ટુથપેસ્ટ – એક કવિતા

વિડીયો લિંક –  http://www.youtube.com/watch?v=e1Dx8M5TXkI

અડધા કલાકથી મથી ને થાકયો;
આ તો ટુથપેસ્ટ છે કે શું?
અમે કાઢી. લે કાઢ હવે તું.

“ટુથપેસ્ટ લાવજો” નું ગાણું પેલો મનીયો ૩ દા’ડાથી ગાય છે.
ગઈકાલે નીકળ્યા વોલમાર્ટથી ને થયું મનમાં, કે “કંઇક રહી જાય છે”,
લાયા જો હોત તો કાંઇ વાન્ધો જ નહોતો; પણ ના લાયા એનું  હવે શું?
અમે કાઢી. લે કાઢ હવે તું.

ખોટા મુહુર્તે અમને બ્રશ કરવુ સુઝ્યુ કે લાગે છે ચોઘડિયુ કાળ.
ટુથપેસ્ટ નાં નીકળે આ ટ્યુબમાં થી ભલે મોમાંથી નીકળી જાય ગાળ.
વિચારે બાબુ, કે હવે બ્રશ કર્યા વગર મનીયો જશે કે પછી હું?
અમે કાઢી. લે કાઢ હવે તું.

બાબુ(બાબુ-મોશાઈ), મનીયો – રૂમમેટનાં નામ

(” ‘લે બોલ હવે તુ’ – રમેશ પારેખ ”  પરથી પ્રેરિત)

પૂર્વભૂમિકા –
આગળની પોસ્ટમાં કીધું એ પ્રમાણે એમ પણ સવાર સવારમાં અમારે ઉતાવળ રેહતી હોય અને એમાં પાછુ ટુથપેસ્ટ ખતમ થઇ જાય ત્યારે બહુ Problem થઇ જાય. એમાં પાછુ એવું પણ ના હોય કે શોપિંગ કરવા ગયા ના હોય બહુ વખત થી. આગળના દિવસે જ વોલમાર્ટ જઈને આવ્યા હોય પણ તેલ અને મીઠું “ખાસ” યાદ રાખવામાં ટુથપેસ્ટ ભૂલી ગયા હોઈએ અને પછી બીજા દિવસે મરણીયા પ્રયાસો ચાલે : ટુથપેસ્ટના છેલ્લા બુંદ નીકાળવાના. ત્રણ દિવસથી વિડિયોમાં બતાવ્યા એમ અલગ અલગ પ્રકાર ના પ્રયત્નોમાંથી પસાર થઇ ચુકેલી ટ્યુબ પેસ્ટ ચોથા દિવસે નીકળવાનું નામ ન લે. થોડી ઘણી જે બચી હોય એનો હક્કદાર જે વહેલું ઉઠ્યું હોય એ બને અને બ્રશ કરી ને જવાની જાહોજલાલી ભોગવે.  Worst Caseમાં જો કે Mouth Wash તો હોય જ છે.

તા.ક. –  “વીતી ગયેલો સમય અને ટુથપેસ્ટની ટ્યુબમાંથી નીકળેલી પેસ્ટ ક્યારેય પાછા આવતા નથી”

***So, USE BOTH WISELY. ***