ડસ્ટરથી ડોક્ટર સુધી


બચુ – ૭મા ધોરણનો વિદ્યાર્થી
સાહેબ – બચુના ગુજરાતી શિક્ષક
રામુભાઇ – શાળાનાં પટાવાળા
—–
અચાનક સાહેબ આવ્યાને ભંગ થયો બચુનો આરામ,
‘બચુ, લાવ તારી નોટ, બતાવ ગઈકાલનું ઘરકામ’,

‘આજે તો કર્યું છે, સાહેબ’, કહી બચુએ નોટ આપી,
એક જ નજર મારી સાહેબે એક અલબોટ* આપી.

નોટમાં કંઇક નોંધ કરી, પછી કહે, ‘હાથ ધર તો બચુ’,
હાથ ધરતા ધરતા, બચુની હાલત થઇ ઢચુપચુ;

નાળીયેરવાળો નાળીયેર પર જેવી રીતે કરે પહેલો ઘા,
સાહેબનાં ડસ્ટરનાં એવા ઘાથી બચુને યાદ આવી ગ્યા એનાં બા.

બીજા ઘાથી બચવા માટે, બચુની પ્રતિક્ષિપ્ત ક્રિયા** તો ચાલી,
પણ ડસ્ટરથી બચેલી આંગળીઓ બેંચની તીક્ષ્ણ ખીલીમાં ચાલી.

પછી તો બચુનાં આંસુઓ અને લોહી વચ્ચે જામી વહેવાની હરીફાઈ,
સાહેબે રૂમાલથી બચુની આંગળી દાબીને, બુમ પાડી, “ઓ રામુભાઇ”.

“જરા બચુને દવાખાને લઇ જાઓ, પાટો લગાડી આવો,
પાછો અહી લાવવાની જરૂર નથી ઘેર પહોચાડી આવો”

દફતર, નોટ અને બચુને લઇ રામુભાઇ ડોક્ટરને ત્યાં જવા નીકળ્યા,
રસ્તામાં બચુને પૂછ્યું, ‘સાહેબ તારા પર આટલા બધા કેમ બગડ્યા?’

રડતા રડતા બચુ કહે, ‘લેશન તો મેં કર્યું હતું, તોય ખબર નહિ કાકા!
હા, સાહેબે એક નોંધ કરી છે, પણ મને એકેય અક્ષર નથી વંચાતા’

રામુભાઇએ પણ નોંધ જોઈ, પણ નાં ઉકલ્યો એકેય અક્ષર,
રામુભાઇ વિચારે મનમાં, “લો , આવા ગુજરાતીના સાક્ષર!”

એટલામાં પહોંચી ગયા ડોક્ટરને ત્યાં, અને ડોક્ટરને આંગળી દેખાડી,
ડોક્ટરે દવા લગાવતા પૂછ્યું, “બેટા, ક્યાં આંગળી અથાડી?”

ડસ્ટરથી લઇને નોંધ સુધી, બચુએ આખી વાર્તા કીધી,
નોંધનું Suspense સમજવા ડોક્ટરે નોટ માગી લીધી.

નોટ આપી અને રામુભાઇ કહે,”અમને તો ખ્યાલ આવ્યો નહિ, તમે જ કંઈ પ્રકાશ પાડો.”
ડોક્ટરે નોટ હાથમાં લઇ એક જ નજર નાખી ને કહ્યું,” નોંધમાં લખ્યું છે, “અક્ષર સુધારો””

– સાક્ષર

*અલબોટ – સભર દ્વારા માર ખાધા પહેલા મળેલી ધમકી વખતે સાંભળેલો શબ્દ
(આશ્ચર્યજનક વાત એ છે કે, આ શબ્દ ‘ગુગલ’ કરવાથી એક પણ result મળ્યું નહિ (કદાચ હવે મળશે))
**પ્રતિક્ષિપ્ત ક્રિયા – ચેતાપરાવર્તી ક્રિયા; ‘રિફ્લેક્સ-ઍક્શન’ (સ્રોત – ગુજરાતી લેક્સિકોન)
(કેવો જમાનો આવી ગયો છે, ગુજરાતીને સમજાવવા અંગ્રેજીમાં લખવું પડે છે :p)

તા.ક. –
“ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે” – મહાત્મા ગાંધી
“તો પછી ડોક્ટર લોકો…” – સાક્ષર

સ્કુલ નો રોઝ ડે

કચરા કવિ સંમેલન માટે ‘રોઝ ડે’ વિષય પર મારી રચના…

પસ્તી આપી આવ્યો એ દિવસે ને 10 રુપિયા મળ્યા,
એ 10 રુપિયાના જોઇએ તો ખરા શુ છે ભાગ્ય ઘડ્યા?

રુપિયા આવતાની સાથે જ આવ્યા વિચારો ગ્રેટ,
“એને” આપુ ગુલાબ હું ને આપુ એક ચોકલેટ.

આવી મોંઘવારીમાં બંને નહિ આવે તો?
ને બંનેમાંથી એક જ આપીશ ને “એને” નહિ ફાવે તો?

ગુલાબ આપુ એકલુ તો આપુ પીળુ કે લાલ,
ડેરીમિલ્ક સાથે નહિ આપુ તો શુ થશે મારા હાલ!

આવા ખયાલો કરતો કરતો પહોંચ્યો હું તો ઘેર,
આજે બસ સ્કુલે જવા દે એટલે લીલા-લ્હેર.

હાથમાં 10 રુપિયા જોઇ મમ્મી બોલી “અહીં આવ,
એક કામ કર બેટા 10 રુપિયાનુ દહી લઇ આવ. ”

– સાક્ષર ઠક્કર

હું મોટો થઇ ગયો…

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીમાં કચરા કવિ સંમેલનમાં ‘શાળા’ વિષયે મારી રચના…

બોટલનાં ઢાંકણામાંથી લોટો થઇ ગયો,
બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.

જ્યાં રોજ ખભે બેગ ભેરવીને જતો હતો,
એ શાળાનો હવે ખાલી ફોટો રહી ગયો.
…બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.

જીવનનાં પાણીમાં શાળાની યાદનાં પરપોટા છે,
એ પાણી વહેતુ રહે છે ને પરપોટો રહી ગયો.
…બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.

કહે છે કે વિકાસથી હંમેશા સુખ થાય છે,
એ કોન્સેપ્ટ મારા માટે ખોટો થઇ ગયો.
…બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.

બોટલનાં ઢાંકણામાંથી લોટો થઇ ગયો,
બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.