8- કમળાબા ની ફિલસુફી (#100ગઝલપ્રોજેક્ટ)

જે મળ્યું છે તે કરોને કામ, હું કરવાનુ તા’ર?
ને પછી કરજો બધો આરામ, હું કરવાનુ તા’ર?

આ બધું પકવાન હોટલનું બર્યું પચતું નથી
એ ભલે ને ખાય આખું ગામ, હું કરવાનુ તા’ર?

લાગે એવું જો કે છે જીવન માથાનો દુખાવો,
ભૈ લગાવી દેવાનું તો બામ, હું કરવાનુ તા’ર?

પ્રભુ જે ચિહ્નો આપે તે લઇ લેવાના આપણે
હોય કોમા કે પૂર્ણ વિરામ, હું કરવાનુ તા’ર?

સાક્ષર

તા.ક. – આ ગઝલનો કાફિયા “હું કરવાનું તા’ર” (શું કરવાનું ત્યારે?) એ કમળા બા નો પ્રિય વાક્યપ્રયોગ હતો અને એમનો ભાવ લાચારીનો નહોતો, પણ “એ તો એવું જ હોય ને!” એવો હતો, એ છેલ્લે સુધી ખુબજ સક્રિય હતા, મોટાભાગના ઘરકામમાં મમ્મીને મદદ કરતા, આ વર્ષે 19મી ફેબ્રુઆરી એ 4 દિવસના કોમા ની સ્થિતિમાં રહ્યા બાદ પૂર્ણ વિરામ થઇ ગયા. આ ગઝલ એમને અર્પણ…

7- કામવાળી બાઈને (#100ગઝલપ્રોજેક્ટ)

જો પડ્યું મરચું વધારે, શું કરું પસ્તાઈને,
કોણ સંભારે મને, વિચારું હેડકી ખાઈને.

“લો સફળ થાઓ”ની એકે નકલ વેચાઈ નહિ,
ગાંડીઓ આપે સલાહો આજકાલ તો ડાહીને.

“આટલી ઓછી રજા!”ની કેમ કરે ફરિયાદ તું ?
છે રજા પણ “વર્ક ફ્રોમ હોમ”*, કામવાળી બાઈને.

દિલના જોડાણ તો મળતા નથી આસાનીથી,
શું કરૂ રાખીને હું આ હાઈસ્પીડ વાઇફાઇને.

સાક્ષર

* IT Field માં જે કામ કરતા હોય એમનું મોટાભાગનું કામ લેપટોપ પરથી જ થતું હોય એટલે જ્યારે જરૂર હોય ત્યારે “વર્ક ફ્રોમ હોમ” કરવાની છૂટ મળે, જ્યારે ઘરનું કોઈ કામ હોય કે ઘરે કોઈ બીમાર હોય.

તા.ક. – અમારે કોઈ કામવાળી બાઈ માટે સોફ્ટ કોર્નર નથી. અમારા ઘરે કોઈ કામવાળી બાઈ નથી. 🙂

6- દિવાળી આવી ગઈ (#100ગઝલપ્રોજેક્ટ)

હોજરીમાં થાય આક્રમણ, તો દિવાળી આવી ગઈ.
પગના અંગુઠાનું ગ્રહણ, તો દિવાળી આવી ગઈ. *

ફોડે તું લુમોની લુમો કે ધરે બક્ષિસ તું,
થાય પૈસાના ધૂમાડા, તો દિવાળી આવી ગઈ.

ધૂળ માં રહેઠાણ તારું જો મળે કોઈ દિવસે,
હે કરોળિયા સમજજે, તો દિવાળી આવી ગઈ.

ગામના દરેક બાળકને મળી ગઈ નોકરી,
શિવકાશી** ને થયું, ચાલો દિવાળી આવી ગઈ.

સાક્ષર

**શિવકાશી એ તામિલનાડુમાં આવેલું એક નગર છે જયાં ભારતના 70% જેટલા ફટાકડા અને દીવાસળીનું ઉત્પાદન થાય છે અને ત્યાંની ફેક્ટરીઓ બાળમજૂરી માટે કુખ્યાત છે.

તા.ક. –
દિવાળીના ફાયદા તો ઘણા છે અને ઉજવાય પણ છે
પણ એક નજર દિવાળીના ગેરફાયદા પર, એટલે આ ગઝલ 🙂

*
એકટાણા, ઉપવાસ અને સલાડનું શરણ નથી ગમતું,
ટ્રેડમિલ અને રસ્તા પર થતું ટાંટિયાનું મરણ નથી ગમતું;
આ બધા સિવાય કોઈ સરળ રસ્તો હોય તો કહો;
આમ પેટ દ્વારા થતું પગના અંગુઠાનું ગ્રહણ પણ નથી ગમતું.
– સાક્ષર

5- બોલો (#100ગઝલપ્રોજેક્ટ)

તરી જાય સાગર ઘણી નાવ બોલો.
અને ટાઇટેનિક ના થયા દાવ બોલો.

નજરને નજરની નજર લાગી ગઈ’તી
નજરને આવી ગયો તાવ બોલો.

