6- દિવાળી આવી ગઈ (#100ગઝલપ્રોજેક્ટ)

હોજરીમાં થાય આક્રમણ, તો દિવાળી આવી ગઈ.
પગના અંગુઠાનું ગ્રહણ, તો દિવાળી આવી ગઈ. *

ફોડે તું લુમોની લુમો કે ધરે બક્ષિસ તું,
થાય પૈસાના ધૂમાડા, તો દિવાળી આવી ગઈ.

ધૂળ માં રહેઠાણ તારું જો મળે કોઈ દિવસે,
હે કરોળિયા સમજજે, તો દિવાળી આવી ગઈ.

ગામના દરેક બાળકને મળી ગઈ નોકરી,
શિવકાશી** ને થયું, ચાલો દિવાળી આવી ગઈ.

સાક્ષર

**શિવકાશી એ તામિલનાડુમાં આવેલું એક નગર છે જયાં ભારતના 70% જેટલા ફટાકડા અને દીવાસળીનું ઉત્પાદન થાય છે અને ત્યાંની ફેક્ટરીઓ બાળમજૂરી માટે કુખ્યાત છે.

તા.ક. –
દિવાળીના ફાયદા તો ઘણા છે અને ઉજવાય પણ છે
પણ એક નજર દિવાળીના ગેરફાયદા પર, એટલે આ ગઝલ 🙂

*
એકટાણા, ઉપવાસ અને સલાડનું શરણ નથી ગમતું,
ટ્રેડમિલ અને રસ્તા પર થતું ટાંટિયાનું મરણ નથી ગમતું;
આ બધા સિવાય કોઈ સરળ રસ્તો હોય તો કહો;
આમ પેટ દ્વારા થતું પગના અંગુઠાનું ગ્રહણ પણ નથી ગમતું.
– સાક્ષર

દિવાળીની સાફસફાઈ: ઝાડું આપો તો અમે વાળીએ

પીંછાવાળું ઝાડું

મૂળ રચનાપાંખો આપો તો અમે આવીએ -વિનોદ જોશી
પ્રેરણાઅધીર અમદાવાદી

આપી આપીને તમે પીંછું આપો સજન !
ઝાડું આપો તો અમે વાળીએ…

ધુળે તો માળિયાની પત્તર ફાડી છે,
જાણે માળિયામાં આવેલી સેન્ડી;
ઝાટકેલી ધૂળ પહેલા નાકમાં જશે;
ને પછી ફેંફસામાં જશે એ હેંડી.

આપી આપી ને તમે પાટલો આપો સજન !
સીડી આપો તો ચડું માળિયે…

ડોલનું પાણી ચોકલેટી બન્યું છે,
મેલા પોતા બોળી બોળી;
એવા ખૂણાઓમાં કચરો ભરાયો છે,
જ્યાં પહોચી શકે બસ ગરોળી.

પોતાથી બગડી છે બધી દીવાલો સજન!
ચૂનો આપો તો અજવાળીએ.

આપી આપીને તમે પીંછું આપો સજન !
ઝાડું આપો તો અમે વાળીએ…

– સાક્ષર

તા.ક. –

પ્રેરણા

આ વખતે બે પોસ્ટ વખતે ઘણો લાંબો બ્રેક પડી ગયો, આની આગળની કવિતા પણ અધીર અમદાવાદીની પ્રેરણાથી જ લખી હતી અને આ પણ. જ્યાં સુધી અધીર અમદાવાદીની પ્રેરણાનો સ્ટોક ખતમ નહિ થાય ત્યાં સુધી લીધા કરીશું. બાકી કાર્તિકભાઈ ની પ્રેરણા લઇ ને એવું વિચાર્યું છે કે દર અઠવાડિયે એક અપડેટની પોસ્ટ કરવી, જેના લીધી બીજા કોઈને મજા આવે કે નહિ ભવિષ્યમાં મને તો મજા આવશે જ એ બધી પોસ્ટ જોઈને. શરૂઆતમાં એ જ આશયથી રોજબરોજ કેટેગરી બનાવી હતી, હવે વાપરીશું. જીવનમાં થતી રસપ્રદ ઘટનાઓ થી અપડેટની પોસ્ટ બનાવવાની પ્રેરણા મળ્યા કરશે

અથવા તો અપડેટની પોસ્ટના કારણે જીવન માં રસપ્રદ ઘટનાઓ કરવાની પ્રેરણા મળ્યા કરશે 🙂