અનુવાદ

શહેરની આ દોડમાં દોડી ને કરવું શું છે?
જો આ જ જીવવું છે તો પછી મરવું શું છે?

પહેલા વરસાદમાં ટ્રેન લેટ થવાની ચિંતા છે!
ભુલી ગયાં! પલળતાં પલળતાં ફરવું શું છે?

સિરીયલનાં બધાં પાત્રોની ખબર છે તમને…
પણ માની તબિયત પૂછવાની ફુરસદ ક્યાં છે?

હવે રેતીમાં ખુલ્લા પગે ચાલતાં કેમ નથી?
એકસો આઠ છે ચેનલ તો પણ હૈયાં મ્હાલતાં કેમ નથી?
ઇન્ટરનેટથી દુનિયાનાં સંપર્કમાં તો છો,
પણ પડોશમાં કોણ રહે છે તે પણ જાણતાં નથી!!

મોબાઇલ લેન્ડલાઇન બધાનો ભંડાર છે,
પણ જીગરી દોસ્ત સુધી પહોંચ શકે એવા ક્યાં તાર છે?

છેલ્લે ક્યારે ડૂબતા સૂરજને જોયો’તો યાદ છે?
ક્યારે જાણ્યું’તું સાંજનું પ્રસરવું શું છે?

તો દોસ્તો,શહેરની આ દોડમાં દોડી ને કરવું શું છે?
જો આ જ જીવવું છે તો પછી મરવું શું છે?

—-

લગે રહો મુન્નાભાઇનાં ડાયલોગનો ગુજરાતીમાં અનુવાદ, આ જ અનુવાદ તમે અહીં મારા અવાજમાં સાંભળી શકો છો.

શહેરની આ દોડમાં દોડી ને કરવું શું છે?

લગે રહો મુન્નાભાઇમાં વિધ્યા બાલનનો સૌથી પહેલો ડાયલોગ અને આજના જીવન માટે એકદમ સચોટ ડાયલોગ, મેં ગુજરાતી માં અનુવાદ કરવાનો ટ્રાય કર્યો છે અને ગુજરાતી અને હિન્દીની સમાનતાને કારણે એકદમ પ્રાસ સાથે અનુવાદ થઇ ગયો છે અને મેં રેકોર્ડ કરી ને યુ-ટયુબ પર અપલોડ કર્યો અને પરિણામ મારા બધા વિડિઓમાં સૌથી વધારે વ્યુસવાળો વિડીઓ. મને એનો ગર્વ છે પણ એની ક્રેડિટ જાય છે આ સંવાદ લખવાવાળાને.