વાર્તામાં વળાંક: આજનો એકલવ્ય


એક વાર દ્રોણ, અર્જુન અને એકલવ્ય ગાડીમાં ફરવા ગયા હતા. અર્જુન ગાડી ચલાવતો હતો અને દ્રોણ બાજુમાં બેઠા હતા, અને એકલવ્ય પાછળની સીટ પર આડો પડીને ઊંઘતો હતો. દ્રોણ એકલવ્યનો આઈફોન લઇ ને Dartsની game રમતા હતા. દ્રોણ જ્યારે નિશાન લગાડવામાં વાર લગાડતા ત્યારે આઈફોન ઓટો લોક થઇ જતો હતો, એટલે અનલોક કરવા પાછળ બેઠેલા એકલવ્યને આપતા. એકલવ્ય પોતાનો અંગુઠો i-phone નાં fingerprint scanner પર મૂકીને ફોન અનલોક કરી આપતો.

આવું સાત આઠ વખત થયા પછી એકલવ્ય અકળાયો અને અંગુઠો કાપી દ્રોણને આપી દીધો અને કીધું, “એક કામ કરો ગુરુજી, આ અંગુઠો જ રાખી લો, પછી જેટલી વખત અનલોક કરવું હોય એટલું કર્યા કરો, પણ મને શાંતિથી ઊંઘવા દો”

બોધ – ઊંઘ મહત્વની છે, અંગુઠો નહિ.

માઈક્રોફિક્શન વાર્તાઓ

(અક્ષરનાદ.કોમની વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પર આવેલી મારી ૪ માઈક્રોફિક્શન વાર્તાઓ)

મજા

“આ લીસ્ટ જોઈ લે તો બરાબર છે ને. “નિસર્ગે એની પત્નીને લીસ્ટ આપતા કહ્યું.
“સ્ટોવ, ચા નો મસાલો, ખાંડ, ચા ની તપેલી, પેપર પ્લેટસ, પેપર સ્પુન, બ્રેડ, બટર, ચીસ, બ્રશ, ટુથપેસ્ટ, ઉલ્યું, ફ્લેશ લાઈટ, ચપ્પુ, મચ્છર માટેની ક્રીમ, બેન્ડએઇડ, સ્લીપિંગ બેગ, ઓશિકા, બ્લેન્કેટ”
“અરે main વસ્તુ તો તું ભૂલી ગયો. Portable Charger. એના વગર ગયા વખતે યાદ છે કેમ્પીંગમાં આઈફોનની બેટરી ખાલી થઇ ગઈ હતી અને પછી કેમ્પીંગમાં મજા નહોતી આવી”

તફાવત
એણે કોકાકોલાની ખાલી પડેલી ભૂરા રંગની ક્રેટ ઉંધી કરી, એની ઉપર ચડી અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીની ઉંચાઈ સુધી પહોચી, ટીવીની જમણી બાજુમાં જોરથી બે વાર ઠપકાર્યું. હવે ટીવી પરનું દ્રશ્ય ચોખ્ખું દેખાતું હતું. એણે જોયું કે એની જ ઉંમરનો એક છોકરો સ્ટેજ ઉપર અમિતાભ બચ્ચન પાસેથી એક ટ્રોફી લઇ રહ્યો હતો. સ્ટેજ પર ઉભેલા એન્કરએ કહ્યું, ” ફિર એક બાર ઝોર સે તાલિયા હો જાયે, તારે ઝમીન પે ઔર દર્શિલ સફારી કે લિયે” અને ઓડીયન્સમાં બેઠેલા હજારો લોકોની તાળીઓ નો ગડગડાટ છવાઈ ગયો.

…એટલામાં એનું ધ્યાન તોડતા એના માલિકનો અવાજ આવ્યો, “ઓયે છોટુ, ટીવી સરખું કરવા મોકલ્યો’તો, જોવા નહિ, આ ચા બની ગઈ છે આપી આવ તો”

બાળઉછેર

“જો બેટા આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની:
ખૂણો પકડીને બધા જતા હોય ને એમની સાથે સાથે ચાલ્યા કરવાનું, બહુ વચ્ચે નહિ જવાનું, એ લોકોની નજરમાં નહિ આવાનું. ખાવાનું લઇ ને જેટલું જલ્દી બને એટલુ ઘરમાં આવી જવાનું.
આપણે કોઈને કંઈ કરી એ નહિ તો કોઈ આપણને કંઈ ના કરે, એટલે બચકું નહિ ભરવાનું એ લોકોને”
શિખામણ આપતી કીડી અને એની બાળ કીડી બંને પર અચાનક જોરથી એક ચપ્પલ આવ્યું… અને તડપતા તડપતા કીડીઓએ એ એટલું સાંભળ્યું, “આલુલુલુ, કીડીએ આવું કર્યું મારા બેટાને, જો કશું નથી વાગ્યું, જો બેટા કીડી મરી ગઈ, જો.”

મૃત્યુનો પ્રકાર
“હા બોલો યમરાજ, આ જે સ્ત્રીને લઇ આવ્યા છો, એનું મૃત્યુ કેવી રીતે થયું હતું?” ચિત્રગુપ્તે પૂછ્યું.
“એના ૫ વર્ષના છોકરાને લીધે. એના છોકરાએ સમ ખાધા હતા અને…”
“અરે યાર, મજાક ના કર ને, એવો કેસ જોયો છે તે એક પણ વાર!”
યમરાજે હસીને કહ્યું, “સાચે… તમારા સમ”

– સાક્ષર

 

 

વાર્તામાં વળાંક: હાશકારો

(શબ્દોનું સર્જન, બેઠક, કેલીફોર્નીયા દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધામાં (વાર્તાનો વિષય- હાશકારો) પ્રથમ ક્રમાંકે આવેલી મારી વાર્તા)


“કંટાળી ગયા આ પાણીપુરીથી તો” આશાએ મોં બગાડીને અમરને કહ્યું.

અમર, ઉંમર વર્ષ ૩૩, પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, ઉંચાઈ ૫ ફૂટ ૫ ઇંચ. જો અમર ક્યાંક ખોવાઈ ગયો હોય તો દુરદર્શન ગુજરાતી પર એનું કંઈક આ રીતનું વર્ણન કરી શકાય. પણ અમર ક્યાંય ખોવાયો નથી. અમરને અત્યારે એવા જ વિચાર આવે છે કે એ ક્યાંક ખોવાઈ ગયો હોત તો સારું.  ખોવાય ક્યાં થી , ત્રણ દિવસથી એ ક્યાંય ગયો જ નથી.

