હવે પહેલો વરસાદ – Parody કવિતા

વડોદરાનો વરસાદ

(પ્રેરણા: હવે પહેલો વરસાદ – ભગવતીકુમાર શર્મા અને આ ફેસબુક પોસ્ટ)

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહિ;
હવે ડાકોર ના ગોટા અને દાળવડા મોટા અને ભજીયા નો સ્વાદ એવું કાંઈ નહિ… હવે પહેલો વરસાદ…

કોઈ દોરીના ટુકડા પર ભીના ભીના લૂગડાં લટકાવે નહિ,
મને ઉની ઉની રોટલી સાથે કારેલાંનું શાક પણ ભાવે નહિ,
કોઈ પાવરકટમાં, કોઈ અંધારપટમાં, આપે માચીસને દાદ, એવું કાંઈ નહિ.
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં….

બધી બારીઓ બંધ, નથી માટીની ગંધ, ના’વે ફુદા ટ્યુબલાઈટ સાથે ભમવા,
મળે કાગળ તો હોડી બનાવી ય લઉં પણ ક્યાં જાઉં હોડી લઇ રમવા!!
હવે દેડકાનું ડ્રાંઉ અને ચાતકનું wow, અને મગર ને શ્વાન, એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં…

– સાક્ષર

તા.ક. – અમેરિકામાં વરસાદ પડે છે ત્યારે શું નથી થતું એની કવિતા…


આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ!
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

રમેશ પારેખ

કુતરાપૂંછનું ઓશીકું

(રાગ: મોરપીંછની રજાઈ ઓઢી – સુરેશ દલાલ)

કુતરાપૂંછનું ઓશીકું બનાવી તમે સુઓને શ્યામ,
અમને થાય પછી આરામ.

કુતરાનું નાનું કુરકુરિયુ
રાખો આજુ બાજુ,
તમારી સાથે પોઢાડો એને,
ના થાય આઘું પાછુ.
કોઈ ચોર જો આવશે તો
એ ગજવી મુકશે ગામ.
અમને થાય પછી આરામ.

અમે તમારા સપનામાં પણ
કુતરું મોકલી દઈશું,
હું, તમે અને કુતરું ત્રણેય
અસુર સંહારે જઈશું.
કુતરું ભરશે બચકું
અને અસુરો ત્રાહીમામ….
અમને થાય પછી આરામ.

– સાક્ષર

તા.ક. – આજે સવારે કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદીનો એક આર્ટીકલ વાંચ્યો. એમાં લખ્યું હતું કે ,

જો મોર સુલભ થાય અને કુતરા દુર્લભ તો પછી મોરને બદલે કુતરા ઉપર કવિતા લખાશે, ટહુકાને બદલે ભસવા ઉપર શેર મંડાશે. પછી તો ફેસબુકના કવિઓની ‘આજ મેં તો મધરાતે સાંભળ્યું, ભાઉ ….’ જેવી રચનાઓ સાહિત્યમાં સ્થાન પામે તો નવાઈ નહિ લાગે. અહાહા …. આગળ જતાં કો’ક ‘મન શ્વાન બની ભસભસાટ કરે…’ પણ લખી શકે. જોકે મોરને મોરપીંછ હોય અને કવિતામાં મોરપીંછની રજાઈ બને, એમ કૂતરાનું કૂતરાપીંછ જેવું કશું નથી હોતું એટલી ખોટ ગઝલને જરૂર પડશે. હા, કોક કવિને પોમેરિયનમાં હિમાલયનો બરફ દેખાય તો વાત જુદી છે!

એ પરથી જ પ્રેરણા લઇ અને એમની કલ્પનાને આગળ વધારતા આ કવિતા લખી છે. (કુતરાપીંછ જેવું તો કશું નથી હોતું પણ કુતરાપૂંછ તો હોય છે 😉 )

“મન શ્વાન બની ભસભસાટ કરે…” ફરી કોઈ વખત.

જોઈશે રે લોન વ્હાલમને

પહેલાના જમાનાની “વ્હાલી”ઓ વ્હાલમના બોલ સાંભળતી હતી, હવે તો બસ સંભળાવે છે.

(લઘર વઘર અમદાવાદીની એક ફેસબુક પોસ્ટ પરથી પ્રેરિત)

ઉંબરે ઊભી સંભળાવું રે બોલ વ્હાલમને;
ઘરમાં સૂતી સંભળાવું રે બોલ વ્હાલમને.

કાલ તો હવે શોપિંગ મોલમાં જઈશું રે લોલ,
કાલ તો હવે બ્હાર હોટેલમાં ખાઇશું રે લોલ,
મોલમાં દહોરો આવશે મને,
આખું મેનુ ભાવશે મને,
જોઈશે રે લોન વ્હાલમને.
લોન વ્હાલમને.

ઉંબરે ઊભી સંભળાવું રે બોલ વ્હાલમને.
ઘરમાં સૂતી સંભળાવું રે બોલ વ્હાલમને.

– સાક્ષર

તા.ક. –

મારી પત્નીએ સૂચવ્યું કે આપણે રોજ મોલમાં જઈએ, દર વખતે કંઈક ખરીદવું એવું જરૂરી નથી પણ રોજ ચાલવાનું થઇ જશે અને મજા પણ આવશે, workout થઇ જશે; એની વાત સાચી હતી, અમારા ત્રણેયનું workout થઇ જાય છે, મારું, મારી પત્ની નું  અને મારા વોલેટનું.