તમે આવો સ્વપ્ને ના પાડી છતાંયે
તમારો શું આવો છે સ્વભાવ, બોલો?

તબીબે કહ્યું રૂઝ આવી ગઈ છે
પછી કેમ યાદ આવે ઘાવ બોલો!

સાક્ષર

તા.ક. – પહેલી પાંચ ગઝલ “લગાગા લગાગા લગાગા લગાગા” છંદમાં લખી, હવે છંદ બદલીશ, 20 છંદમાં 5-5 ગઝલ લખવાનો વિચાર છે. આવતા અઠવાડિયાથી નવો છંદ.

4- રાહ જુએ(#100ગઝલપ્રોજેક્ટ)

વરસ શું એ આખી સદી રાહ જુએ.
તમારી જો કોઈ કદી રાહ જુએ.*

હવે માણસોના તો દુર્લભ છે દર્શન!
દેવો દેવીઓ ની છબી રાહ જુએ.

મળે બસ તણખલું જો લખવા છે કાફી,
હૃદય આગની ક્યાં સુધી રાહ જુએ. **

ગઝલ છેવટે તો છપાઈ કબર પર,
મળે દાદ ક્યારે કવિ રાહ જુએ.

સાક્ષર

*ગાઢ પ્રેમમાં ઇંતેજારની પરાકાષ્ટા માટે અથવા જે લોકો હંમેશા મોડા આવતા હોય ( “બસ રસ્તામાં જ છું”) એના માટે શેર
** કવિ ગૌરાંગ ઠાકરનો એક શેર છે:
“આગ હૈયા માં લાગી હો તો લખ
ફક્ત લખવા ની આગ રહેવા દે.”
આ એનો પ્રત્યુત્તર શેર છે. 🙂

તા.ક. – રાહ જુએ, જોવે કે જુવે?

3- હૃદયના ઈરાદા નકારી તો જોજે!(#100ગઝલપ્રોજેક્ટ)

હૃદયના ઈરાદા નકારી તો જોજે
મગજથી કદી તું વિચારી તો જોજે

લગનના વચન સાત પાળે એ પહેલા,
તુ સાતે’ક બટાકા સમારી તો જોજે

વિચારો અમારા છે બૂમરેંગ જેવા,
તુ એને હવામાં ઉડાવી તો જોજે

અમર કરવુ હો જો તને નામ તારું,
તખલ્લુસના નામે સમાવી તો જોજે

સાક્ષર

તા.ક. – આવતીકાલથી 3 અઠવાડિયા ઇન્ડિયામાં 🙂 ગઝલ ક્રમ ચાલુ રહેશે

2 – ખબર નહિ પડે તો!(#100ગઝલપ્રોજેક્ટ)

કઈ વાત કહેવી, ખબર નહિ પડે તો!
મને તારા જેવી, ખબર નહિ પડે તો!

ખુશી માગી લઉં ને મળી જાય પણ એ
કઈ રીતે સહેવી, ખબર નહિ પડે તો!

ખબર જો પડે તો ખબર એ પડે છે,*
ખબર નહિ પડ્યાની, ખબર નહિ પડે તો!

વચન પુરુ કરવા, જઉં યાનમાં હું,**
ને લેન્ડર ગયું ક્યાં, ખબર નહિ પડે તો!

મારું નામ “સાક્ષર”, દે પુસ્તક તો વાંચું,
હૃદય વાંચવાની, ખબર નહિ પડે તો!

સાક્ષર

*અમુક વસ્તુઓની આપણને ખબર નથી પડતી એની ખબર હોય છે, પણ અમુક વસ્તુઓ ખબર નથી એવી પણ ખબર નથી હોતી।
** ચંદ્ર લાવી આપવાનું વચન પૂરું કરવા વિક્રમ લેન્ડરમાં જવાની અને વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી જવાની ઘટનાનો કવિ અહીં ઉલ્લેખ કરવા માગે છે. 🙂

તા.ક. –

1.
મેં મારી પત્ની ને પૂછ્યું – કોઈ કાફિયા માટે idea આપ.
પત્ની – ખબર નહિ

2.
મોટાભાગના કવિઓ સદાબહાર કવિતાઓ કે ગઝલ લખતા હોય છે. જે કોઈ પણ સમયમાં વાંચી અને વાગોળી શકાય, જ્યારે હું એવો પ્રયત્ન કરું છું કે મારી કૃતિઓમાં કઈંક સાંપ્રત ઘટના આવરી લઉં (વિક્રમ લેન્ડર આ ગઝલ માં અથવા મગર અને શ્વાન આ કવિતામાં) જેથી જ્યારે હું ફરી પાછો કોઈક દિવસ વાંચું, ત્યારે કોઈક Nostalgic feeling આવે…

1 – ગઝલ મેં લખી છે (#100ગઝલપ્રોજેક્ટ)

બધું મૌન ચીસી ગઝલ મેં લખી છે.
લે પાછી ફરીથી ગઝલ મેં લખી છે.

મગજના બધાએ કમાડો ઉઘાડી,
ઘણી બારીકીથી ગઝલમેં લખી છે.