કેટલો સરસ નિત્યક્રમ ચાલતો હતો એનો! રોજ સવારે ઉઠી અને પેલા કોન્ટ્રાકટરને ત્યાં મજુરી કરવા જવાનું આવી ને આશાની સાથે પાણીપુરીની તૈયારી કરવાની: પૂરીઓ તળવાની, બટાકા બાફવાના, ડુંગળી સમારવાની, ચણા બાફવાના અને પાણી બનાવવાનું. આ બધું થઇ જાય એટલે લારી લઇને નીકળી જવાનું. ગોકુલ ચાર રસ્તાએ જઈને સાંજના ૪ વાગ્યાથી રાતના ૧૧.૩૦ સુધી ઉભા રહેવાનું, હોંશે હોંશે લોકોને પાણીપુરી ખવડાવવાની, લારી લઈને પાછા ઝુપડી પર આવી જવાનું અને આશાએ બનાવેલા ગરમા ગરમ રોટલા ખાઈ અને નજીકમાં થી પસાર થતા પાટા પરથી જતી રાતની ટ્રેનોના background music સાથે,  સપના જોતા જોતા સુઈ જવાનું. સપના ઝુપડીમાંથી ઘર થવાના, એની ૪ વર્ષની લાડકવાયી દીકરી ઝીણીને મોટી કરવાના સપના, એને ઈસ્કુલ મોકલવાના સપના, એના લગ્ન લેવાના સપના…આ બધા સપનાઓમાં બ્રેક વાગી ગઈ હતી. અરે, ઊંઘવામાં જ બ્રેક વાગી ગઈ હતી.

27 ફેબ્રુઆરીની સવાર હતી, અમર રોજની જેમ સવારે એક નવા મકાન નું બાંધકામ ચાલતું હતું ત્યાં મજુરી માટે ગયો હતો કામ બરાબર રીતે ચાલતું હતું અને એટલામાં અચાનક ૧૨ વાગ્યાની આસપાસ contractor સાહેબ હાથમાં પૈસા લઈને આવ્યા. અમરને થયું આજે આટલા વહેલા કેમ આવ્યા હશે સાહેબ? કદાચ એમને નવા મજુરો તો નહિ મળી ગયા હોય ને! અને એને નોકરી પરથી નીકાળી તો નહિ દે ને!

“લે આ ૩૦ રૂપિયા સવારથી અત્યાર સુધી ની મજુરી, ઘરે નીકળી જા હવે.” contractor સાહેબે ૧૦ની ત્રણ નોટો આપતા કહ્યું.

“કેમ સાહેબ શું થયું?” અમરે કુતુહલથી પૂછ્યું.

“ગુજરાત બંધનું એલાન છે, બંધ ખુલી જાય એટલે આવી જજે”, contractor સાહેબે કહ્યું.

વધારે કંઈ પૂછ્યા વગર અમર ત્યાંથી પૈસા લઇને નીકળી ગયો. રસ્તામાં એણે જોયું તો એક જીપ  જેની પર “વિશ્વ હિંદુ પરિષદ” નું બેનર હતું એમાં આવેલા ૭-૮ લોકો બધી દુકાનો બંધ કરાવતા હતા.  અમર એના રોજ ના પાનનાં ગલ્લા પર બીડી લેવા માટે ઉભો રહ્યો.

“અલ્યા આ બંધ શેનું છે?” અમરે પાંચનો સિક્કો આપતા પાનવાળાને પૂછ્યું.

“ખબર નહિ યાર, ગોધરામાં કંઈક ટ્રેન સળગાઈ નાખી છે કોઈએ. આજે પોલીસોય બહુ ફરે છે. હું ય હવે ગલ્લો બંધ કરી ને નીકળું જ છું” પાનવાળાએ બીડીની ઝૂડી આપતા કહ્યું.અમરે ઝુડીમાંથી બે બીડી નીકાળી, એક સળગાવી અને એક કાન પર મૂકી અને પછી ત્યાંથી નીકળી ગયો.એની ઝુપડી પર પહોંચ્યો ત્યારે ત્યાં આશા પણ એના કામ પરથી ઝીણીને લઇને પાછી આવી ગઈ હતી. બાજુ માં રહેતો મોચી અબ્દુલ પણ પાછો આવી ગયો હતો. એ એની ઝુપડીની બહાર બેઠો બેઠો રડતો હતો. એની પાસે જઈ અને અમરે પૂછ્યું, “ શું થયું લા, રડે કેમ છે ?”

“તે સમાચાર નથી સાંભળ્યા? શહેરમાં તોફાનો ચાલુ થઇ ગયા છે, મુસ્લિમોની દુકાનોને ઠેર ઠેર લોકો સળગાવે છે” અબ્દુલે પોતાની બાંયથી આંખો લુછતા કહ્યું, “અને મુસ્લિમોને પણ”

“તું ચિંતા ના કરીશ, તને કોઈ કંઈ નથી કરવાનું, આપણે પેલી નજીકની નહેર છે એની બાજુમાં મોટા મોટા ભૂંગળા પડ્યા હોય છે, એની અંદર છુપાઈ જઈશું. ૨-૩ દિવસમાં બધું થાળે પડી જશે એટલે પાછા આવી જઈશું” અમરે અબ્દુલના ખભા પર હાથ રાખીને કહ્યું.રોડ પર આવેલા ઝુપડામાં રહેવા કરતા અવાવરું જગ્યાએ ભૂંગળામાં જવામાં અમરને વધારે સલામતી લાગી. અમરે જલ્દીથી આશાને કીધું કે ઝીણીને લઇને આપણે થોડી વારમાં નીકળવાનું છે. ઘરમાં જે પણ ખાવા પીવાનું હોય એ લઇ લે. આશાએ લારીમાં થી બધો સામાન વધેલી પુરીઓ, બટાકાનો માવો, સમારેલી ડુંગળી બધું એક કોથળામાં ભરીને લઇ લીધું. બહાર રેતીના ઢગલામાં રમતી ઝીણી ને પણ ઉચકીને લઇ આવી.

