Belated વાસી વેલેન્ટાઈન ડેનું ગીત (સારું થયું prequel)

(રાગ – દિલ બેપરવાહ)

(“વાસી વેલેન્ટાઈન ડે” શબ્દ પ્રયોગ માટે લઘરવઘર અમદાવાદીનો આભાર)

મોડે મોડે સુધી વાતો કરી,

મોટા મોટા બીલો પણ ભર્યા…

ખૂણા ખૂણાની સીટો લઇ,

થિયેટરોમાં પિક્ચર જોયા…

બાગો ફર્યા ને,

મોલોમાં શોપિંગ કર્યા… (૨)

એક દી મેં હિંમત કરીને,

ફૂલો ને વીંટી લઇને,

એને પૂછ્યુંમેં I love you,

do you love me?

તો એણે કહ્યું ના… (૨)

ટુકડા ટુકડા થઈ ગયા,

દિલના ભુક્કા થઇ ગયા…

વીણી વીણીને થાકી ગયો,

માંડ માંડ ભેગા થયા…

દિલ જોડાયું તો

ધડ્ક્યું નહિ ૨ ઘડી,

ત્રીજી ઘડીએ પડ્યું

એ ખુબ જ રડી.

દિલના મેં આંસુ લુછીને,

એક દી મેં હિંમત કરીને,

શાદી ડોટ કોમમાં જઈને,

નવી પ્રોફાઈલ ખોલી……

 તો સારું થયું લા… (૩)

-સાક્ષર

તા.ક. – અંગ્રેજી શબ્દોના ગુજરાતી બહુવચનોની ક્ષમાયાચના સહ…

રોમેન્ટિક વાતો


એણે મને કહ્યું કે આજે વેલેન્ટાઈન ડે છે તો કંઈક રોમેન્ટિક વાતો કર,
મેં રોમેન્ટિક થવાનો પ્રયત્ન કંઈક આ રીતે કર્યો,
મેં મારી બંને હથેળીઓમાં એનો ચેહરો લીધો અને
બને એટલા પ્રેમાળ અવાજમાં રોમેન્ટિક વાતો શરુ કરી,
“હેપ્પી વેલેન્ટાઈન ડે, હું તને… ”
એટલામાં એણે એના બંને હાથથી મારા બંને કાંડા પકડીને મારા હાથ એના ચહેરા પરથી હટાવ્યા,
અને કહ્યું;

“કશું સંભળાતું નથી,
એક તો મારા કાન બંધ કરી દીધા છે અને ઉપરથી ધીમું ધીમું બોલે છે”

– સાક્ષર

(based on a true story)

તા.ક. –
આજકાલ ઘણા લોકો ભવિષ્યનો વિચાર કરીને વેલેન્ટાઈન ડેના દિવસે જ લગ્ન રાખતા હોય છે, રોમેન્ટિક નું રોમેન્ટિક અને બચતની બચત.
Happy Marriage Anniversary to my friends Manan and Divya.

પ્રાણીઓનો વેલેન્ટાઈન્સ ડે(અને આપડી સેન્ચ્યુરી)

ડાઘીયો કુતરો અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;
કાશીમાની પાછળ શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.

Date પર પહેલા કાગડો કાગડીને થોડી સતાવશે,
પછી કુંજામાં થી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.
એક બાજુ કાગડો બીજી બાજુ કાગડી ને કુંજામાં Red વાઈન છે.

ઉંટના અઢારેય વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,
એકલુ ફરવા જતું’તું રીંછ આજે એના હાલ પણ જુદા છે;
મધપુડાના વન સુધી આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.

પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;
સાડી પહેરેલી બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,
કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર “Do not disturb”ની sign છે.

-સાક્ષર

Sources:
કાગડા અને કુંજાની વાર્તા – પંચતંત્ર
ઉંટ – દલપતરામ
રીંછ એકલું ફરવા ચાલ્યું – રમણલાલ સોની
કાશી માની કુતરી – પન્નાલાલ પટેલ (Thanks – Rakshit Pandit)
પાસે ચરતી ગાય from રે પંખીડા – કલાપી
એક બિલાડી જાડી – ચં.ચી.મહેતા (Thanks – અશોક મોઢવાડીયા)

તા.ક. – આ બ્લોગની આ ૧૦૦મી પોસ્ટ છે.  આજુ-બાજુ બેટ નથી પડ્યું બાકી ઉપાડવાનું મન થાય છે… સેન્ચ્યુરી માર્યાની ખુશીમાં. 😉