સભર રીલોડેડ

ગયા વખતે ઇન્ડિયા ગયો હતો ત્યારે મારા નાના(?) ભાઈ સભર માટે એક કવિતા લખી હતી.
એ વખતે સભર મોટી સાઈઝમાં ઉપલબ્ધ હતો અત્યારે એ સાઈઝનો ઉપયોગ કેવી રીતે કરે છે એની કવિતા.

(છંદ- ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

બે-ત્રણ ગુંબા મારીને એ દાંતો આડા પાડે છે,
ગાલોમાંએ એવી રીતે મોટા ખાડા પાડે છે.

ઘોડા જેવો છે એ તોયે ઘોડા માટે માન નથી ,
ઘોડાને ટંગડી મારીને ઘોડાગાડા પાડે છે.

કરોળિયા પણ બઘવાયા’તા જ્યારે એણે શ્વાસ લીધો,
કોણે અમને ખેંચ્યા બાપુ, આ કોણ જાળા પાડે છે?

જંગલમાં એ જાતો ત્યારે વાનરને મારી લાફો
કાનો મરડી પૂછે કે, “કેમ મારા ચાળા પાડે છે?”

– સાક્ષર

———————————
તા.ક. –
———————————

પગ વચમાં લાવી દીધો અમે ય કેવા ચક્રમ નીકળ્યા;
યોર્કર અમને ફાવે નહિ , અને એ પણ પાછા અક્રમ નીકળ્યા.

Advertisements

આવ્યા છો તો હખણા થઇ ને રહો…

બે પ્રકારના બાળકો હોય છે: ડાહ્યા અને તોફાની બારકસ. ૯૩% બાળકો તોફાની બારકસ હોય છે અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે હાલરડાઓ ઉપલબ્ધ છે એ બાકીના ૭% બાળકો માટે જ હોય છે. મોટા વર્ગને અન્યાય થઇ રહ્યો છે, એ અન્યાયની વિરોધમાં આ પ્રથમ પગલું છે…

(પહેલી પંક્તિ અને પ્રેરણા માટે આભાર – બધિર અમદાવાદી; બાકીની પંક્તિઓ માટે આભાર – લોકગીત)

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા દિવેલ પીધેલ છો!
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી તમે જ કો’ આ મારી કયા જનમની ભૂલ !

તમે મારું ખોટું નાણું છો, કેમ કરી તમને વખાણું ક્હો?
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ.

તમે ખાટલે પડેલી ખોટ છો,તમે એક મોટ્ટી નોટ છો.
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

– સાક્ષર

તા.ક. – હું અને મારો ભાઈ, બંનેમાંથી એક માટે “અમર થઇને રહો” અને બીજા માટે “હખણા થઇ ને રહો…” લાગુ પડે છે.

નોંધ – ટેગને જોઈને કોઈ નિર્ણય ન લેવો.

સભર

હમણા ઇંડિયા આવ્યો અને મારો ભાઇ સભર મને 2.5 વર્ષ બાદ મળ્યો, પહેલા જે જોયો હતો અને અત્યારે 2.5 વર્ષ બાદ એના આખા બંધારણમાં બહુ જ ફરક આવી ગયો છે અને એની શક્તિ નો પરિચય એ કોઇને પણ ભેટે ત્યારે થઇ જાય છે… તો આ ઘટનાને આધારિત એક કાવ્ય મારા મગજમાં સ્ફુર્યુ તે અહીઁ પ્રસ્તુત છે:

પહેલા કરતા વધુ શક્તિશાળી અને કટિબધ્ધ છે,

હવે સભર મોટી સાઇઝમાં ઉપલબ્ધ છે.

મહાભુજાઓમાં જકડાયેલા હો, ત્યારે છુટવાનું તો છોડો;

એકાદ બે શ્વાસ લેવાય તો પણ તમારુ પ્રારબ્ધ છે.

…હવે સભર મોટી સાઇઝમાં ઉપલબ્ધ છે.

30ની કમરનુ પેંટ, સ્મોલ સાઇઝ નુ શર્ટ અને 7ની સાઇઝના બુટ,

આ બધા આંકડાઓ સભર માટે અસંબદ્ધ છે.

…હવે સભર મોટી સાઇઝમાં ઉપલબ્ધ છે.

ગમે ત્યારે ખોખરા થવાની સંભાવના છે,

આ કવિતા સંભળાવી નથી ત્યાં સુધી મારા હાડકા અકબંધ છે.

…હવે સભર મોટી સાઇઝમાં ઉપલબ્ધ છે.

-સાક્ષર ઠક્કર