નહેર ત્યાંથી અડધો કિમીના અંતર પર જ હતી. થોડી વારમાં તો અમર, આશા, ઝીણી અને અબ્દુલ ચારેય પોતાની ઝુપડીઓથી નીકળીને નહેર પાસે પડેલા ભૂંગળાઓ પાસે પહોંચી ગયા. બંધના એલાનને લીધે, નહેર પરના બ્રીજ પરથી આવતા જતા વાહનો ઓછા થઇ ગયા હતા. સાંજનો સમય હતો, સુરજ ડૂબવાની તૈયારી કરી રહ્યો હતો, પોલીસની સાયરનોનો અવાજ થોડી થોડી વારે સંભળાયા કરતો હતો.અબ્દુલ અને અમર ત્યાં પડેલા બધા ભૂંગળાને એક પછી એક જોવા લાગ્યા અને છેવટે એક મોટું ભૂંગળું પસંદ કરી, ચારેય જણ અંદર સમાઈ જશેની ખાતરી કરી અને  ભૂંગળામાં કોથળો નાખી દીધો.

“ચાલો ત્યાં રોડ પર રહેતા હતા એના કરતા તો આ સલામત જગ્યા છે!”  અબ્દુલે અમર તરફ જોઈને કહ્યું.

“દોસ્ત, તું ચિંતા ના કર, અહિયાં કોઈ નહિ આવે” અમરે સાંત્વન આપતા કહ્યું, “ચલ થોડું ખાઈ લઇએ”

બંને ભૂંગળાની અંદર ગયા, આશા કોથળામાં થી સામાન કાઢી રહી હતી. પૂરી અને માવો બધાએ સાથે બેસીને ખાધો.

જમતા જમતા પણ પોલીસોની સાયરન અને ધડાકાના અવાજો સંભળાયા કરતા હતા એટલે અબ્દુલ અને અમરે નક્કી કર્યું કે રાતે એ બંને જાગતા રહેશે.

ફેબ્રુઆરીની કડકડતી રાતની ઠંડીમાં અમર અને અબ્દુલ બીડી સળગાવીને ભૂંગળાની ઉપર બેઠા હતા. ઝીણીને ઊંઘાડીને બહાર આવી અને એ બંને પાસે આવીને આશાએ પૂછ્યું,

“કેટલા દિવસ ચાલશે આ બધું?”

“રામ જાણે” “અલ્લા જાણે” બંને સાથે બોલ્યા, અને પછી એકબીજા સામે હળવું સ્મિત કર્યું.

બીજા દિવસે સવારે પોલીસની સાયરનના અવાજથી અબ્દુલની આંખ ખુલી ગઈ અને એને યાદ આવ્યું કે એ અને અમર રાતે વાતો કરતા કરતા ભૂંગળાને અઢેલીને જ એ બેઠો બેઠો ઊંઘી ગયો હતો. બાજુમાં જોયું તો અમર નહોતો. અમર સામેથી ચાલતો ચાલતો આવતો હતો.

“મને ઉઠાડ્યો કેમ નહિ?” અબ્દુલે પૂછ્યું.

“હું પણ ઊંઘી જ ગયો તો, હમણાં જ ઉઠ્યો, અહિયાં ચાર રસ્તે જોવા ગયો તો કે શું હાલત છે? બધું સુમસામ છે , દુકાનો બંધ છે, કર્ફ્યું ચાલુ છે, પોલીસ વારે ઘડીએ નીકળે છે, મારે તને વધારે વિગતવાર નથી કહેવું પણ લાગે છે હજુ લાંબુ રોકાવાનું થશે” પાણી ભરેલી ડોલ નીચે મુકતા અમરે કહ્યું.

“પાણી ક્યાંથી લાયો?”

“અહીંયા નજીકમાં દુકાનો પાસે એક પાણીનો નળ છે સવારે આ સમયે ૨ કલાક પાણી આવે છે”અમર અબ્દુલને ચિંતામાં નાખવા નહોતો માંગતો એટલે એણે જોયેલા તૂટેલી દુકાનો, સળગેલા ઘરોના અને આખા શહેરમાં બનેલા કાળા ધુમાડાના વાદળો વિષે ના કહ્યું. અમર જે જોઈને આવ્યો એના પર થી એને ખાતરી થઇ ગઈ હતી કે અહિયાં વધારે સમય કાઢવાનો છે અને બધાને થઇ રહે એટલુ ખાવાનું એ લોકો પાસે નથી. એણે વિચારી લીધું હતું કે જ્યાં સુધી સ્થિતિ સુધરશે નહિ ત્યાં સુધી એ નહિ ખાય.

બપોરે જ્યારે આશા ફરીથી કોથળામાં થી પાણી પૂરી કાઢી રહી હતી ત્યારે અમરે કહ્યું,

“મને અત્યારે ભૂખ નથી પછી ખાઈ લઈશ”

અબ્દુલ વાતને સમજી ગયો, એણે કહ્યું, “દોસ્ત તું નહિ ખાય તો હું પણ નહિ ખાઉં, એકાદ દિવસ નહિ ખાવાથી કશું બગાડવાનું નથી” આશા તરફ જોઈને, “ભાભી, તમે અને ઝીણી ખાઈ લો”

—-

આમને આમ બે દિવસ વીતી ગયા. નવો નિત્યક્રમ બની ગયો હતો. પોલીસની સાયરનો, ધડાકાના અવાજો વચ્ચે અમર અને અબ્દુલ દિવસ રાત પાણી પીને જીવતા હતા, અને આશા અને ઝીણી પાણીપુરી ખાઈને.  અમર અને અબ્દુલ બે રાતથી જાગતા હતા, પોલીસની સાયરનનો અવાજ નજીક આવે એટલે ભૂંગળામાં સંતાઈ જતા અને પછી થોડી વાર પછી ફરી પાછા બહાર આવી જતા. રોજ રાતે અબ્દુલ અને અમર જુના દિવસોની વાતો કરતા, અલગ અલગ વાનગીઓની વાતો કરતા અને કાલથી ખાવાનું મળી જશેના વિશ્વાસ સાથે રાત પસાર કરતા.

બીજી માર્ચની સાંજનો ૭ વાગ્યાની આસપાસનો સમય હતો. બધા ભૂંગળામાં હતા અને આશા પાણીપુરીનાં માવાનો નાનકડો કોળીયો બનાવીને ઝીણીને ખવડાવી રહી હતી.

“કંટાળી ગયા આ પાણીપુરીથી તો” આશાએ મોં બગાડીને અમરને કહ્યું.

