હવે પહેલો વરસાદ – Parody કવિતા

વડોદરાનો વરસાદ

(પ્રેરણા: હવે પહેલો વરસાદ – ભગવતીકુમાર શર્મા અને આ ફેસબુક પોસ્ટ)

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહિ;
હવે ડાકોર ના ગોટા અને દાળવડા મોટા અને ભજીયા નો સ્વાદ એવું કાંઈ નહિ… હવે પહેલો વરસાદ…

કોઈ દોરીના ટુકડા પર ભીના ભીના લૂગડાં લટકાવે નહિ,
મને ઉની ઉની રોટલી સાથે કારેલાંનું શાક પણ ભાવે નહિ,
કોઈ પાવરકટમાં, કોઈ અંધારપટમાં, આપે માચીસને દાદ, એવું કાંઈ નહિ.
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં….

બધી બારીઓ બંધ, નથી માટીની ગંધ, ના’વે ફુદા ટ્યુબલાઈટ સાથે ભમવા,
મળે કાગળ તો હોડી બનાવી ય લઉં પણ ક્યાં જાઉં હોડી લઇ રમવા!!
હવે દેડકાનું ડ્રાંઉ અને ચાતકનું wow, અને મગર ને શ્વાન, એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં…

– સાક્ષર

તા.ક. – અમેરિકામાં વરસાદ પડે છે ત્યારે શું નથી થતું એની કવિતા…


આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ!
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

રમેશ પારેખ

કુતરાપૂંછનું ઓશીકું

(રાગ: મોરપીંછની રજાઈ ઓઢી – સુરેશ દલાલ)

કુતરાપૂંછનું ઓશીકું બનાવી તમે સુઓને શ્યામ,
અમને થાય પછી આરામ.

કુતરાનું નાનું કુરકુરિયુ
રાખો આજુ બાજુ,
તમારી સાથે પોઢાડો એને,
ના થાય આઘું પાછુ.
કોઈ ચોર જો આવશે તો
એ ગજવી મુકશે ગામ.
અમને થાય પછી આરામ.

અમે તમારા સપનામાં પણ
કુતરું મોકલી દઈશું,
હું, તમે અને કુતરું ત્રણેય
અસુર સંહારે જઈશું.
કુતરું ભરશે બચકું
અને અસુરો ત્રાહીમામ….
અમને થાય પછી આરામ.

– સાક્ષર

તા.ક. – આજે સવારે કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદીનો એક આર્ટીકલ વાંચ્યો. એમાં લખ્યું હતું કે ,

જો મોર સુલભ થાય અને કુતરા દુર્લભ તો પછી મોરને બદલે કુતરા ઉપર કવિતા લખાશે, ટહુકાને બદલે ભસવા ઉપર શેર મંડાશે. પછી તો ફેસબુકના કવિઓની ‘આજ મેં તો મધરાતે સાંભળ્યું, ભાઉ ….’ જેવી રચનાઓ સાહિત્યમાં સ્થાન પામે તો નવાઈ નહિ લાગે. અહાહા …. આગળ જતાં કો’ક ‘મન શ્વાન બની ભસભસાટ કરે…’ પણ લખી શકે. જોકે મોરને મોરપીંછ હોય અને કવિતામાં મોરપીંછની રજાઈ બને, એમ કૂતરાનું કૂતરાપીંછ જેવું કશું નથી હોતું એટલી ખોટ ગઝલને જરૂર પડશે. હા, કોક કવિને પોમેરિયનમાં હિમાલયનો બરફ દેખાય તો વાત જુદી છે!

એ પરથી જ પ્રેરણા લઇ અને એમની કલ્પનાને આગળ વધારતા આ કવિતા લખી છે. (કુતરાપીંછ જેવું તો કશું નથી હોતું પણ કુતરાપૂંછ તો હોય છે 😉 )

“મન શ્વાન બની ભસભસાટ કરે…” ફરી કોઈ વખત.

વાર્તામાં વળાંક: કુતરું, કાશી અને કહેવત

 

કાશીએ પહોંચેલું કુતરું

“કહેવત: કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”

Dissection:

બહુ વર્ષો પહેલાની વાત છે. જ્યારે ભાષા નવી નવી બની હતી. તે વખતે કહેવતો બનાવવા માટે વિદ્વાનોનો એક સમૂહ રચવામાં આવ્યો હતો. “કહેવત નિર્માણ સમૂહ” (KNS). એ લોકોનો મૂળ હેતુ કહેવત બનાવવાનો હતો. કહેવત બનાવતી વખતે એ લોકો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખતા:

– કહેવત એક વાક્યની હોવી જોઈએ.
– કહેવતમાં સામાન્ય વાતોથી મોટી શીખ મળવી જોઈએ.
– કહેવતમાં આજુબાજુના પર્યાવરણના તત્વોનો સમાવેશ કરવો.

ત્રીજા મુદ્દા અનુસાર KNSનાં અમુક સભ્યોની એક ટીમ પ્રાણીઓનો સમાવેશ થાય તેવી કહેવતો બનાવતા, એમાંની એક કહેવત KNSનાં જ એક સભ્ય કહેવતઅલી ખાને આ પ્રમાણે બનાવી,
“સો ઉંદર મારી બિલાડી હજ પર જાય”

આ કહેવત જ્યારે KNSની મંજૂરી માટે રજુ કરવામાં આવી ત્યારે બીનસાંપ્રદાયિકતા માટેના મુદ્દા ઉઠ્યા અને ઘણો વિરોધ થયો. પણ કહેવતઅલી ખાનને પોતાની કહેવત બહુ વહાલી હતી. તેથી તેઓએ બીજા સંપ્રદાયને અન્યાય ન થાય એ ધ્યાનમાં રાખી, એક વધુ કહેવત સબમિટ કરી.
“બિલાડીઓનો સંઘ કાશી સુધી ન પહોંચે”

આ કહેવત જ્યારે KNS સમક્ષ રજુ કરવામાં આવી ત્યારે,
“સર્વ પ્રાણી સમાન” ના સુત્રો સાથે ફરી થી વિરોધ થયો, અને કહેવતઅલી ખાન ને “બિલાડીવાદી” કહેવતખોરનું બિરુદ આપવામાં આવ્યું.

આ બિરુદથી અને વિરોધથી બચવા તેઓએ કહેવતમાં થોડો ફેર કર્યો અને પછી કહેવત બની:
“કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”

(કેમ ન પહોંચે એની પાછળ પાછી બીજી વાર્તા છે…. એ ફરી ક્યારેક)

નોંધ – ફોટાવાળું કુતરું કાશીનું લોક્કલ* છે એવી બેબુનિયાદ દલીલ ન કરવી. (*લોક્ક્લ – Localનું ગુજરાતી)

તા.ક. – કુતરા અને થાંભલા વચ્ચે ઉભા ન રહેવું. – બધીર અમદાવાદી