શાંત ચિત્તે વાટ લગાડતી…

વાટ લગાડતી…

(પ્રેરણા અને પહેલી પંક્તિ (“ઘાસ જોઈ હરખાતું’તું” સુધી) માટે અધીર અમદાવાદી નો આભાર, )
(રાગ – શાંત ઝરુખે વાટ નીરખતી – મનહર ઉધાસ)

શાંત ચિત્તે વાટ લગાડતી રૂપની રાણી જોઈ હતી,
મે એક બરબાદી જોઈ હતી.
એના હાથની ઝાપટ ખાધી’તી,
એના મુખથી કાજળ ઉજળું હતુ,
એક નાનુ સરખુ ડાઈનોસોર જાણે,
ઘાસ જોઈ હરખાતું’તુ.

એના દાંતોના પણ દાવ હતા,
એના હોઠ પર દાંતના ઘાવ હતા,
એને ભાજી ઘણી વહાલી હતી,
એના ફ્રીજમાં ખાલી પાવ હતા.

એની આખોમાં આંસુની મંદી,
એને ડાકુઓ સાથે ભાઈબંધી,
એને સંભાળી ના શકો તમે,
જો તમ પર કોઈ દી એ વંઠી.

એ મેકપ કરવું વારતી’તી,
એ સિંહોને પણ ચારતી’તી;
કોઈ હસીને સામે આવે તો,
દારાસિંગ જેવું મારતી’તી.

વર્ષો બાદ ફરીથી આજે
એની સાથે પનારો પડ્યો છે,
એના હજુયે ભારે બુટ છે,
એ હજુયે એટલી મજબુત છે,
આ ડાબા હાથનું ફ્રેકચર મારું
એ વાતનું એક સબુત છે.

કોણ હતી એનું નામ હતું શું
એ પણ કોઈ ક્યાં જાણે છે;
કોને ખબર એની કેટલી એફ.આઈ.આર.
કેટલા પોલીસ થાણે છે.

– સાક્ષર

તા.ક. – ત્રણ પ્રોબ્લેમ છે.
૧. વાળ સફેદ થવા લાગ્યા છે.
૨. વાળ ખરે છે.
૩. સફેદ વાળ નથી ખરતા.

કવિ બનવું છે?

તો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો:

૧. કમ્પલસરી વાપરવા પડે એવા શબ્દો: મૃગજળ, ઝરણું, આભ, ઝાકળ, ઝળહળવું વગેરે… (મૃગજળ અતિ અગત્યનો શબ્દ છે)

૨. ‘પ્રેમ’ અને ‘મૃત્યુ’ વિષયો પર ઢગલાબંધ કવિતા લખવી.

૩. સેન્ટી કવિતાનો ટી.આર.પી. સાદી કવિતા કરતા વધારે હોય છે…એટલે કે પ્રેમ ની કવિતામાં વિરહ ઉમેરવું.

૪. સહેલા શબ્દો કદિ ન વાપરવા જેમ કે બારણું શબ્દ વાપરવાની જરૂર હોય ત્યાં ‘દ્વાર’ કહેવું, પગ ની જગ્યા એ ‘ચરણ’ વગેરે વગેરે…

૫. ઉપમાઓ આપવી અનિવાર્ય છે… લહેરો જેવા વાળ અને સમુદ્ર જેવી આંખો ને એવું બધું…

૬. થોડાક છંદ શીખી લેવા… જો કે ના શીખો તો અઘરા શબ્દો વાળી કવિતાઓ લખી પોતે ‘અછાંદસ સ્પેશીયાલીસ્ટ’ છો એવી રીતે પોતાના વખાણ કરાવવા.

૭. પોતાનું એક તખલ્લુસ રાખવું જે મારી મચેડીને છેલ્લી પંક્તિમાં લાવી દેવું… એક શબ્દનું કોઈ પણ નામ હોય તો ચાલે…. પણ જેટલું અઘરું રાખો એટલું છેલ્લી પંક્તિ માટે એક નવો અઘરો શબ્દ શોધવાની મહેનત ઓછી.