“બસ હવે એકાદ દિવસ… “કહેતા કહેતા અમર અટકી ગયો, એને મોટ્ટા ટ્રકનો અવાજ સંભળાયો. ભૂંગળામાં એક નાનકડું કાણું હતું એમાંથી બહાર જોયું તો નહેર ઉપરના બ્રીજ ઉપર એક મોટો ટ્રક આવીને ઉભો રહી ગયો હતો, ટ્રકની પાછળ લગભગ ૫૦ માણસો અલગ અલગ હથીયારો, ચપ્પા, ધારિયા, તલવારો સાથે ઉભા હતા અને બુમાબુમ કરી રહ્યા હતા.અમરે મો પર આંગળી મૂકીને આશા અને અબ્દુલને શાંત થવાનો ઈશારો કર્યો. ઝીણી અવાજ ન કરે એ માટે આશાએ એનું મોં દાબી દીધું. અમરે જોયું કે ટ્રકની બાજુમાં ડ્રાઈવરની સીટ પરથી બે જણ નીચે ઉતરી અને સામેની તરફ જોઈ રહ્યા હતા.ટ્રકમાં ચડીને આવેલા ટોળામાંથી એક પછી એક બધા નીચે ઉતરી રહ્યા હતા. સામેની બાજુથી બીજા એક ટ્રકનો અવાજ આવતો સંભળાયો અને આ ટોળામાંથી કોઈ એક એ બુમ પાડી,

“નહિ જવા દઈએ એ લોકો ને અહીંથી આગળ”

“નહિ જવા દઈએ” ટોળાએ નારો લગાવ્યો.

જોત જોતામાં બીજો ટ્રક પણ સામે આવીને રોકાઈ ગયો, એમાંથી પણ લગભગ ૫૦ માણસો હથિયારો લઇને ઉતર્યા. કોઈ વાતચીત વગર બંને ટોળાઓ સામ સામે આવી ગયા અને એના પછી દોડધામ, માર-કાટ અને ચિત્કારો સાથે હિંસા વ્યાપી ગઈ. હથીયારોના અવાજ અને ચિત્કારોના અવાજોથી ઝીણી રડવા લાગી હતી. આશાએ હજુ પણ એનું મોં દબાવી રાખ્યું હતું પણ એની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. અમર અને અબ્દુલને પણ એટલા ડરી ગયા હતા કે આટલી ઠંડીમાં પણ એમને પરસેવો વળી ગયો હતો. અમરને ખબર હતીકે  બહાર નીકળવું ઘણું જોખમી છે અને ભૂંગળાની અંદર જ  બેસી રહેવામાં સલામતી છે.અચાનક દુરથી પોલીસની સાયરનનો અવાજ આવ્યો. બ્રીજ પર લડાઈ ચાલુ જ હતી, પોલીસની ગાડી બીજા ટ્રકની પાછળ આવીને ઉભી રહી અને એક પોલીસ ઓફિસરે હવામાં ગોળીબાર કર્યો અને બ્રીજ પરના બંને ટોળામાં દોડાદોડ થઇ ગઈ, પરિસ્થિતિને કાબુમાં લાવવામાટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો.હજુ પણ બંને ટોળાઓ વચ્ચે લડાઈ ચાલુ જ હતી, અશ્રુવાયુ છોડાયા પછી અંધાધુંધી વધારે વધી ગઈ હતી, એ લોકો જોયા વગર સામે તલવારો, ચપ્પુઓ વીંઝતા હતા અને બધી દિશાઓમાં ભાગતા હતા. ભૂંગળા બ્રીજથી એટલા નજીક હતા કે થોડી જ સેકંડમાં અશ્રુ વાયુની અસર ભૂંગળાની અંદર પણ થવા લાગી. અંદર બેસેલા ચારેય જણને પહેલા આંખમાં થી પાણી આવવા લાગ્યું ,  પછી છીંકો અને ઉધરસ ચાલુ થઇ ગઈ , આંખો દુખવાનું ચાલુ થઇ ગયું અને છેવટે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

“હવે અહીંથી નીકળવું જ પડશે” ઉધરસ ખાતા ખાતા અમરે કહ્યું.

“હું એક બાજુ રહું છું અને તું બીજી બાજુ રહે વચ્ચે ભાભી અને ઝીણીને રાખીએ અને બધા સાથે નીકળીએ, મારી જાન જતી રહેશે ત્યાં સુધી હું ભાભી અને ઝીણી ને કંઈ નહિ થવા દઉ” અબ્દુલે કહ્યું.આમ ચારેય જણ એક સાથે બહાર નીકળ્યા અને હજુ કઈ દિશામાં ભાગવાનું એ વિચારે એની પહેલા અમરની સામેથી દોડતા દોડતા તલવાર લઈને આવતા એક માણસે અમરના પેટમાં તલવાર ભોંકી દીધી.

અમરને એક વિચિત્ર પ્રકારનો હાશકારો વર્તાયો અને મનમાં થયું,

“હાશ! કેટલા દિવસ પછી કંઈક પેટમાં ગયું!”

અમર મરી ગયો!

-સાક્ષર


બીજા ક્રમાંકે આવેલી વાર્તાની લીંક

ત્રીજા ક્રમાંકે આવેલી વાર્તાની લીંક


(વાર્તા લખવા માટે પ્રોત્સાહન આપવા બદલ અને વાર્તાસ્પર્ધા વિષે જાણ કરવા બદલ પ્રજ્ઞાબેનનો ખુબ ખુબ આભાર)


તા.ક. – 

(Congratulations, તમે વાંચતા વાંચતા આટલે સુધી પહોંચી ગયા)

Next post: આવતા અઠવાડિયે(૧૨મી ફેબ્રુઆરી) – “વાંચન, લેખન અને વજન: મારું ૨૦૧૪નું પ્રગતિ પત્રક” ગયા વર્ષની પોસ્ટ “નવા વર્ષના સંકલ્પો એક મહિના પછી” નાં સંદર્ભમાં

(જો પોસ્ટ ના આવે તો ઉઘરાણી કરજો 😉 )

વાર્તામાં વળાંક: ના હોય

"બેઠક" Bethak

Sakshar Thakkar's profile photo

શબ્દોનું સર્જનનાં આ મહિનાના વિષય “ના હોય” માટે મારી લઘુકથા.

“ના હોય”

તાપમાં મહેનત કરવાને લીધે પરસેવાથી લથબથ એવો શંભુ એની ઝુપડીમાં આવીને દીવાલના ટેકે બેઠો. ત્રિકમ, પાવડો અને બીજા ખેતીના સાધનો રસ્તામાં થી લઇને ખૂણામાં મુકતા એની પત્ની ઉમાએ કહ્યું, “આ બધું રસ્તામાં કેમ નાખ્યું છે, ગણપત ત્યાં આગળ જ રમે છે એ જો રમતા રમતા આ બાજુ આયો તો એને વાગી જશે”

“અલી,  મેલું છું હવે થોડો શ્વાસ તો લેવા દે”

“હઉ, લઇ લો લઇ લો શ્વાસ લઇ લો…થોડો”

ખુલ્લું પડેલું “ખેડું મિત્ર” છાપાનું પાનું  જોયું અને જોરથી વાંચ્યું,

“દરેક જગ્યાએ પાણી ભરપુર, મધ્યપ્રદેશમાં પુર”

અને ચુલા પર કંઈક વઘાર કરતી ઉમાને કહ્યું,

“અલી તું આવું બધું કેમ વાંચે છે, અહીંયા પાક થતો નથી, લેણદારો પાછળ પડ્યા છે, આટલો દુકાળ છે ને તું પુરના સમાચાર વાંચે છે, કેમ હેરાન કરે છે!”

