નિર્દોષ?

આખો દિવસ ભીંતો ચણ્યા બાદ મળેલા
૫૦ રૂપિયા ફાટેલા ખમીસના ખિસ્સામાં મૂકી,
વિચારોમાં પોતાના સપનાઓની ભીંતો ચણતો ચણતો
એ જતો હતો અને એકવાર ખાતરી કરવા ખીસામાં હાથ નાખ્યો,
પણ ખિસ્સું પણ એના નસીબ જેવું નીકળ્યું, ફાટેલું.
પાછળ ફરીને જોયું તો બે ડગલા પાછળ શેઠનો ત્રણ વર્ષનો દીકરો
૫૦ની નોટને ફાડી ને હસતો હસતો રમતો હતો.
બાળકની નજીક જઈને પોતાની મહેનતને ધૂળમાં મળેલી જોઈ,
એ રડવા લાગ્યો.
આ જોઈને શેઠના દીકરાએ,
એની આંખો લુછી અને
મમ્મી એ ગઈ કાલે શીખવાડ્યું હતું એમ
કાલી-ઘેલી ભાષામાં કહ્યું,
“ખોટું લાગ્યું? ઘલે જઈને બે લોટલી વધાલે ખાઈ લેજે”
– સાક્ષર

તા.ક. – આ પોસ્ટ કરતી વખતે મને યાદ આવ્યું કે આ ત્રીજી પોસ્ટ છે જેમાં ઈમેજમાં રૂપિયા છે… (પહેલી અને બીજી)

એક શેર

એક મિત્ર નેહલે એનાં ઓરકુટ પર આ લાઇન રાખી’તી કે,
“પૈસા હાથનો મેલ છે ને મારા હાથ ચોખ્ખા છે!!!”

તો એના પરથી આ શેર લખી નાંખ્યો,

“પૈસાનો તું રંજ ન કર ભાગ્ય તારાં નોખા છે,
પૈસા હાથનો મેલ છે ને ભલે હાથ તારા ચોખા છે.”

-સાક્ષર, તા. ૯ જુન, ૨૦૦૮