કેટરીનાનો કેફ

૧ ભાઈબંધ સાવ ખોટી ઉમ્મીદ લઇ ને બેઠો’તો
‘કેટરીના ને જ પૈણવું’ એવી જીદ લઇ ને બેઠો’તો. 

મેં કીધું, “ભાઈ, નખરા મેલ ને એની હાઈટ તો જો, 
હીરો લોકોમાં પણ એના માટે થાય છે ફાઈટ તો જો” 

એ કહે કે,’ બોસ મેં વિચારી લીધું એટલે ફેંસલો, 
ભલે ને સામે સલમાન, રણબીર ને આ પા હું એકલો’

મેં કહ્યું, “મગજ તો ઠેકાણે છે ને કે Are you Crazy?, 
એને બરાબર હિન્દી નથી આવડતું ને તને બરાબર અંગ્રેજી.”

એ કહે ‘લગન તો થવા દે પછી બધું જ સરસ લાગશે, 
અરીઠા લાગશે આસવ ને ચા-કોફી ચરસ લાગશે. *

ને પછી તો દરેક પિક્ચરમાં હું અને તારા ભાભી, 
ક્યારેક શુટિંગ માટે ન્યુયોર્ક તો ક્યારેક અબુધાબી. 

હું બની જઈશ મોટો સુપરસ્ટાર અને પછી 
સલમાન, રણબીર ને બતાડીશ એમની ઔકાદ.’
“જલ્દી તૈયાર થા” રસોડે થી એની મમ્મી એ કહ્યું,
“છોકરી જોવા જવાનું છે ને આજે…બોટાદ” 

– સાક્ષર

* Source: 
તમે જો હોવ તો વાતાવરણ કેવું સરસ લાગે,
અરીઠા લાગે છે આસવ ને ચા-કોફી ચરસ લાગે.
– મુકુલ ચોકસી

તા.ક. –

“જો તું કેટરીનાને પરણીને લાવીશ, તો હું અહિયાં નહિ રહું”  એક કેટરીના પ્રેમી મિત્ર સાથે ઝગડતો એનો રૂમમેટ. (સાચો બનાવ)