“ના રે ના, એવું બધું કંઈ નથી વાંચતી, આ તો, એ પાનાંમાં નીચે જુઓ નવી વાનગી…

View original post 153 more words

વાર્તામાં વળાંક: દો-તીન-પાંચ

 

ટ્રેન લોકલ હતી, પણ એના હાથ એક્સપ્રેસની સ્પીડમાં ફરતા હતા.
૫-૧૦ સેકંડમાં તો પત્તાની ત્રણ થોકડી  સુટકેસ પર તૈયાર હતી.

એ લોકો એ દો-તીન-પાંચ રમવાનું ચાલુ કર્યું.
સુટકેસ પર એક પછી એક દાવ રમાતા હતા અને પોતાના બનેલા “હાથ” સુટકેસના પોતાના હિસ્સા તરફ એ લોકો ઉભા-આડા કરીને ગોઠવાતા હતા.

ત્રણેયના ૨-૨(-૨) “હાથ” બની ગયા હતા. દો-તીન-પાંચ ની રમત રસાકસીની ચરમસીમાએ હતી.
જેણે ૨ હાથ કરવાના હતા(અને થઇ પણ ગયા હતા) એનો દાવ હતો, એણે કાળીના ગલ્લાની ચાલ ચાલી. આની પહેલા કાળીની એક ચાલ થઇ ચુકી હતી, પણ એક્કો નીકળ્યો નહોતો.

અને… અને અચાનક બારીમાંથી પવન સાથે વરસાદ આવવાનો ચાલુ થઇ ગયો.
બારીની નજીક જે બેસ્યો તો એણે પહેલા પતરા વાળી બારી બંધ કરવાનો પ્રયત્ન કર્યો.
એ બંધ ના થઇ એટલે કાચ વાળી બારી બંધ કરી, પણ બારી બંધ થઇ એની પહેલા પવન એટલો જોરથી ફૂંકાયો કે સુટકેસ પર પડેલા પત્તાના ૪ “હાથ” બારીની બહાર ઉડી ગયા.

વરસાદ બાજી મારી ગયો.

(સત્ય ઘટના પર આધારિત)

વાર્તામાં વળાંક: ઝનઝનાટી થાય છે?

(ચેતવણી – નબળા હ્રદયના લોકોએ પોસ્ટ ન વાંચવી)

ટચલી આંગળીનો X-ray ટ્યુબ લાઈટ સામે ધરીને એમાં જોઇને,

“ઓપરેશન તો આજે જ કરવું પડશે, ક્યારે છે લગન?”

“પરમ દિવસે. બે દિવસ પછી નહિ ચાલે?”

“આપણે already late છીએ. Joint dislocation થઇ ગયું છે જલ્દી fix નહિ કરીએ તો lifetime માટે problem થઇ જશે”

“OK”

(ઓપરેશન થીએટરમાં)

હું: “તો આ ઇન્જેક્શનથી હું આખો બેભાન થઇ જઈશ?”

રેસીડેન્ટ ડોક્ટર:  “ના, ૨-૩ મિનીટમાં હાથમાં  ઝનઝનાટી થશે અને આખો હાથ બહેરો થઇ જશે, ઓપરેશન કરીએ ત્યારે આ બાજુ જોતા નહિ”. હાથમાંથી gloves કાઢી અને injection ની સોય ફેંકતા,  “તો… તમે ત્યાં યુ.એસ.માં પણ ક્રિકેટ રમો છો એમ ને! “

હું: “શનિ રવિ માં રમીએ અને આ સીઝન બોલથી રમવાનું હમણાં હમણાં જ શરુ કર્યું છે, એમાં જ તો આ વગાડી આવ્યો.”

રેસીડેન્ટ ડોક્ટર: “હ્મ્મ… ડાબા હાથમાં ઝનઝનાટી થાય છે?”

હું: ” ના કંઈ નથી થતું.”

રેસીડેન્ટ ડોક્ટર: “કંઈ નહિ ૨-૩ મિનીટ હજુ રાહ જુઓ થશે”

પીઢ ડોક્ટર operation theaterમાં પ્રવેશતા: “સુરેશ, આપી દીધી Anesthesia?”

રેસીડેન્ટ ડોક્ટર: “હા સર આપી તો દીધી પણ હજુ effect નથી થઇ”, મારી સામું જોઈને , ” હવે ઝનઝનાટી થાય છે?”

મેં ડોકું ‘ના’માં ધુણાવ્યું.  પીઢ ડોકટરે મેડીકલ ભાષામાં કોઈ નસનું નામ બોલી ને કહ્યું, “બીજુ એક ઇન્જેક્શન પેલી નસમાં આપી દે, અમુક વાર આ નસ બરાબર પકડાય નહિ તો problem થતો હોય છે”

રેસીડેન્ટ ડોકટરે સુચન મુજબ બીજું ઇન્જેક્શન ખભામાં માર્યું, અને મને પૂછ્યું, “ઝનઝનાટી થાય છે?”

મેં ફરી થી ના પાડી. બીજી ૪-૫ મિનીટ સુધી કોઈ અસર ન થતા, પીઢ ડોકટરે દુરથી જ Anesthesia બદલવાનું સૂચવ્યું.

રેસીડેન્ટ ડોકટરે ફરીથી ખભામાં ત્રીજું કાણું પાડ્યું. મને કહ્યું, “હવે જે નસમાં ઇન્જેક્શન માર્યું એના લીધે તમારો આખો હાથ બહેરો નહિ થાય, ખાલી ડાબા હાથની આંગળીઓ બહેરી થશે”

ફરી પાછી ૪-૫ મિનીટ પછી પૂછ્યું, “આંગળીઓમાં ઝનઝનાટી થાય છે?” મેં ફરી ના પાડી.