(બસ આનાથી વધારે વિચારો નથી આવતા… આવતા હોત તો કવિ હોત)

——

તો આ સાંભળીને કવિશ્રી અધીર અમદાવાદી એ આ બધા મુદ્દાઓ આવરી લઇને ઉદાહરણ કવિતા બનાવી.

મને મારા જ પડછાયા આકરા લાગે છે. (શરુઆતમાં એક અધરી વાત કહી દો )
શશિ આભમાં સળગતા કાકડા લાગે છે.

કે ત્યાં લગી આવી અટકી ગયા પગરવ
એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે.
(અઘરા શબ્દો :દ્વાર, પગરવ, સમીપ)

મધુર રસ સભર અસર અંતર તરબતર (અલંકાર)
હોઠ જલેબી, હાથ તારા ફાફડા લાગે છે. (ઉપમા)

ગાલગા ને ગાગાલગા એ ઘોળીને પી ગયા (તખલ્લુસ ઘુસાડો !)
‘અધીર’ સાચા કવિ થવાના તાયફા લાગે છે.

– અધીર અમદાવાદી

—–

તા.ક. –

ઈચ્છાઓ, તદબીરો, વિચારો, સંકલ્પો અને ઈરાદા આપી દઉં,
તમારી આ કવિતા પર જન્મો-જન્મના વાદા આપી દઉં,
તમારી આ કવિતા એટલી તો ગમી છે ‘અધીર’;
દાદ તો શું તમારી કવિતા માટે દાદા આપી દઉં.

– સાક્ષર

(પ્રાસ સાચવવા માટે લોકો દાદાને પણ નથી છોડતા)

પત્નીને મારી કોમ્પ્યુટર હોવાનો વ્હેમ છે…

બે દિવસ પહેલાં જ શ્રી અધીર અમદાવાદીની એક રચના પોસ્ટ કરી હતી… આજે પણ એમની જ એક નવી રચના માણો.

૩૮૬નુ પ્રોસેસરને ૬૪ એમ્ બી. રૅમ છે.
પત્નીને મારી કોમ્પ્યુટર હોવાનો વ્હેમ છે.

તોયેએ કેમ ગરમ થઈ જાય છે????
ચાર ચાર તો નાખ્યા ઘરમાં ફેન છે.

સ્પીડ ઓછી છે નેટ્ની જેમ્ એની
લાગે છે જાણે મગજમાં ટ્રાફિક જૅમ છે

ટીવીને નેટ સર્ફિંગમાં એ તો એક્સ્પર્ટ
ને ચોક્ડીમાં સર્ફના પડીકા એમનેમ છે

બૅકગ્રાઉન્ડમાં ચાલતા ‘અધીર’ના પ્રોગ્રામોને હેન્ગ કરે
આતો પત્ની છે કે સસરાએ મોક્લેલ સ્પેમ છે?

© અધીર અમદાવાદી
“નકલી અમદાવાદીઓ અને ગાયોથી ચેતતા રહેજો!”

લખુ ઝાકળથી પત્ર ને તમે તડકામાં ખોલો તો?


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો?

વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો?

ખેતરના શેઢે, કુદરતના ખોળે, આપણે બેઉ બેઠા હોઇએ

પ્રેમની હું વાતો કરુ ને તમે..તુવેરની સીગો ફોલો તો?

ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર્ રમરમાટ

પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો?

સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નિકળ્યા

આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો?

નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય “અધીર”ના કેશમાં

ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો?

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

© “અધીર” અમદાવાદી
“નકલી અમદાવાદીઓ અને ગાયોથી ચેતતા રહેજો!”

ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ

તેમની અન્ય રચનાઓ અહીં માણોઃ
http://adhir-amdavadi.blogspot.com/

(મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી’ )