ગુજરાતમાં ડ્રાય-સ્ટેટ હોવાના દાવાને ચીરી નાખે છે! – અધીર અમદાવાદી

કવિ બનવું છે?

તો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો:

૧. કમ્પલસરી વાપરવા પડે એવા શબ્દો: મૃગજળ, ઝરણું, આભ, ઝાકળ, ઝળહળવું વગેરે… (મૃગજળ અતિ અગત્યનો શબ્દ છે)

૨. ‘પ્રેમ’ અને ‘મૃત્યુ’ વિષયો પર ઢગલાબંધ કવિતા લખવી.

૩. સેન્ટી કવિતાનો ટી.આર.પી. સાદી કવિતા કરતા વધારે હોય છે…એટલે કે પ્રેમ ની કવિતામાં વિરહ ઉમેરવું.

૪. સહેલા શબ્દો કદિ ન વાપરવા જેમ કે બારણું શબ્દ વાપરવાની જરૂર હોય ત્યાં ‘દ્વાર’ કહેવું, પગ ની જગ્યા એ ‘ચરણ’ વગેરે વગેરે…

૫. ઉપમાઓ આપવી અનિવાર્ય છે… લહેરો જેવા વાળ અને સમુદ્ર જેવી આંખો ને એવું બધું…

૬. થોડાક છંદ શીખી લેવા… જો કે ના શીખો તો અઘરા શબ્દો વાળી કવિતાઓ લખી પોતે ‘અછાંદસ સ્પેશીયાલીસ્ટ’ છો એવી રીતે પોતાના વખાણ કરાવવા.

૭. પોતાનું એક તખલ્લુસ રાખવું જે મારી મચેડીને છેલ્લી પંક્તિમાં લાવી દેવું… એક શબ્દનું કોઈ પણ નામ હોય તો ચાલે…. પણ જેટલું અઘરું રાખો એટલું છેલ્લી પંક્તિ માટે એક નવો અઘરો શબ્દ શોધવાની મહેનત ઓછી.

(બસ આનાથી વધારે વિચારો નથી આવતા… આવતા હોત તો કવિ હોત)

——

તો આ સાંભળીને કવિશ્રી અધીર અમદાવાદી એ આ બધા મુદ્દાઓ આવરી લઇને ઉદાહરણ કવિતા બનાવી.

મને મારા જ પડછાયા આકરા લાગે છે. (શરુઆતમાં એક અધરી વાત કહી દો )
શશિ આભમાં સળગતા કાકડા લાગે છે.

કે ત્યાં લગી આવી અટકી ગયા પગરવ
એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે.
(અઘરા શબ્દો :દ્વાર, પગરવ, સમીપ)

મધુર રસ સભર અસર અંતર તરબતર (અલંકાર)
હોઠ જલેબી, હાથ તારા ફાફડા લાગે છે. (ઉપમા)

ગાલગા ને ગાગાલગા એ ઘોળીને પી ગયા (તખલ્લુસ ઘુસાડો !)
‘અધીર’ સાચા કવિ થવાના તાયફા લાગે છે.

– અધીર અમદાવાદી

—–

તા.ક. –

ઈચ્છાઓ, તદબીરો, વિચારો, સંકલ્પો અને ઈરાદા આપી દઉં,
તમારી આ કવિતા પર જન્મો-જન્મના વાદા આપી દઉં,
તમારી આ કવિતા એટલી તો ગમી છે ‘અધીર’;
દાદ તો શું તમારી કવિતા માટે દાદા આપી દઉં.

– સાક્ષર

(પ્રાસ સાચવવા માટે લોકો દાદાને પણ નથી છોડતા)

જોઈએ છે એક કવિ

જોઈએ છે એક કવિ
જેની પાસે ખાદીની થેલી
ન હોય તો ચાલશે,
પણ ઝભ્ભો ખાદીનો હોવો જોઈએ!
હંમેશા આભની તરફ
એકધારી દ્રષ્ટિ એ તાક્યા
કરે એવો!
અને દાઢી પણ જોઈએ જ,
જેનાથી એ કવિ જેવો તો દેખાય જ
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
કહી શકાય કે આને કવિ કહેવાય,
પ્રાણીઓમાં જેમ ડાયનોસોર છે ને
એમ માણસોમાં આ લોકો છે,
નામશેષ.
– સાક્ષર

(એષા દાદાવાળાની રચના: ‘જોઈએ છે’ ની અનુકરણ કવિતા, મૂળ રચનાની લીંક: http://tahuko.com/?p=7286)

તા.ક. – આ પોસ્ટ સાથે મુકવા માટે વર્ણન કર્યું છે એવા કવિનો ફોટો શોધતો હતો. અડધો કલાક શોધ્યો, પણ ન મળ્યો. ગુગલમાં તો આવો કવિ નામશેષ થઇ જ ગયો છે…