બોર્ન્વિટા – બે અવલોકન

(સુરેશદાદાની પોસ્ટ ‘ચા તૈયાર છે’ – ત્રણ અવલોકન પર થી પ્રેરિત)

સ્થળ – અમારું ઘર, વડોદરા, ગુજરાત.
સમય – સવારના ૧૧

સવારનાં ૧૧ વાગ્યા છે.(“જાગ્યા ત્યારથી સવાર” ના ધોરણે) છોકરા એ ૧૨ કલાકની ઊંઘ લઇ લીધી છે એની ગણતરી કરી, મમ્મી મને ધીમે રહીને ઉઠાડે છે. પથારીમાંથી ઉઠીને આંખો ચોળતો ચોળતો હું રીમોટ શોધી ટીવી ચાલુ કરું છું અને છાપું શોધું છું. બે ભાગમાં વહેંચાયેલું છાપું મને ટેબલ પર મળે છે.

૧. “અરાઉંડ ધ વર્ડ્સ” (Gujarati Crossword) ઉપર ભરેલું દેખાય એવી રીતે વાળેલા ૨ પાના (જે અત્યારથી ૪ કલાક પહેલા(સવારે ૭ વાગે) દાદા એ પતાવી દીધું છે)
૨. બાકીનું છાપું

હું બાકી નું છાપું લઇને વાંચવા બેસું છું ને ત્યાં સુધીમાં પપ્પા માટે દાળ-ભાતનું કુકર મૂકી ને આવેલી મમ્મી અકળાઈને બોલે છે, “ચાલ પહેલા બ્રશ કરી લે, બોર્ન્વિટા ગરમ કરીને મુક્યું છે ટેબલ પર. ઠંડુ થઇ જશે તો આજે ગઈકાલની જેમ ફરી થી ગરમ નહિ કરી આપુ. “

બ્રશ કરી ને ટેબલ પર જઈને જોઉં છું તો રોજની જેમ જ એક મગ માં બોર્ન્વિટા છે અને બીજો ખાલી મગ પડેલો છે એની ઉપર ગળણી છે.(એમ તો મમ્મી ગાળીને જ આપે છે પણ એ ગાળે પછી હું ટેબલ પર બેસું ત્યાં સુધીમાં થયેલી મલાઈને ગાળવા માટે) બાજુમાં એક ડીશ માં ૪ મઠીયા પડ્યા છે અને મઠીયા નો ડબ્બો. રસોડામાં થી મમ્મી નો અવાજ આવે છે કે, “ગઈ કાલ રાતનો  હાંડવો ગરમા માં પડ્યો છે એ જોઈતો હોય તો લેજે.”

હું – “હા, આપ” (મમ્મી ના આપવા વગર તો પાછા કંઈ ખાઈએ નહિ ને)
અને મમ્મી એક કલાક પછી હું જમવા નું બરાબર જમી શકું એટલી ગણતરી કરીને હાંડવો આપે છે.
આ બધા રોયલ નાસ્તા સાથે બોર્ન્વિટા પીને અઠવાડિયા પછી કેવું બોર્ન્વિટા મળશે એની ચિંતા વગર પાછો આગળ ના રૂમમાં ટીવી જોવા જાઉં છું.

એક અઠવાડિયા પછી
સ્થળ – અમારું મકાન, રોચેસ્ટર, ન્યુ યોર્ક.
સમય – સવારના ૬.૪૦

આજે સબમિટ કરવાનો પ્રોજેક્ટ પૂરો કરીને ત્રણ કલાક પેહલા જ મુકેલું અલાર્મ વાગે છે.
૫ મિનીટ વધારે ઊંઘી લઉં ની લાલચે હું સ્નુંઝ પર મુકું છું.

સવારના ૬.૪૫

સ્નુંઝ. હજુ ૫ મિનીટ.