હું પડ્યો પડ્યો, ડાબો હાથ, જમણો હાથ, બંને પગની આંગળીઓ બધું હલાવતો હતો. એ જોઈને ડોકટરે પૂછ્યું, “શું થાય છે? કોઈ તકલીફ થાય છે?”

મેં કહ્યું, “ના, આ તો જોતો હતો કે આપણે ખાલી ખોટા ડાબા હાથમાં ઝનઝનાટીની રાહ જોતા હોઈએ. અને બીજી કોઈ નસમાં ઇન્જેક્શન જતું રહ્યું હોય અને બીજો કોઈ ભાગ બહેરો થઇ ગયો હોય તો! “

બે મિનીટ બઘવાઈ અને પછી રેસીડેન્ટ ડોક્ટર: ” એવું ના હોય યાર!”

પહેલું ઇન્જેક્શન મારે હવે અડધો કલાક થઇ ગયો હતો અને મને સહેજ પણ ઝનઝનાટી નહોતી થતી. પીઢ ડોક્ટર હવે ધીરજ ગુમાવી રહ્યા હતા, એમણે રેસીડેન્ટ ડોક્ટરની નજીક આવી ને કહ્યું, “હવે અહી આગળ માર. (કોણીની ઉપરનો ભાગ બતાવી), હું અહિયાં જ ઉભો છું”

પેલાએ જેવું માર્યું એના હાથમાં થી injection લઇ અને એને ખખડાવતા કહ્યું, “અલા ડફોળ, આવી રીતે સોય મરાતી હોય, લાવ આપ તો મને, પછી પાછો કેહતો’તો સર ઓપરેશન કરવા આપો, સોય મારવામાં જ લોચા મારતો હોય ને તને ઓપરેશન કરવા અપાતું હશે?”

મારા મુખ પર ચિંતાના ભાવો વાંચી ગયેલા ડોકટરે કહ્યું, “તમે ચિંતા ના કરો, હવે થઇ જશે” હવે પીઢ ડોકટરે injection માર્યું.

૩-૪ મિનીટ પછી પીઢ ડોકટરે પૂછ્યું, “ઝનઝનાટી થાય છે?”

મેં ફરીથી ના કહ્યું. હવે તો એમને એવું જ લાગ્યું હશે કે હું ક્યારનો ખોટું બોલું છું એટલે એમણે ડાબા હાથ પર ચુંટણી ખણી અને મેં નાનકડી ચીસ પાડી ત્યારે એમને ભરોસો થયો. પછી મને કીધું,  ” આ તો જોતો હતો, અમુક વાર ઝનઝનાટી ના થાય પણ હાથ બહેરો થઇ ગયો હોય, આંગળીઓ હલાવો તો” ફરી check કરવા એમણે કહ્યું. મેં આંગળીઓ હલાવી મારા સત્યનું સબુત આપી દીધું.

હવે પીઢ ડોક્ટરના ચહેરા પરના અધીરાઈના ભાવો અકળામણમાં બદલાઈ ગયા હતા અને પેલા રેસીડેન્ટ ડોક્ટરના ચહેરા પરના ડરના ભાવો લો-તમારા-થી-પણ-નથી-થતું નાં ભાવમાં બદલાઈ ગયા હતા. પીઢ ડોકટરે મને કહ્યું, “એક છેલ્લી વાર થોડો આ liquidની માત્ર વધારી ને local anesthesia try કરીએ અસર નહી થાય તો પછી general anesthesia આપી દઈશું”. ફરી એક વાર ઇન્જેક્શન મારી અને બંને ડોક્ટર મારી સામે જોતા રહ્યા.

૪-૫ મિનીટ પછી sedativeની અસર ચાલુ થાય એ પહેલા પેલા રેસીડેન્ટ ડોકટરે પોતાની બંને ભ્રમરોને  બે વાર ઉપર કરી અને આંખોથી છેલ્લી વાર એ જ અણીયાળો સવાલ પૂછ્યો,

“ઝનઝનાટી થાય છે?”

1લગ્નનાં એક દિવસ પહેલા

3પછીના ૧.૫ મહિના

2 લગ્નના ૧.૫ મહિના પછી(fixator નીકાળ્યા પછી)DSC_0202(લગ્ન વખતે)

બોધ –  જ્યારે કોઈએ એવી ચેતવણી આપી હોય કે “નબળા હ્રદયના લોકોએ આ વસ્તુ ન કરવી” તો એને ચેતવણી જ ગણવી, હ્રદયની મક્કમતા ચકાસવા માટેનું સાધન નહિ. (આ પોસ્ટમાં ચેતવણીનું કામ ખાલી બોધ માટે હતું, સાચી ચેતવણી હોય ત્યારે બોધ લેવા માટે લોકો બચતા નથી)

તા.ક. –  1. એ જ ટ્યુશનના સર  જ્યારે મારતા અને અસર ન થતી ત્યારે કહેતા કે “તું જડ જેવો છે”

2. એક બ્લોગર મિત્ર મનીષભાઈ મિસ્ત્રી એ ઈમેલમાં બે પંક્તિ મોકલાવેલી બે પંકિત જે મને ખુબ ગમી હતી,

દેહ મારો ચાળણી કરતા ગયા ઇન્જેક્ષનો,
ને ગબડતો જાય છે વિશ્વાસ પણ થોડો ઘણો,
લો હવે તો પૂછતાયે દાગતર મુંઝાય છે,
“બોલ ‘સાક્ષર’ આંગળીમાં ઝનઝનાટી થાય છે?”

વાર્તામાં વળાંક: 343 લોકો, ૪ જાજરા

Occupied

          એટલે ૮૫ લોકો વચ્ચે ૧ જાજરૂ. લાઈનમાં ૭ માં નંબર એ ઉભા રહીને આવા બધા ગણિત ગણતો હતો. એકાદ-બે વધારે જાજરૂ નાખવામાં એરલાઈન્સનુ શું જતું હશે? જો કે સાલું એરલાઈન્સના હિસાબે વિચારીએ તો  ૧ જાજરૂ એ એમની ત્રણ સીટ જાય, ૨ એ ૬ સીટ. મારૂ ગણિત હજુ ચાલુ જ હતું. એટલામાં “Occupied” ની sign બદલાઈ ને “Vacant” થઇ ગઈ અને પહેલા નંબરે ઉભેલા બા જે ઝડપથી સીટ થી લાઈન સુધી આવ્યા હતા, એના થી પાંચ ગણી ઝડપે અંદર ગયા. Pressure માણસ પાસે શું શું કરાવે છે, નહિ! જો કે હજુ પણ આગળની પાંચ વિકેટ પડે પછી મારો નંબર હતો અને કોને ખબર કોણ કેટલી બેટિંગ કરે છે!

