લેપટોપને શબ્દાંજલિ…

T = Current Time
(Time given is approximate time)

Time: T minus 5 days

૩ દિવસથી લેપટોપ અડધા કલાકથી વધારે નથી ચાલતું, ગરમ થઇ ને બંધ થઇ જાય છે . આજે તો એનું ઓપરેશન કરવું જ પડશે, અને જાણે મારા મનની વાત સાંભળી ગયો હોય એમ મ્હાત્રે(મારો રૂમમેટ) , “अरे कुछ तो फेन का ज़ोल होगा | खोल के देखते हैं |मैंने इंडियामें २-३ फ्रेंड्स के लेपटोप खोले थे |”
અને આમ બેસી ગયા લેપટોપ ખોલીને અને “fanના ઝોલ” ને દુર કરવા, એને સાફ કર્યો. આખી પ્રક્રિયામાં ૫૦ એક સ્ક્રુ ખોલ્યા’તા, લેપટોપ પર સ્ક્રુ ફીટ તો કરી દીધા, પણ ૩ સ્ક્રુ વધ્યા.

મેં અને મ્હાત્રે એ ભગવાનનું નામ લઇ ને લેપટોપ ચાલુ કર્યું અને પ્રયોગ સફળ. લેપટોપ ચાલુ. અમારી આ ખુશી લોગીન સ્ક્રીન આવી ત્યાં સુધી જ રહી, ખબર પડી કે માઉસ અને કી-બોર્ડ નથી ચાલતા. પાછુ ખોલી અને બીજું કંઈ બગાડવું એના કરતા એક્ષ્ટર્નલ માઉસ અને કી-બોર્ડ લઇ આવવાનું વિચાર્યું અને માઉસ અને કી-બોર્ડ આવતાની સાથે જ મારું લેપટોપ ફરી પાછુ હેવી-વેઈટ થઇ ગયું. ( હવે મારે માઉસ અને કી-બોર્ડ લઇ ને બધું ફરવું પડશે)

Time: T minus 1 year


પહેલા તો ૫ મીનીટ પણ ચાલતું હતું. હવે તો જેવો પ્લગ નીકાળું એવું લેપટોપ બંધ થઇ જાય છે. મને થયું થાય હવે, ૨ વર્ષ થયા રોજ ૨૪ કલાક ચાલે છે હવે તો બેટરી ઉડી જ જાય ને, અને મારું લેપટોપ ટી.વી. બની ગયું, સારી ભાષામાં કહું તો(ટી.વી. – ઇડીયટ બોક્સ, યુ નો) ડેસ્કટોપ બની ગયું. બેટરી લેપટોપમાં હતી પણ કોઈ કામની નહિ, પાવર પ્લગ નીકાળો એટલે લેપટોપ બંધ.
એમ તો પાછા આપણે છોડીએ નહિ, ગુજરાતી રહ્યા ને! ગુગલ કર્યું, એક ફોરમમાં જાણવા મળ્યું કે બેટરી ઉડી ગઈ હોય પછી પણ થોડો ચાર્જ એમાં હોય છે, અને એ મેળવવા માટે બેટરીને ફ્રીઝરમાં ૨ દિવસ મુકવી પડે, એટલે થયું ટ્રાય કરી જોઈએ, નહિ થાય તો એમેય ક્યાં અત્યારે ચાલે છે! એટલે પનીર અને બરફની ટ્રે ની વચ્ચે લેપટોપની બેટરી મૂકી.

Time: T minus 1 year plus 2 days


બેટરીનો શીતનિંદ્રામાંથી આવવાનો સમય થઇ ગયો હતો, અને એક ચમત્કારની આશા સાથે બેટરી લેપટોપમાં નાખી અને લેપટોપ ચાલુ કરી પ્લગ કાઢ્યો અને લેપટોપ બંધ.
બેટરી Dispose કરી દીધી. કંઈ નહિ ચાલો લેપટોપ લાઈટ-વેઈટ થઇ ગયું.

Time: T minus 4 days

“ભલે એક કી-બોર્ડ ને માઉસ સાથે લઇને ફરવું પડે, પણ લેપટોપ બરાબર ચાલે તો છે ને! એ જ મોટી વસ્તુ છે. ચાલો આજથી દર અડધો કલાકે લેપટોપ બંધ થઇ જશે એની ચિંતા કરવી મટી.” આમ વિચારી ગઈકાલ રાતનાં કામયાબ ઓપરેશન પછી આજે પહેલીવાર લેપટોપ ચાલુ કર્યું.