દિવાળીની સાફસફાઈ: ઝાડું આપો તો અમે વાળીએ

પીંછાવાળું ઝાડું

મૂળ રચનાપાંખો આપો તો અમે આવીએ -વિનોદ જોશી
પ્રેરણાઅધીર અમદાવાદી

આપી આપીને તમે પીંછું આપો સજન !
ઝાડું આપો તો અમે વાળીએ…

ધુળે તો માળિયાની પત્તર ફાડી છે,
જાણે માળિયામાં આવેલી સેન્ડી;
ઝાટકેલી ધૂળ પહેલા નાકમાં જશે;
ને પછી ફેંફસામાં જશે એ હેંડી.

આપી આપી ને તમે પાટલો આપો સજન !
સીડી આપો તો ચડું માળિયે…

ડોલનું પાણી ચોકલેટી બન્યું છે,
મેલા પોતા બોળી બોળી;
એવા ખૂણાઓમાં કચરો ભરાયો છે,
જ્યાં પહોચી શકે બસ ગરોળી.

પોતાથી બગડી છે બધી દીવાલો સજન!
ચૂનો આપો તો અજવાળીએ.

આપી આપીને તમે પીંછું આપો સજન !
ઝાડું આપો તો અમે વાળીએ…

– સાક્ષર

તા.ક. –

પ્રેરણા

આ વખતે બે પોસ્ટ વખતે ઘણો લાંબો બ્રેક પડી ગયો, આની આગળની કવિતા પણ અધીર અમદાવાદીની પ્રેરણાથી જ લખી હતી અને આ પણ. જ્યાં સુધી અધીર અમદાવાદીની પ્રેરણાનો સ્ટોક ખતમ નહિ થાય ત્યાં સુધી લીધા કરીશું. બાકી કાર્તિકભાઈ ની પ્રેરણા લઇ ને એવું વિચાર્યું છે કે દર અઠવાડિયે એક અપડેટની પોસ્ટ કરવી, જેના લીધી બીજા કોઈને મજા આવે કે નહિ ભવિષ્યમાં મને તો મજા આવશે જ એ બધી પોસ્ટ જોઈને. શરૂઆતમાં એ જ આશયથી રોજબરોજ કેટેગરી બનાવી હતી, હવે વાપરીશું. જીવનમાં થતી રસપ્રદ ઘટનાઓ થી અપડેટની પોસ્ટ બનાવવાની પ્રેરણા મળ્યા કરશે

અથવા તો અપડેટની પોસ્ટના કારણે જીવન માં રસપ્રદ ઘટનાઓ કરવાની પ્રેરણા મળ્યા કરશે 🙂

ખારું કશું ન હોય તો…

(રાજેશ વ્યાસની ક્ષમા-યાચના સહ, પહેલી પંક્તિ માટે આભાર – અધીર અમદાવાદી)

ખારું કશું ન હોય તો ખાઈ બતાવ તું,
ખારું જ બધું હોય તો બીજું બનાવ તું.

અજવાળું નથી ઓરડે, બિલ ભર્યું ન’તુ,
કેન્ડલ લાઈટમાં જમીશું, બસ અહીં આવ તું.

પહેરવા કંઈ છે જ નહિ, ઓઢ્યું પણ કંઈ નથી,
તિબેટીયન માર્કેટ ખુલ્લું છે, પૈસા મોકલાવ તુ.

ઠોલાએ ઉભો રાખ્યો ત્યારે તારો એસ.એમ.એસ. જોયો,
“આગળની ચોકડીએ ઠોલો છે, બચી ને ચલાવ તુ.”

‘સાક્ષર’ હોવાનો ભ્રમ દાક્તરે આટલું કહી તોડ્યો,
“વાંચવું જો હોય તો ચશ્માં ના નંબર કઢાવ તુ”

– સાક્ષર

(ઠોલાવાળી પંક્તિ અધીર અમદાવાદીને સમર્પિત… 🙂 )

શું કરવું હતું… શું થઇ ગયું…

(“ભોમિયા વિના મારે” – ઉમાશંકર જોષી પરથી પ્રેરિત)

શું કરવું હતું…

GPS વિના મારે ભમવા’તા Mountain,
Highwayની દરેક exit જોવી હતી;
જોવા’તા Museums અને જોવા’તા Fountain,
અને Fountainની Mechanism જોવી હતી.

ધાબા-એ-બુર્જ-ખલીફે* વગર લીફ્ટે ચડી,
દર minuteનાં ધબકારા ગણવા હતા;
world-record તૂટે એમ કાઢી હડી**,
પીઝાના રોટલા વણવા હતા.

શું થઇ ગયું…

વગર GPSએ તો એવો ભમ્યો કે,
exitતો એકપણ દેખાય નહિ;
Fountainની mechanismમાં એટલું સમજ્યો કે,
એની નીચે ઉભા રહેવાય નહિ.

જેમતેમ કરીને પહોંચ્યો પાંચમાં માળે,
અને મારી બધી હિમંત તૂટી ગઈ;
Pizza વિષે લખું તો કયા કાળે,
પેનની રીફીલ મારી ખૂટી ઈ.

-સાક્ષર

*ધાબા-એ-બુર્જ-ખલીફા – બુર્જ ખલીફા નામની(વિશ્વની સૌથી ઉંચી) ઈમારતનું ધાબુ

**હડી કાઢવી- દોડવું

તા.ક. –

ઉમાશંકરદાદા કહે છે એમ, ભોમિયા વિના ડુંગર ફરો કે GPS વગર mountains… છેલ્લે દાવ જ થાય છે…