ચા પ્રેમીની કવિતા

(રાગ – હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ – ‘મરીઝ’)

હું ક્યાં કહું છું આપની બા હોવી જોઈએ,
પણ મળવા તમને આવું તો ચા હોવી જોઈએ.

ચા એકલી થી તો મને ચાલતું નથી ;
શીરો ખાવા મળે એ માટે કથા હોવી જોઈએ.

મારા જેવા માટે તો ચા અમૃત જ તો છે;
પંચામૃતમાં ચા ઉમેરવાની પ્રથા હોવી જોઈએ.

ઓફીસમાં કામ વચ્ચે તો બહુ ટાઈમ ના મળે;
ચા પીવા માટે સ્પેશિયલ રજા હોવી જોઈએ.

દિવસમાં એક પીવો ત્યાં સુધી તો ઠીક છે ‘સાક્ષર’
બાટલા ચડાવવા પડે એવી ટેવ ના હોવી જોઈએ.

– સાક્ષર

તા.ક. –

૧.  છેલ્લી પંક્તિ ખરેખર છેલ્લી છે એવું  લાગે એટલે અમારા નામ ને તખલ્લુસ તરીકે વાપરી કાઢ્યું છે

૨. હું ચા નથી પીતો. 🙂

વાર્તામાં વળાંક: પહેલી ચા ઢોળવા પાછળનુ Logic

ચા પીતો દેડકો

” ચાની કીટલી વાળા સવારની પહેલી ચા રસ્તા ઉપર ઢોળી દે છે. પહેલી ચા ને જગ-ડખા ની ચા પણ કહે છે.”

બહુ વખત પહેલાની વાત છે. અડધી વાર્તા તો બધાને ખબર જ છે એટલે એના મુદ્દા લખી કાઢુ છુ… કોઇને ઇચ્છા થાય તો એના પર થી વાર્તા લખી લેવી…

પાર્વતીજી નો આદેશ – ગણપતિ નુ બારણે ઉભા રહેવુ – શંકર ભગવાનનુ ગણપતિ નુ મસ્તિષ્ક કાપવુ – પાર્વતીજી નો ગુસ્સો – માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લાવવાનો આદેશ( હા આદેશ…ભલે ને ભગવાન રહ્યા…પત્નીનો હમેશા આદેશ જ હોય… એ ટાઇમ થી ચાલ્યુ આવે છે)

હવે આપડા Interest ની વાત ચાલુ થાય છે:
તો ભગવાન શંકર નીકળ્યા ત્રિશુળ લઇને માર્ગમાં જે પહેલુ મળે એનુ મસ્તિષ્ક લેવા માટે(BOSS નો Order હતો ને!!!)… હવે ચાલતા ચાલતા પાર્વતીજી ના ગુસ્સા પ્રત્યે જ ધ્યાન હતુ…એટલે એવા વિચારો માં માર્ગ પર જોતા ન હતા…ત્યાં રસ્તામાં બે નિર્દોષ દેડકા(દેડકાઓ હંમેશા નિર્દોષ જ હોય છે…કોઇ દિવસ તમને દેડકો કરડ્યો છે?) રમતા હતા… એમને મહાદેવના પગની લાત વાગી…અને દુર ફેંકાઇ ગયા…અને બંનેને માથામાં બેઠો માર પડ્યો(માર હંમેશા બેઠો જ કેમ હોય છે??? કોઇ ને ખ્યાલ છે ?)… અને માથુ દુ:ખવા લાગ્યુ… અને

બંને મહાદેવને રોકવા માટે બુમો પાડવા લાગ્યા… “ઘોર અન્યાય મહાદેવ….ઘોર અન્યાય”

શંકર ભગવાનને થયુ, ” યાર આજે કોનુ મોઢુ જોયુ તુ સવારે?? એક તો ઘરે અન્યાય કરીને આવ્યો…પત્ની નુ Tension ને એમાં આ બીજા કોઇ ને અન્યાય કરી નાખ્યો ”

ભગવાન રોકાયા… બંને દેડકા કહે, ” હે પ્રભો! તમે લાત મારી ને અમારુ માથુ દુખે છે, કંઇક ઉપચાર કરો.. અને હવે અમારી આખી પેઢીને માથુ દુ:ખશે”

ભગવાને કહ્યુ, ” હે દેડકાઓ…ચિંતા ન કરો…જાઓ હું તમને વરદાન આપુ છુ…(શંકર ભગવાન વરદાન આપવામાં Champion હતા…સૌથી વધારે વરદાન આપવાનો રેકોર્ડ એમના નામે છે… એમને મહાદેવ કહેવાય છે એનુ એક કારણ એ પણ છે)…કે દરેક ચા વાળો પહેલી ચા તમને પાશે… જેથી તમારી આવનારી દરેક પેઢીમાં કોઇને માથાનો દુ:ખાવો નહિ થાય.”

બંને દેડકાઓ એ કહ્યુ, ” પણ અમે મોટાભાગનો સમય તો જમીન ની અંદર હોઇએ છે શીતનિંદ્રામાં…”

ભગવાન ઉવાચ , “હે દેડકાઓ… ચિંતા ન કરો…ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળશે…અને તમે શીતનિંદ્રા દરમિયાન જમીનમાં પણ ચા મેળવી

શકશો..”

એક દેડ્કો બોલ્યો: “Thank you ભગવાન. પણ Excuse Me …તથાસ્તુ તો બોલો.”

ભગવાન : ” તથાસ્તુ ”

અને ત્યારથી ચા વાળો પહેલી ચા જમીન પર ઢોળે છે.

હા અને પેલા બે દેડકાઓ નુ નામ હતુ : “જગ” અને “ડખો”
એટલે પહેલી ચા ને “જગ-ડખા” ની ચા કહે છે…


(નોંધ – વાર્તામાં આવતા “અમુક” પાત્રો અને તમામ ઘટનાઓ કાલ્પનિક છે. તેમની કોઇ પણ જીવીત કે મૃત વ્યક્તિ,દેડકા કે ઘટના સાથે થતી સમાનતાને માત્ર એક સંયોગ ગણવો)