એ દિવસો ભારે ગમતાં’તા

પાછો વીકએન્ડ અને વીકએન્ડની નવરાશ અને નવરાશનાં સમયે હંમેશની માફક ઉદભવતાં વિચારો… પરિણામ એક કવિતા ફરીથી જૂના દિવસો પર… ક્રિકેટ રમવું, રખડવું, એક સાથે મેચ જોવી, સાથે જમવા જવું, સાથે ભણવું, કોઇ વાર લડવું, પાછા મળવું, ઉનાળાની ગરમીમાં બળવું કે વરસાદમાં અગાસી પર જઇને સાથે પલળવું… ખબર નહિ હજુ કેટલી વાર કહીશ પણ… MISSING THOSE DAYS

યાદ છે પેલા કમ્પાઉન્ડમાં કેવું ક્રિકેટ રમતાં’તા,
બાઇક-સ્કૂટી પર ૩ સવારી વિદ્યાનગર આખું ભમતાં’તા.

પેલી દુકાનના એક જ ટીવી પર ૫૦ જણ મેચ જોતાં’તા,
પાછળ ઉભા તો ડોકી ઉંચી ને આગળના નીચે નમતાં’તા.

“જમવા ક્યાં જઇશું” એ વાત પર ૧૦ અલગ અભિપ્રાય મળતાં’તા,
કલાક રહી નક્કી કરી ને બધા એક જ સ્થળે જમતાં’તા.

ભણતાં, લડતાં, મળતાં, નડતાં, બળતાં ને પલળતાં’તા,
કાંઇ પણ કહો પણ હું તો માનું એ દિવસો ભારે ગમતાં’તા.

-સાક્ષર

ફરી ક્યારે મળીશું?

ઘણી વિચિત્ર લાગણીઓ અનુભવાય છે આ મન પર, ફરી ક્યારે મળીશું?
એક જ સવાલ સતત ઘુંટાય છે આ મન પર, ફરી ક્યારે મળીશું?

જેમાં સમય વિત્યો સાથે મોજ-મસ્તીમાં,
એ ઘટનાઓનાં પુનરાવર્તન પર ફરી ક્યારે મળીશું?

અત્યારે તો બધા જુદી દિશાઓમાં જઇ રહ્યાં છે,
આ જમીન પર તો ક્યાંક ગગન પર ફરી ક્યારે મળીશું?

આવશે કોઇની યાદ, ત્યારે મન ને કહીશું,
બસ બે ઘડી સંભાળ, ફરી ચોક્કસ મળીશું.

(આ કવિતાની સૌથી અસરદાર છેલ્લી બે લાઇન એક મિત્ર પ્રિતીશ દેસાઇ એ લખી છે)

આ કવિતા બી.ઇ. પતી ગયું પછી લખી હતી, બધાને કોલેજ અને મિત્રો છોડવાનું દુઃખ તો હોય જ છે, અને એ દુઃખ થોડું વધારે હોય જ્યારે ઘરથી દૂર મિત્રો સાથે રહ્યા હોય, આવામાં ખાલી કોલેજ જવા માટે નહિ પણ ખાવા-પીવામાં,રમવામાં, અરે બ્રશ કરવામાં પણ બધા દોસ્તો સાથે જ હોય છે અને અચાનક કોલેજ પૂરી થઇ જાય. કોઇ રાજકોટ, કોઇ નવસારી, કોઇ વડનગર તો કોઇ વડોદરા. થોડા દિવસ પછી કોઇની જોબ ચાલું થઇ જાય તો કોઇ આગળ ભણવા માટે પરદેશ જાય અને ભૌગોલિક અંતર પાછા વધી જાય. બધી જુની વાતો યાદ આવે ને આવું કંઇક લખવાનું મન થઇ જાય અને આવી જ વાતો ને યાદ કરતાં એક વિડીઓ પણ મેં બનાવ્યો હતો, જેમાં કોલેજની થોડા ફોટો રાખ્યા છે. તે પણ Share કરીશ.


અને આ વાત પર લયસ્તરોમાં એક વખત વાંચેલું એક અછાંદસ પણ યાદ આવી ગયુંઃ

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

જોકે મારે સુનીલ ગંગોપાધ્યાયની જેમ એટલો બધો ટાઇમ નથી થયો કે એ છોકરીનું નામ યાદ ન હોય 😉