પ્રાણીઓનો વેલેન્ટાઈન્સ ડે(અને આપડી સેન્ચ્યુરી)

ડાઘીયો કુતરો અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;
કાશીમાની પાછળ શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.

Date પર પહેલા કાગડો કાગડીને થોડી સતાવશે,
પછી કુંજામાં થી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.
એક બાજુ કાગડો બીજી બાજુ કાગડી ને કુંજામાં Red વાઈન છે.

ઉંટના અઢારેય વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,
એકલુ ફરવા જતું’તું રીંછ આજે એના હાલ પણ જુદા છે;
મધપુડાના વન સુધી આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.

પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;
સાડી પહેરેલી બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,
કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર “Do not disturb”ની sign છે.

-સાક્ષર

Sources:
કાગડા અને કુંજાની વાર્તા – પંચતંત્ર
ઉંટ – દલપતરામ
રીંછ એકલું ફરવા ચાલ્યું – રમણલાલ સોની
કાશી માની કુતરી – પન્નાલાલ પટેલ (Thanks – Rakshit Pandit)
પાસે ચરતી ગાય from રે પંખીડા – કલાપી
એક બિલાડી જાડી – ચં.ચી.મહેતા (Thanks – અશોક મોઢવાડીયા)

તા.ક. – આ બ્લોગની આ ૧૦૦મી પોસ્ટ છે.  આજુ-બાજુ બેટ નથી પડ્યું બાકી ઉપાડવાનું મન થાય છે… સેન્ચ્યુરી માર્યાની ખુશીમાં. 😉

પ્રાણી સંગ્રહાલય – એક કવિતા

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીનાં કચરા કવિ સંમેલનમાં પ્રાણી સંગ્રહાલય વિષયે મારી રચના…

કુદી કુદીને કેટલુ કુદે બિચારો, આગળ પાછળ કારાગાર છે.
મોટી છલાંગે પહોંચે શ્રીલંકા એ વાંદરો અત્યારે લાચાર છે.

એક ત્રાડે જે જંગલ ગજાવતો એ સિંહ બેઠો અત્યારે એક પાળીએ,
લોકો આપે તે ચણા-મમરા ખાઇ જંગલનો રાજા બિમાર છે.

૩રૂ. ની ટિકિટ લઇ ને પુછડી ખેંચે પેલો બાળ,
સસલુ બેઠુ બેઠુ એ જ વિચારે, આ કેવો વ્યાપાર છે?

એક અવાજે બધા પ્રાણીઓ બોલી ઉઠતા ભાઇ,
જંગલ છોડી રહેવુ ઇંટો મહી, આ કેવો અત્યાચાર છે?

-સાક્ષર ઠક્કર