કે યાદ કરુ છુ ઉત્તરાયણ

આ શુ પ્રગટ્યુ છે મારામાં કે યાદ કરુ છુ ઉત્તરાયણ,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

જીભ ચિઝ ભરેલા પિઝા ને સબવેમા જઇ ને ખોવાઇ,
મન મમરા ચિકી ખાવામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

આ સ્નોફોલ અને ઠંડી હવે બહુ અઘરી પડતી લાગે છે,
એવુ તે હતુ શુ એ તડકામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

આ કાઉચ અને આ બેડમાં પણ મજા હવે ક્યાં આવે છે?
નક્કી જ હતુ કંઇ ધાબામાં, કે યાદ કરુ છુ ઉત્તરાયણ.

– સાક્ષર ઠક્કર

( દિલિપ રાવલ ની રચના “આ શું પ્રગટ્યું છે મારામાં”  પર થી પ્રેરિત)

કપાયેલા પતંગની આત્મકથા

આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.

માલિકે મને તડકે સુકવ્યો, ને સાથે ચાલુ કર્યો ફેન,
સુકાયો પછી મને વેચવા પાડી બુમો, “લઇ લેજો ભાઇ, લઇ લેજો બેન”

લઘર વઘર નામે એક ભાઇ ની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઇઓ સાથે લઇ લીધી ૪ કોડી.

૧૩ જાન્યુઆરી રાતે મારા લગન થયાને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮ નુ પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું “અનન્યા”.

૧૪ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

-સાક્ષર ઠક્કર