          મારી નજર બીજા નંબરના ભાઈ તરફ ગઈ. એ ભાઈ ચોપડી ખોલીને ઉભા તો હતા પણ એમનું પૂરેપૂરું ધ્યાન બારણા પર હતું. “દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ”. ત્રીજા નંબરના બહેન પર મને ખરેખર દયા આવતી હતી, એ નાનકડા બાળકને ઊંચકીને ઉભા હતા. મોટા લોકો તો તો પણ ઇન્દ્રિયો પર કાબુ મેળવી જાણે, પેલા નાના બાળકનું શું? જો કે નાના બાળક પર સહેજ પણ દયા નહોતી આવતી. એને તો લાઈન શું ને જાજરૂ શું? પોતાની મરજી ના માલિક, એની ઉડાણને કોણ રોકી શકવાનું.

          ફ્લાઈટમાં જવા પહેલા અમદાવાદમાં જે બધું ખાધું/ખવડાવ્યું હતું, એક એક કોળીયો યાદ આવતો હતો. એના પછી પાછુ મુંબઈ આવીને સેન્ડવીચ ખાધી અને પછી Mumbai-Amsterdam વાળી ફ્લાઈટમાં જે આપ્યું, બધું જ ખાધું. નાસ્તામાં આવેલા ઈડલી સંભાર, પછી ભાત ને પનીરનું શાક. આપણને એમ કે આખી ટીકીટ વસુલ કરી લઇએ. ફ્લાઈટવાળાઓએ પણ થોડુક સમજીને ખવડાવવું જોઈએ. ખવડાવી લીધું તો પણ કંઈ નહિ, એના પછી એ લોકો સાથે બધાને ઊંઘાડી દે અને સાથે જ ઉઠાડે(lights off અને lights on), એટલે બધા ઉઠે એટલે પછી આવી લાઈન લાગે.

          મારા આ બધા વિચારો દરમિયાન લાઈન હવે બે જ લોકોની થઇ ગઈ. હું બીજો. બસ હવે બે જાજરા અને બે જણ, થોડુક ઇન્સાફી જેવું લાગતું હતું. બે બારણા સાથે ખુલી જાય તો મજા પડી જાય. પણ એક બારણું ખુલ્યું. હવે હું પહેલો હતો અને એટલે જ સમય કાઢવો વધારે મુશ્કેલ હતો. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી તેમ મને બસ બારણા પરની પેલી sign. આંખનો પલકારો માર્યા વગર સળંગ આંખો ખુલ્લી રાખવાનો મારો રેકોર્ડ પણ મેં કદાચ તોડી દીધો હશે.(આગળનો રેકોર્ડ પણ આવી જ કોઈ ફ્લાઈટનો હતો). કહેવાય છે ને દુ:ખ પછી સુખ આવે, એમ એક બારણા પર “occupied” પછી “vacant” આવ્યું. મારા ભાગ્યના અને એ જાજરુના બારણાં ખુલી ગયાં.

          મનમાં હાશ બોલીને હું અંદર જવા જતો જ હતો અને announcement સંભળાયું:

         “Ladies and gentlemen, we’re currently experiencing light turbulence. The captain has turned on the Fasten-Seat-Belt sign for precautionary measures. Please do fasten them if you haven’t so already. Thank you for your understanding.”

          અને ત્યાં એક “air-host ભાઈ”એ આવીને “Sir, please take your seat!” કહી મને seat તરફ પાછો ધકેલ્યો. હવે એને હું મારા પેટમાં થતા heavy turbulence વિષે કેવી રીતે સમજાવું.

          હશે… મનોજ ખંડેરિયાએ સાચું જ કહ્યું છે,

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યા

પહોંચતાં જ કોઈ પાછું વાળે એમ પણ બને.

          (Amsterdam થી Seattle જતી વખતે, KLM Airlines Airbus A330-200)

– સાક્ષર

બોધ  – લાંબી વિમાનયાત્રામાં જતા પહેલા જમતી વખતે યાદ રાખવું, 343 લોકો વચ્ચે માત્ર ૪ જાજરા હોય છે.

તા.ક. – Dedicated to word: “જાજરૂ”, before it gets flushed by Toilet.

વાર્તામાં વળાંક: કુતરું, કાશી અને કહેવત

 

કાશીએ પહોંચેલું કુતરું

“કહેવત: કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”

Dissection:

બહુ વર્ષો પહેલાની વાત છે. જ્યારે ભાષા નવી નવી બની હતી. તે વખતે કહેવતો બનાવવા માટે વિદ્વાનોનો એક સમૂહ રચવામાં આવ્યો હતો. “કહેવત નિર્માણ સમૂહ” (KNS). એ લોકોનો મૂળ હેતુ કહેવત બનાવવાનો હતો. કહેવત બનાવતી વખતે એ લોકો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખતા:

– કહેવત એક વાક્યની હોવી જોઈએ.
– કહેવતમાં સામાન્ય વાતોથી મોટી શીખ મળવી જોઈએ.
– કહેવતમાં આજુબાજુના પર્યાવરણના તત્વોનો સમાવેશ કરવો.

ત્રીજા મુદ્દા અનુસાર KNSનાં અમુક સભ્યોની એક ટીમ પ્રાણીઓનો સમાવેશ થાય તેવી કહેવતો બનાવતા, એમાંની એક કહેવત KNSનાં જ એક સભ્ય કહેવતઅલી ખાને આ પ્રમાણે બનાવી,
“સો ઉંદર મારી બિલાડી હજ પર જાય”

આ કહેવત જ્યારે KNSની મંજૂરી માટે રજુ કરવામાં આવી ત્યારે બીનસાંપ્રદાયિકતા માટેના મુદ્દા ઉઠ્યા અને ઘણો વિરોધ થયો. પણ કહેવતઅલી ખાનને પોતાની કહેવત બહુ વહાલી હતી. તેથી તેઓએ બીજા સંપ્રદાયને અન્યાય ન થાય એ ધ્યાનમાં રાખી, એક વધુ કહેવત સબમિટ કરી.
“બિલાડીઓનો સંઘ કાશી સુધી ન પહોંચે”

આ કહેવત જ્યારે KNS સમક્ષ રજુ કરવામાં આવી ત્યારે,
“સર્વ પ્રાણી સમાન” ના સુત્રો સાથે ફરી થી વિરોધ થયો, અને કહેવતઅલી ખાન ને “બિલાડીવાદી” કહેવતખોરનું બિરુદ આપવામાં આવ્યું.

