શાંત ચિત્તે વાટ લગાડતી…

વાટ લગાડતી…

(પ્રેરણા અને પહેલી પંક્તિ (“ઘાસ જોઈ હરખાતું’તું” સુધી) માટે અધીર અમદાવાદી નો આભાર, )
(રાગ – શાંત ઝરુખે વાટ નીરખતી – મનહર ઉધાસ)

શાંત ચિત્તે વાટ લગાડતી રૂપની રાણી જોઈ હતી,
મે એક બરબાદી જોઈ હતી.
એના હાથની ઝાપટ ખાધી’તી,
એના મુખથી કાજળ ઉજળું હતુ,
એક નાનુ સરખુ ડાઈનોસોર જાણે,
ઘાસ જોઈ હરખાતું’તુ.

એના દાંતોના પણ દાવ હતા,
એના હોઠ પર દાંતના ઘાવ હતા,
એને ભાજી ઘણી વહાલી હતી,
એના ફ્રીજમાં ખાલી પાવ હતા.

એની આખોમાં આંસુની મંદી,
એને ડાકુઓ સાથે ભાઈબંધી,
એને સંભાળી ના શકો તમે,
જો તમ પર કોઈ દી એ વંઠી.

એ મેકપ કરવું વારતી’તી,
એ સિંહોને પણ ચારતી’તી;
કોઈ હસીને સામે આવે તો,
દારાસિંગ જેવું મારતી’તી.

વર્ષો બાદ ફરીથી આજે
એની સાથે પનારો પડ્યો છે,
એના હજુયે ભારે બુટ છે,
એ હજુયે એટલી મજબુત છે,
આ ડાબા હાથનું ફ્રેકચર મારું
એ વાતનું એક સબુત છે.

કોણ હતી એનું નામ હતું શું
એ પણ કોઈ ક્યાં જાણે છે;
કોને ખબર એની કેટલી એફ.આઈ.આર.
કેટલા પોલીસ થાણે છે.

– સાક્ષર

તા.ક. – ત્રણ પ્રોબ્લેમ છે.
૧. વાળ સફેદ થવા લાગ્યા છે.
૨. વાળ ખરે છે.
૩. સફેદ વાળ નથી ખરતા.