વાર્તામાં વળાંક: ઝનઝનાટી થાય છે?

(ચેતવણી – નબળા હ્રદયના લોકોએ પોસ્ટ ન વાંચવી)

ટચલી આંગળીનો X-ray ટ્યુબ લાઈટ સામે ધરીને એમાં જોઇને,

“ઓપરેશન તો આજે જ કરવું પડશે, ક્યારે છે લગન?”

“પરમ દિવસે. બે દિવસ પછી નહિ ચાલે?”

“આપણે already late છીએ. Joint dislocation થઇ ગયું છે જલ્દી fix નહિ કરીએ તો lifetime માટે problem થઇ જશે”

“OK”

(ઓપરેશન થીએટરમાં)

હું: “તો આ ઇન્જેક્શનથી હું આખો બેભાન થઇ જઈશ?”

રેસીડેન્ટ ડોક્ટર:  “ના, ૨-૩ મિનીટમાં હાથમાં  ઝનઝનાટી થશે અને આખો હાથ બહેરો થઇ જશે, ઓપરેશન કરીએ ત્યારે આ બાજુ જોતા નહિ”. હાથમાંથી gloves કાઢી અને injection ની સોય ફેંકતા,  “તો… તમે ત્યાં યુ.એસ.માં પણ ક્રિકેટ રમો છો એમ ને! “

હું: “શનિ રવિ માં રમીએ અને આ સીઝન બોલથી રમવાનું હમણાં હમણાં જ શરુ કર્યું છે, એમાં જ તો આ વગાડી આવ્યો.”

રેસીડેન્ટ ડોક્ટર: “હ્મ્મ… ડાબા હાથમાં ઝનઝનાટી થાય છે?”

હું: ” ના કંઈ નથી થતું.”

રેસીડેન્ટ ડોક્ટર: “કંઈ નહિ ૨-૩ મિનીટ હજુ રાહ જુઓ થશે”

પીઢ ડોક્ટર operation theaterમાં પ્રવેશતા: “સુરેશ, આપી દીધી Anesthesia?”

રેસીડેન્ટ ડોક્ટર: “હા સર આપી તો દીધી પણ હજુ effect નથી થઇ”, મારી સામું જોઈને , ” હવે ઝનઝનાટી થાય છે?”

મેં ડોકું ‘ના’માં ધુણાવ્યું.  પીઢ ડોકટરે મેડીકલ ભાષામાં કોઈ નસનું નામ બોલી ને કહ્યું, “બીજુ એક ઇન્જેક્શન પેલી નસમાં આપી દે, અમુક વાર આ નસ બરાબર પકડાય નહિ તો problem થતો હોય છે”

રેસીડેન્ટ ડોકટરે સુચન મુજબ બીજું ઇન્જેક્શન ખભામાં માર્યું, અને મને પૂછ્યું, “ઝનઝનાટી થાય છે?”

મેં ફરી થી ના પાડી. બીજી ૪-૫ મિનીટ સુધી કોઈ અસર ન થતા, પીઢ ડોકટરે દુરથી જ Anesthesia બદલવાનું સૂચવ્યું.

રેસીડેન્ટ ડોકટરે ફરીથી ખભામાં ત્રીજું કાણું પાડ્યું. મને કહ્યું, “હવે જે નસમાં ઇન્જેક્શન માર્યું એના લીધે તમારો આખો હાથ બહેરો નહિ થાય, ખાલી ડાબા હાથની આંગળીઓ બહેરી થશે”

ફરી પાછી ૪-૫ મિનીટ પછી પૂછ્યું, “આંગળીઓમાં ઝનઝનાટી થાય છે?” મેં ફરી ના પાડી.

હું પડ્યો પડ્યો, ડાબો હાથ, જમણો હાથ, બંને પગની આંગળીઓ બધું હલાવતો હતો. એ જોઈને ડોકટરે પૂછ્યું, “શું થાય છે? કોઈ તકલીફ થાય છે?”

મેં કહ્યું, “ના, આ તો જોતો હતો કે આપણે ખાલી ખોટા ડાબા હાથમાં ઝનઝનાટીની રાહ જોતા હોઈએ. અને બીજી કોઈ નસમાં ઇન્જેક્શન જતું રહ્યું હોય અને બીજો કોઈ ભાગ બહેરો થઇ ગયો હોય તો! “

બે મિનીટ બઘવાઈ અને પછી રેસીડેન્ટ ડોક્ટર: ” એવું ના હોય યાર!”

પહેલું ઇન્જેક્શન મારે હવે અડધો કલાક થઇ ગયો હતો અને મને સહેજ પણ ઝનઝનાટી નહોતી થતી. પીઢ ડોક્ટર હવે ધીરજ ગુમાવી રહ્યા હતા, એમણે રેસીડેન્ટ ડોક્ટરની નજીક આવી ને કહ્યું, “હવે અહી આગળ માર. (કોણીની ઉપરનો ભાગ બતાવી), હું અહિયાં જ ઉભો છું”

પેલાએ જેવું માર્યું એના હાથમાં થી injection લઇ અને એને ખખડાવતા કહ્યું, “અલા ડફોળ, આવી રીતે સોય મરાતી હોય, લાવ આપ તો મને, પછી પાછો કેહતો’તો સર ઓપરેશન કરવા આપો, સોય મારવામાં જ લોચા મારતો હોય ને તને ઓપરેશન કરવા અપાતું હશે?”

