વાર્તામાં વળાંક: પગલુછણીયાની આત્મકથા

ક્યારેક જીવનનો અર્થ શોધવામાં ઘણું મોડું થઇ જાય છે, મારે પણ એવું જ થયું.

મારો જન્મ એક કારખાનામાં થયો, જન્મબાદ મને મારો આકાર અને માપ જોઇને લાગ્યુ કે મારો ઉપયોગ કોઇ નાના બાળકને ઠંડીથી બચાવવા માટે થશે, નાના ચોરસા તરીકે. અને એ જ હોશમાં હું ગયો એક “સસ્તાં પ્રોવિઝન સ્ટોર” માં. એક દિવસ મને ત્યાંથી બે સ્ત્રીઓ આવી ને ખરીદી ગઇ. હું એકદમ ખુશ હતો, મને થયું કે મારુ જીવન સાર્થક થઇ ગયું, મારો જન્મ કોઇ બાળક ને ઠંડીથી બચાવવા થયો છે ને તે હવે હું કરી શકીશ.

મને એમના ઘરે લઇ જવામાં આવ્યો અને બહારનાં કક્ષની બહાર નાંખવામાં આવ્યો, પહેલા તો મને એમ થયું કે એ લોકોથી ભુલથી હું પડી ગયો હોઇશ, પણ જયારે મારી પર પગ લૂછવામાં આવ્યા ત્યારે મને મારા જીવનનો સાચો અર્થ સમજાયો. અને હું દુઃખી થઇ ગયો.પણ પછી મને થયું આમ દુઃખી થવાથી થોડું ચાલે. ગમે તેમ તોય હું ગંદકી સાફ કરું છું, ભલે મને એટલું માન ના મળે. દિવસે દિવસે મારો ઉપયોગ જેમ જેમ થવા માંડ્યો મારી પર ગંદકીના થર જામવા માંડ્યા. જો કે એક દિવસ એક સ્ત્રી ઘર સાફ કરતી કરતી મારી પાસે આવી અને મને થયુ કે હાઇશ હવે મને પણ સાફ કરવામાં આવશે અને થયું પણ એવું જ.

પણ મને સાફ કરવાની જે રીત હતી તે મને અનુકુળ ન આવી. એણે મને ઉંચકીને દિવાલ સાથે(એ પણ ઘરની બહારની, જ્યાં સિમેન્ટ ઉપસેલો હોય ત્યાં) પછાડવામાં આવ્યો. અને જે મારા શરીરનાં હાલ થયા. ત્યારપછી, જ્યારે જ્યારે પણ મને સાફ કરવામાં આવતો, મને ઘણો જ દર્દ થતો. આ જ મારા જીવનની કરુણતા હતી, જ્યારે સાફ થતો ત્યારે મારવામાં આવતો અને બાકી નો ટાઇમ ગંદો કરવામાં આવતો.

એક દિવસ મારી માલકણ, ઘરમાં આવી અને એની થેલી માંથી બીજા મારા જેવા જ પગલૂંછણીયાને નાખવામાં આવ્યો. અને મને ઉઠાવીને કચરાટોપલીમાં. મંગુભંગી મને બીજા કચરા સાથે લઇ જતો હતો અને એને એક વિચાર આવ્યો મને જોઇને, એણે મને પાણી થી અને સાબુથી સરસ સાફ કર્યો, અને એના બાળક પર ઓઢાળી દીધો. ત્યારે મને થયું કે ગરીબો જે સુખ આપી શકે છે એ અમીરો નહિ આપી શકે, અને મારું જીવન સાર્થક થયું.

આમ, પહેલા કપરા દિવસો કાઢીને અત્યારે હું સરસ જીવન વિતાવું છું પણ જે દિવસે મને જૂના ઘર માંથી કાઢવામાં આવ્યો હતો તે દિવસની વાત યાદ કરીને, મને અત્યારે પેલા બીજા પગલુછણિયાની ચિંતા થાય છે એને જ્યારે મારી પાસે ઘરમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે મને પુછ્યું હતું કે, ” નાનું બાળક ક્યાં છે?” અને હું કાંઇ જવાબ આપું એની પહેલા જ મને કચરાટોપલીમાં નાખવામાં આવ્યો હતો.

-સાક્ષર

તા.ક. –   આ સંસારચક્ર ચાલ્યા જ કરશે. પગલુછણિયા બદલાયા કરશે પણ માણસ નહિ બદલાય.