હતે જો કલમતો ઉપાડી ય લેતે,
અત્યારે તો કીથી ગઝલ મેં લખી છે.

જરા ખોંખારો ખાઈ તુ બોલી જા ‘સાક્ષર’,
ખરેખર ગઝલ આ ગઝલ મેં લખી છે.

– સાક્ષર

તા.ક. – ઘણા બધા લોકોની ફરિયાદ રહી છે (મોટાભાગના મારા પરિવારજનો અને થોડા ઘણાં જે આ બ્લોગ વાંચે છે/વાંચતા હતા) કે હું બહુ લખતો નથી. વાત સાચી છે, 2008માં બ્લોગ ચાલુ કર્યો પછી દર વર્ષે બ્લોગ પોસ્ટ્સ ઘટતી રહી છે…નીચે મૂક્યું છે સબૂત.(છેલ્લા ત્રણ વર્ષમાં બસ 3 જ પોસ્ટ)
ન લખવા માટેના બહાના ઘણા છે, પણ આજે લખવા માટેનું એક બહાનું સૂઝ્યું છે. એ બહાના હેઠળ એવું વિચાર્યું છે કે આવતા 100 અઠવાડિયામાં 100 ગઝલ લખવી (અને થાય તો પઠન કરીને ઓડિયો/વિડીયો મુકવો)

કેમ ગઝલ? છંદોબદ્ધ ગઝલ લખતા શીખાય એટલે.
કેમ 100? સેન્ચ્યુરી મારી એમ કહેવાય એટલે.
કેમ દર અઠવાડિયે? આનાથી વધારે લખું તો લોકો ત્રાસી જાય. (આમાં પણ ત્રાસી જાય એવી શક્યતા ખરી)

કહેવાય છે કે, ન મામા કરતા કાણો મામો સારો…તો તૈયાર છો 100 કાણા અને આંધળા મામાઓ માટે? 🙂

The Ultimate Inspiration is the Deadline” – Nolan Bushnell

સભર રીલોડેડ

ગયા વખતે ઇન્ડિયા ગયો હતો ત્યારે મારા નાના(?) ભાઈ સભર માટે એક કવિતા લખી હતી.
એ વખતે સભર મોટી સાઈઝમાં ઉપલબ્ધ હતો અત્યારે એ સાઈઝનો ઉપયોગ કેવી રીતે કરે છે એની કવિતા.

(છંદ- ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

બે-ત્રણ ગુંબા મારીને એ દાંતો આડા પાડે છે,
ગાલોમાંએ એવી રીતે મોટા ખાડા પાડે છે.

ઘોડા જેવો છે એ તોયે ઘોડા માટે માન નથી ,
ઘોડાને ટંગડી મારીને ઘોડાગાડા પાડે છે.

કરોળિયા પણ બઘવાયા’તા જ્યારે એણે શ્વાસ લીધો,
કોણે અમને ખેંચ્યા બાપુ, આ કોણ જાળા પાડે છે?

જંગલમાં એ જાતો ત્યારે વાનરને મારી લાફો
કાનો મરડી પૂછે કે, “કેમ મારા ચાળા પાડે છે?”

– સાક્ષર

———————————
તા.ક. –
———————————

પગ વચમાં લાવી દીધો અમે ય કેવા ચક્રમ નીકળ્યા;
યોર્કર અમને ફાવે નહિ , અને એ પણ પાછા અક્રમ નીકળ્યા.

દૂધપાક ગઝલ

(છંદ – લગાગા લગાગા લગાગા લગાગા)

બધી બાજુઓમાં બધે ના ભગાડો;
મને જો રમાડો, બરાબર રમાડો.

નથી ફાવતા આ ગગડતાં ગગડતાં;
ટપ્પી એક પાડો, દડાને ઉછાળો.

નથી કોઈ વાનર, જનાવર નથી હું;
બધી ભીંત પરથી મને ના કુદાડો.

તમે કાચ ફોડી અને દોટ મુકો,
પછી માસીઓની, હું ખાઉં છુ ગાળો.

ચલો ઓપનીંગમાં હું આવી ગયો છું;
ઉખાડી શકો જો કશું તો ઉખાડો.

– સાક્ષર

તા.ક. –
– દરેક રમતમાં નવશિખીયા માટે ગુજરાતીમાં શબ્દ છે: “દૂધપાક”. ક્રિકેટમાં આવા દૂધપાકોને છેલ્લે બેટિંગ મળે છે, બોલ લેવા માટે ખુબ ભગાવવામાં આવે છે વગેરે વગેરે. ગુજરાતી સાહિત્યકારો અને ગઝલકારોએ હમેશા દુધપાકો અંગે દુર્લક્ષ સેવ્યું છે. તેના લીધે દૂધપાક સમાજની વધતી જતી રોષની લાગણીને ડામવાની દિશામાં એક પ્રયાસ.
– આ મારી લખેલી પહેલી ગઝલ છે અને આવી અનેક આવશે એવી આશા સાથે નવી કેટેગરી ગઝલ બનાવી છે.
– ક્યાંક છંદ તૂટ્યા હોય તો મને ગઝલક્ષેત્રનો દૂધપાક ગણી ચલાવી લેવું.