સવારના ૬.૪૯
અલાર્મ વાગે એની એક મિનીટ પહેલા જ મારો રૂમમેટ મને ઉઠાડી દે છે.
“ઉઠો પાર્ટી, કાલે ખબર છે ને ૨ મિનીટ વેહેલી આવી ગઈ તી બસ. ભલે ૭ વાગ્યા નો ટાઈમ છે પણ આપડે ૫ મિનીટ વહેલું જ નીકળવા નું”

હું ઉઠી ને સીધો જ વોશ બેઝીન તરફ બ્રશ કરવા જાઉં છું. બ્રશ કરતા કરતા સ્નુંઝ પર મુકેલું મોબાઈલનું અલાર્મ વાગતા તેને બંદ કરું છું. બ્રશ કરી ને સીધો રસોડા તરફ દોડું છું.
“આજે પાછુ રાતની ૧૦ વાગ્યા ની બસ માં કોલેજથી આવવાનું છે એટલે બોર્ન્વિતા તો પીને જ નીકળવું પડશે તો જ ‘ગાડી’ ૧૦ વાગ્યા સુધી ચાલશે. ”
આમ વિચારતો હું, ગઈકાલે સવારે વાપર્યા પછી ધોયા વગર પડેલો મગને પાણી થી વીછળી એમાં બે ચમચી બોર્ન્વિટા નાખું છું. અને ખાલી થઇ ગયેલા ખાંડ ના ડબ્બા ને ખાલી જ રેહવા દઈ ખાંડ ના પેકેટમાંથી બે ચમચી ખાંડ નાખું છું. પછી ફ્રીજમાં થી દૂધ કાઢી મગમાં નાખી, મગને માઇક્રોવેવમાં મૂકી, beverage નું બટન દબાવી, ૧.૫ મિનીટ માં દૂધ થાય ત્યાં સુધી કપડા બદલવા અંદર ના રૂમ માં જાઉં છું, પોતા નો જ ૧ મિનીટ નો રેકોર્ડ તોડી ૫૮ સેકંડમાં કપડા બદલી, મોજા લઇ ને બહાર આવું છું, એક મોજું પહેરું છું ત્યાં સુધીમાં માઈક્રોવેવ માં થી “બીપ બીપ” અવાજ આવે છે. બોર્ન્વિટા તૈયાર છે. બીજું મોજું અને શુઝ પહેરી માઈક્રોવેવમાંથી બોર્ન્વિટા કાઢી ચમચી થી ૨ વાર હલાવીને પીવાની શરૂઆત કરું છું એટલામાં મોબાઈલ પર મને ઉઠાડનાર અને મારા થી પેહલા બસ-સ્ટોપ પર પહોંચનાર રૂમમેટનો કોલ આવે છે. બોર્ન્વિટા પીતા પીતા જ ફોન ઉપાડું છું.
મારો રૂમમેટ – “જલ્દી આવી જા બસ આવી ગઈ છે, મેં ડ્રાઈવર ને ઉભો રહેવા માટે કીધું છે”

બાકી નું બોર્ન્વિટા એમ જ પ્લેટફોર્મ પર રાખી, બેગ લઇ ને બસ સ્ટોપ તરફ ભાગું છું.
બસમાં ચડીને ૧૦ વાગે કોલેજ આવનાર રૂમમેટ ને ફોન કરું છું
હું – “યાર પ્લેટફોર્મ પર મારું બોર્ન્વિટા પડ્યું છે, જરા ફ્રીજ માં મૂકી દેજે ને”
મારો રૂમમેટ – “શું યાર આજે પણ??????”

૩ મિનીટ પહેલા ફ્રીજ માં થી નીકળેલું દૂધ, બોર્ન્વિટા સાથે ફરી થી ફ્રીજ માં જાય છે.

“ગુજરાત નું દર્પણ, ગુજરાત ને અર્પણ”

તા.ક. –

૧. સુરેશ દાદાએ ત્રણ અવલોકનો લખ્યા છે, જ્યારે અમને ધર્મપત્નીવાળા અવલોકન નો અનુભવ ના હોવા થી એ લખેલ નથી.

૨. ‘ચાની આદત વાળાઓ ને ચા વગર માથું દુખે છે પણ બોર્ન્વિટાની આદત વાળાઓ ને બોર્ન્વિટા ન મળે તો માથું દુખતું નથી’ – આજીવન બોર્ન્વિટા ગ્રહણ કરવા નું પ્રણ લેનાર ‘સાક્ષર’

૩. અમને કેડબરી તરફથી બોર્ન્વિટા ને promote કરવાના રૂપિયા મળેલ નથી, જેની નોંધ લેવી.