અને…

કમાલ થઇ ગયો….સળંગ ૧૨ કલાક અટક્યા વગર લેપટોપ ચાલ્યું. આજની ઊંઘ રોજ કરતા સારી આવવાની હતી. જો કે કાલની ઊંઘ આજની જેવી જ રહેવાની છે એવી ક્યાં કોઈ ખાતરી હતી.

Time: T minus 3 years, Venue: Best Buy, Rochester, NY

“Sony Vaio જો તો કેટલામાં છે?”

“૮૫૦.”

“અરે પણ જવા દે આપડા કામનું નથી Budgetની બહાર છે”

“આ ૫૫૦માં છે. ગેટ-વે કરી ને કોઈ છે”

“જવા દે યાર નામ પણ નથી સાંભળ્યું”

આમ એક પછી એક cancel કરતા કરતા અમારું ૭ જણનું ટોળું તોશીબા પર અટક્યું,

કિંમત – $૭૫૦ , 2 GB RAM , 120GB HDD , AMD Turion 2.0GHz, Integrated Webcam અને free Printer. J

સાતે જણ  એક સરખા લેપટોપ લઇને Best Buyની બહાર નીકળ્યા.

ઘરે જઈને જલ્દીથી લેપટોપનું ખોખું ખોલીશુંના excitementમાં ખોખું લઇને બસમાં બેઠા, અને આખા રસ્તામાં ખોખા પર રહેલી બધી વિગતો વાંચી લીધી. ક્યાંય expiry date નહોતી લખી.

Time: T minus 3 days

ગઈકાલ રાતની સરસ ઊંઘ પછી બેફીકર થઇ લેપટોપનું પાવર બટન દબાવી તે બુટ થાય ત્યાં સુધી બ્રશ કરવા બાથરૂમમાં ગયો. પાછો આવીને જોયું તો લેપટોપ બંધ.

ફરી પાવર બટન દબાવ્યું. ૨ સેકંડ ચાલ્યું. પાછુ બંધ.

ફરી ચાલુ કર્યું, ૩-૪ સેકન્ડ પછી બંધ.

ભલે ખોખા પર લખી નહોતી, પણ બોસ, expiry date આવી ગઈ છે.

Time: T

લેપટોપમાં પ્રોબ્લેમ શું છે ખબર પડી ગઈ છે. ગરમ થાય છે તો બંધ થઇ જાય છે, અને ઠંડું હોય છે ત્યારે ચાલુ નથી થતું. સાંજે ઓફીસથી ઘરે જઉ ત્યાં સુધીમાં ઠંડું થઇ ગયું હોય છે, અને પુરમાં ક્યાંક સ્કુટર ફસાઈ ગયું હોય અને કીક મારી ને ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ એ રીતે ૨ કલાકે ચાલુ થાય છે. પહેલા ૨ સેકંડ, પછી ૪ સેકંડ, પછી પહેલી સ્ક્રીન સુધી, પછી લોગીન સ્ક્રીન સુધી, પછી કોઈ એપ્લીકેશન ખોલો ત્યાં સુધી એમ કરી ને ૧.૩૦ એક કલાકે સારી રીતે ચાલુ થાય છે અને ૧૫ મીનીટમાં ગરમ થઇને બંધ થઇ જાય છે, પછી તરત ચાલુ નથી થતું, થોડું ઠંડું કરવા દઈ ને ચાલુ કરવું પડે, અને ફરીથી એ જ પ્રોબ્લેમ.

હવે, તોશી’બા’ ઘરડા થઇ ગયા છે. L

તા.ક. ૧ – શ્રી લઘરવઘર અમદાવાદી એ કહ્યું છે કે , “બહુ લખવું નહિ, લોકો એ વાંચવાનું પણ હોય છે” એમના આ નિયમનો આજે ભંગ કરી ને ઘણું બધું લખી દીધું છે, પણ જેની સાથે મારા દિવસનો સૌથી વધારે સમય પસાર કરતો હોઉં એ લેપટોપ માટે આટલું તો નહિ તુલ્ય છે.

તા.ક. ૨ – થોડા દિવસ પહેલા જ ખબર પડી કે દુનિયાનું પહેલુ Mass-Market Laptop Computer તોશીબાનું હતું અને ૨૫ વર્ષ પછી એ હજુ પણ ચાલે છે. (“સૌથી ઘરડા તોશી’બા’ “)

લીંક – http://thenextweb.com/shareables/2010/10/26/worlds-first-laptop-25-years-old-and-running/

ટૂંકમાં, મને લેપટોપ વાપરતા બરાબર નથી આવડતું.