માનનીય શિયાળાને…

ઓ વહી રહેલી ઠંડી હવા, મને શરદી કેમ કરે?
હોસ્પિટલ બની રહેલા ઘરમાં, વધારે દર્દી કેમ કરે?

એક્સપ્રેસની જેમ ચાલતી ગાડી મારી લોકલ થઇ ગઈ છે,
એક દિવસ જે હતી ઝગમગતી નગરી, આજે લોથલ થઇ ગઈ છે;
શરીરની ટ્રેનમાં કફ ને ખાંસીની ભીડ તો છે જ,
શરદીને પણ અંદર ઘુસાડીને, આટલી ગર્દી કેમ કરે?
…ઓ વહી રહેલી ઠંડી હવા, મને શરદી કેમ કરે?

ફાયર એલાર્મ બંધ કરી ને પણ ઘરમાં તાપણું બાળ્યું છે,
ચાદર જેટલા પણ પગ લાંબા નથી થતા, ટુંટ્યુ વાળ્યું છે;
જ્યારે તાપમાં તપતા હતા ત્યારે તો આવી નહિ,
ને અત્યારે આટલી બધી ચરબી કેમ કરે?
…ઓ વહી રહેલી ઠંડી હવા, મને શરદી કેમ કરે?

તા.ક. –
(અત્યારના વાતાવરણ માટે)
ભગવાન (દબંગ સ્ટાઈલમાં) – “હમ ઐસા atmosphere કર દેંગે, કે તુમ કનફ્યુજ હો જાઓગે કે સ્વેટર પેહને યા રેઇનકોટ!”
(ટ્વીટર પરથી)

આની પહેલા શિયાળા પર:

૭માં ધોરણનો શિયાળો…

૭મા ધોરણનો શિયાળો

“ઠંડીમાં સ્ફૂર્તિ આવે છે” એવું એક શિક્ષક કહેતા’તા;
મને લાગે છે એ શિક્ષક ફાટલી ગોદડીમાં રહેતા’તા.

બાકી આખી ગોદડી અને ઠંડીમાં ઊંઘવાની મજા જ કંઇક ઓર છે,
ઊંઘવા માટેનો બેસ્ટ ટાઈમ જ શિયાળામાં સવારની પહોર છે.

પણ આજે તો મજા પોસાય એવી છે નહિ, પરીક્ષા છે;
અને જલ્દી થી તૈયાર થવું પડશે ૭ વાગ્યાની રીક્ષા છે.

ફ્લોર છે ઠંડો, દીવાલો છે ઠંડી, ઠંડું આખે આખું ઘર છે;
નાહી તો લઉં પણ નાહ્યા પછીની ઠંડીનો મને ડર છે.

નાહી ને થઇ ગયો તૈયાર,
રીક્ષા ઉભી જ હતી બહાર.

જેકેટની અંદર સ્વેટરની અંદર શર્ટની અંદર બંડી,
આ બધા જ સ્તરોને ભેદીને અંદર લાગેલી ઠંડી.

ગાત્રો શીથીલ થઇ જાય એવી ઠંડીમાં શાળાએ પહોચીને હથેળીઓ ઘસી,
ને વિચાર્યું: સ્વાઈન ફ્લુ માટે તો આવી ગઈ, હવે શોધો ઠંડી માટે કોઈ રસી.

પછી ગુજરાતીના પેપરમાં પહેલો જ પ્રશ્ન જોઈ ખરો હસ્યો;
અને થથડતા હાથે “ઉનાળાની બપોર” વિષે નિબંધ ઘસ્યો.

– સાક્ષર

તા.ક. – કોઈએ કહ્યું છે ને કે “કવિતાઓ છાપા નું દર્પણ છે” (હેં?? ખરેખર?? કોણે??) નાનો હતો ત્યારે છાપામાં બહુ વખત વાંચ્યું’તું… ગાત્રો શીથીલ કરી નાખે એવી ઠંડી, એટલે કવિતામાં પણ વાપરી કાઢ્યું, હજુ પણ ખબર નથી ગાત્રો એટલે શું? કોઈને ખબર હોય તો કે’જો!!!!