મારા મુખ પર ચિંતાના ભાવો વાંચી ગયેલા ડોકટરે કહ્યું, “તમે ચિંતા ના કરો, હવે થઇ જશે” હવે પીઢ ડોકટરે injection માર્યું.

૩-૪ મિનીટ પછી પીઢ ડોકટરે પૂછ્યું, “ઝનઝનાટી થાય છે?”

મેં ફરીથી ના કહ્યું. હવે તો એમને એવું જ લાગ્યું હશે કે હું ક્યારનો ખોટું બોલું છું એટલે એમણે ડાબા હાથ પર ચુંટણી ખણી અને મેં નાનકડી ચીસ પાડી ત્યારે એમને ભરોસો થયો. પછી મને કીધું,  ” આ તો જોતો હતો, અમુક વાર ઝનઝનાટી ના થાય પણ હાથ બહેરો થઇ ગયો હોય, આંગળીઓ હલાવો તો” ફરી check કરવા એમણે કહ્યું. મેં આંગળીઓ હલાવી મારા સત્યનું સબુત આપી દીધું.

હવે પીઢ ડોક્ટરના ચહેરા પરના અધીરાઈના ભાવો અકળામણમાં બદલાઈ ગયા હતા અને પેલા રેસીડેન્ટ ડોક્ટરના ચહેરા પરના ડરના ભાવો લો-તમારા-થી-પણ-નથી-થતું નાં ભાવમાં બદલાઈ ગયા હતા. પીઢ ડોકટરે મને કહ્યું, “એક છેલ્લી વાર થોડો આ liquidની માત્ર વધારી ને local anesthesia try કરીએ અસર નહી થાય તો પછી general anesthesia આપી દઈશું”. ફરી એક વાર ઇન્જેક્શન મારી અને બંને ડોક્ટર મારી સામે જોતા રહ્યા.

૪-૫ મિનીટ પછી sedativeની અસર ચાલુ થાય એ પહેલા પેલા રેસીડેન્ટ ડોકટરે પોતાની બંને ભ્રમરોને  બે વાર ઉપર કરી અને આંખોથી છેલ્લી વાર એ જ અણીયાળો સવાલ પૂછ્યો,

“ઝનઝનાટી થાય છે?”

1લગ્નનાં એક દિવસ પહેલા

3પછીના ૧.૫ મહિના

2 લગ્નના ૧.૫ મહિના પછી(fixator નીકાળ્યા પછી)DSC_0202(લગ્ન વખતે)

બોધ –  જ્યારે કોઈએ એવી ચેતવણી આપી હોય કે “નબળા હ્રદયના લોકોએ આ વસ્તુ ન કરવી” તો એને ચેતવણી જ ગણવી, હ્રદયની મક્કમતા ચકાસવા માટેનું સાધન નહિ. (આ પોસ્ટમાં ચેતવણીનું કામ ખાલી બોધ માટે હતું, સાચી ચેતવણી હોય ત્યારે બોધ લેવા માટે લોકો બચતા નથી)

તા.ક. –  1. એ જ ટ્યુશનના સર  જ્યારે મારતા અને અસર ન થતી ત્યારે કહેતા કે “તું જડ જેવો છે”

2. એક બ્લોગર મિત્ર મનીષભાઈ મિસ્ત્રી એ ઈમેલમાં બે પંક્તિ મોકલાવેલી બે પંકિત જે મને ખુબ ગમી હતી,

દેહ મારો ચાળણી કરતા ગયા ઇન્જેક્ષનો,
ને ગબડતો જાય છે વિશ્વાસ પણ થોડો ઘણો,
લો હવે તો પૂછતાયે દાગતર મુંઝાય છે,
“બોલ ‘સાક્ષર’ આંગળીમાં ઝનઝનાટી થાય છે?”

17 thoughts on “વાર્તામાં વળાંક: ઝનઝનાટી થાય છે?

  1. બંને ડોક્ટર્સ શું …. ડોક્ટર ડોક્ટર રમતા હતા ? કે પછી નીચેના ગાદલામાં જ ઇન્જેક્શન ઝીંક્યે રાખતા હતા ? કદાચ એ ડોક્ટર્સ ગયા જન્મમાં ‘અંગુલી’માલ હશે;)

    ઘણી Photogenic પોસ્ટ રહી 🙂 { નાનકડુ આશ્ચર્ય : મને ખ્યાલ નહોતો કે આપના લગ્ન થઇ ગયા છે ! }

    1. ગયા વર્ષે જ થયા, એમ તો આ પોસ્ટ લખવા નું ચાલુ પણ એક વર્ષ પહેલા કર્યું હતું, પણ ડ્રાફ્ટમાં પડી રહી હતી. આળસને કારણે. છેક હમણાં પાછી હાથ પર લીધી, બાકી તમને એ જ સમયે latest update મળી ગઈ હોત 🙂

  2. ખતરનાક પોસ્ટ છે આ તો! ‘આરંભ ચૂકશો નહીં અને અંત કોઈને કહેશો નહીં’ પ્રકારની. ડૉક્ટરોય આપણા જેવા હોય છે/હોઈ શકે છે એ જાણીને હૃદય નબળું પડી ગયું હોવાની લાગણી થઈ.

    1. ‘આરંભ ચૂકશો નહીં અને અંત કોઈને કહેશો નહીં’ haha… ડોકટરો એમ તો મિકેનિક જ હોય છે બસ એન્જીન રીપેરીંગ વખતે ગાડી નું એન્જીન ચાલુ હોય છે. 🙂

Leave a reply to બીરેન કોઠારી જવાબ રદ કરો