વાલીઓનું વર્ગીકરણ

જેટલું બચ્યું હોય એમાંથી ચલાવી લે એ મમ્મી,
અને જેટલું વધ્યું હોય એ બધ્ધું દબાવી જાય એ પપ્પા.

તા.ક. – To Pappa, આ તો બીજા બધા પપ્પાઓ માટે લખ્યું છે.

આવ્યા છો તો હખણા થઇ ને રહો…

બે પ્રકારના બાળકો હોય છે: ડાહ્યા અને તોફાની બારકસ. ૯૩% બાળકો તોફાની બારકસ હોય છે અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે હાલરડાઓ ઉપલબ્ધ છે એ બાકીના ૭% બાળકો માટે જ હોય છે. મોટા વર્ગને અન્યાય થઇ રહ્યો છે, એ અન્યાયની વિરોધમાં આ પ્રથમ પગલું છે…

(પહેલી પંક્તિ અને પ્રેરણા માટે આભાર – બધિર અમદાવાદી; બાકીની પંક્તિઓ માટે આભાર – લોકગીત)

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા દિવેલ પીધેલ છો!
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી તમે જ કો’ આ મારી કયા જનમની ભૂલ !

તમે મારું ખોટું નાણું છો, કેમ કરી તમને વખાણું ક્હો?
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ.

તમે ખાટલે પડેલી ખોટ છો,તમે એક મોટ્ટી નોટ છો.
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

– સાક્ષર

તા.ક. – હું અને મારો ભાઈ, બંનેમાંથી એક માટે “અમર થઇને રહો” અને બીજા માટે “હખણા થઇ ને રહો…” લાગુ પડે છે.

નોંધ – ટેગને જોઈને કોઈ નિર્ણય ન લેવો.

મારો પહેલો શબ્દ…

મમ્મી.

સવારે શાકભાજી-વાળા પાસેથી શાકભાજી લેવાની હોય, એજ વખતે બહાર રમતા નાના બાળકનું ધ્યાન રાખવાનું હોય કે એ મોઢામાં માટી તો નથી નાખતો ને, એટલામાં બીજો મોટો બાળક નવી નવી સાયકલ શીખતો હોય અને ઢીંચણ છોલીને આવ્યો હોય ત્યારે પપ્પા નાં ટીફીન માટે મુકેલી દાળનો વઘાર બળી નાં જાય એનું ધ્યાન રાખતા રાખતા એને ડેટોલ લગાવી આપવાની, પપ્પા જોબ માટે નીકળી ગયા હોય પણ અડધે થી કશુંક ભૂલીને પાછા આવતા હોય (પપ્પા, આ તો એમ જ લખ્યું છે, કોઈક જ વખત ભૂલો છો, રોજ ની વાત નથી કરતો 😉 , તમે તા.ક. વાંચજો) ત્યારે એ જ વસ્તુ લઇ ને બહાર ઉભી હોય, મમ્મી. અને આ તો દિવસની શરુઆત છે, આના પછી બીજા સત્તરસોને સાત કામ*.

* જ્યારે પણ હું બોર્નવીટા કે એવું કંઈક ઢોળું ત્યારે મારી મમ્મી હમેશા કહે, ” એક તો સત્તરસોને સાત કામ લઇને બેઠા હોય અને એમાં તું એક વધારી આપે છે”

(કાવ્ય બંધારણ- “કીડી સમી ક્ષણોની.. – રાજેન્દ્ર શુક્લ” પરથી પ્રેરિત)

બહુ દિવસે દેખાયો! શાકભાજીમાં લાવ શું છે?
બટાકા કેટલાના કિલો? રીંગણના ભાવ શું છે?

ના પાડી’તી ને તને, ધૂળમાં નહિ રમવાનું,
માટી ભરેલી છે ને, મોં ખોલ, બતાવ શું છે?

સાચ્ચું બોલ જોઈએ, સાયકલ લઇને પડ્યો?
આ ઘૂંટણિયે પડ્યો છે એ લાલ ઘાવ શું છે?

કાલે રૂમાલ રહી ગયો તો, આજે પાકીટ રહી ગયું,
એક એક વસ્તુ માટેની, આ આવ-જાવ શું છે?

-સાક્ષર

તા.ક. – મમ્મી માટે બહુ બધું લખ્યું, તો પપ્પા માટે પણ કંઈક લખી દઉં… (અમારે તો બંનેને ન્યાય આપવો પડે ને…નહિ તો એક ને ખોટું લાગે 😉 )
બાપા એટલે બાપા, બાકી બધા પસ્તીના છાપા.

Related Posts: (NOT automatically generated 🙂 )
1. माँ मैं आ रहा हूँ !!!
2. બોર્ન્વિટા – બે અવલોકન