આ બિરુદથી અને વિરોધથી બચવા તેઓએ કહેવતમાં થોડો ફેર કર્યો અને પછી કહેવત બની:
“કુતરાઓનો સંઘ કાશીએ ન પહોંચે”

(કેમ ન પહોંચે એની પાછળ પાછી બીજી વાર્તા છે…. એ ફરી ક્યારેક)

નોંધ – ફોટાવાળું કુતરું કાશીનું લોક્કલ* છે એવી બેબુનિયાદ દલીલ ન કરવી. (*લોક્ક્લ – Localનું ગુજરાતી)

તા.ક. – કુતરા અને થાંભલા વચ્ચે ઉભા ન રહેવું. – બધીર અમદાવાદી

વાર્તામાં વળાંક: પગલુછણીયાની આત્મકથા

ક્યારેક જીવનનો અર્થ શોધવામાં ઘણું મોડું થઇ જાય છે, મારે પણ એવું જ થયું.

મારો જન્મ એક કારખાનામાં થયો, જન્મબાદ મને મારો આકાર અને માપ જોઇને લાગ્યુ કે મારો ઉપયોગ કોઇ નાના બાળકને ઠંડીથી બચાવવા માટે થશે, નાના ચોરસા તરીકે. અને એ જ હોશમાં હું ગયો એક “સસ્તાં પ્રોવિઝન સ્ટોર” માં. એક દિવસ મને ત્યાંથી બે સ્ત્રીઓ આવી ને ખરીદી ગઇ. હું એકદમ ખુશ હતો, મને થયું કે મારુ જીવન સાર્થક થઇ ગયું, મારો જન્મ કોઇ બાળક ને ઠંડીથી બચાવવા થયો છે ને તે હવે હું કરી શકીશ.

મને એમના ઘરે લઇ જવામાં આવ્યો અને બહારનાં કક્ષની બહાર નાંખવામાં આવ્યો, પહેલા તો મને એમ થયું કે એ લોકોથી ભુલથી હું પડી ગયો હોઇશ, પણ જયારે મારી પર પગ લૂછવામાં આવ્યા ત્યારે મને મારા જીવનનો સાચો અર્થ સમજાયો. અને હું દુઃખી થઇ ગયો.પણ પછી મને થયું આમ દુઃખી થવાથી થોડું ચાલે. ગમે તેમ તોય હું ગંદકી સાફ કરું છું, ભલે મને એટલું માન ના મળે. દિવસે દિવસે મારો ઉપયોગ જેમ જેમ થવા માંડ્યો મારી પર ગંદકીના થર જામવા માંડ્યા. જો કે એક દિવસ એક સ્ત્રી ઘર સાફ કરતી કરતી મારી પાસે આવી અને મને થયુ કે હાઇશ હવે મને પણ સાફ કરવામાં આવશે અને થયું પણ એવું જ.

પણ મને સાફ કરવાની જે રીત હતી તે મને અનુકુળ ન આવી. એણે મને ઉંચકીને દિવાલ સાથે(એ પણ ઘરની બહારની, જ્યાં સિમેન્ટ ઉપસેલો હોય ત્યાં) પછાડવામાં આવ્યો. અને જે મારા શરીરનાં હાલ થયા. ત્યારપછી, જ્યારે જ્યારે પણ મને સાફ કરવામાં આવતો, મને ઘણો જ દર્દ થતો. આ જ મારા જીવનની કરુણતા હતી, જ્યારે સાફ થતો ત્યારે મારવામાં આવતો અને બાકી નો ટાઇમ ગંદો કરવામાં આવતો.

એક દિવસ મારી માલકણ, ઘરમાં આવી અને એની થેલી માંથી બીજા મારા જેવા જ પગલૂંછણીયાને નાખવામાં આવ્યો. અને મને ઉઠાવીને કચરાટોપલીમાં. મંગુભંગી મને બીજા કચરા સાથે લઇ જતો હતો અને એને એક વિચાર આવ્યો મને જોઇને, એણે મને પાણી થી અને સાબુથી સરસ સાફ કર્યો, અને એના બાળક પર ઓઢાળી દીધો. ત્યારે મને થયું કે ગરીબો જે સુખ આપી શકે છે એ અમીરો નહિ આપી શકે, અને મારું જીવન સાર્થક થયું.

આમ, પહેલા કપરા દિવસો કાઢીને અત્યારે હું સરસ જીવન વિતાવું છું પણ જે દિવસે મને જૂના ઘર માંથી કાઢવામાં આવ્યો હતો તે દિવસની વાત યાદ કરીને, મને અત્યારે પેલા બીજા પગલુછણિયાની ચિંતા થાય છે એને જ્યારે મારી પાસે ઘરમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે મને પુછ્યું હતું કે, ” નાનું બાળક ક્યાં છે?” અને હું કાંઇ જવાબ આપું એની પહેલા જ મને કચરાટોપલીમાં નાખવામાં આવ્યો હતો.

-સાક્ષર

તા.ક. –   આ સંસારચક્ર ચાલ્યા જ કરશે. પગલુછણિયા બદલાયા કરશે પણ માણસ નહિ બદલાય.

વાર્તામાં વળાંક: Punch-તંત્ર

એક કાગડો – પુરી નો ટુકડો લઇ ઝાડ પર બેસવુ – નિચે થી શિયાળ નુ પસાર થવુ – શિયાળ દ્રારા કાગડા ના સુરીલા કઁઠ ના ખોટા વખાણ કરવા – કાગડા ના મોઢામાથી પુરી પડિ જવિ – શિયાળ નુ પુરી ખાઇ જવુ

(વાર્તામાં કંઈ નવું ન હોવાથી ટૂંક માં પતાવ્યું છે, બાકી કાગડાની ચાંચ વિષેનું વર્ણન ૨ પાનાનું કરી શકનાર લોકો પણ આ જ પૃથ્વી પર છે)

એક વખત એક શિયાળને બહુ ભૂખ લાગી હતી. ક્યાંક કશું મળે, એની તલાશમાં એ બધી તરફ નજર નાખતું નાખતું જંગલ માં ભટકતું હતું. એક વેલ પર એણે દ્રાક્ષ લટકતી જોઈ, ત્યાં જઈને કુદી ને એ દ્રાક્ષ લેવા નો પ્રયત્ન કર્યો, પણ નિરર્થક રહ્યો. ફરી થી કુદ્યો, ફરી કંઈ હાથમાં(મોઢામાં) ન આવ્યું. બહુ પ્રયત્નો બાદ એ આગળ ચાલતું થયું. હજુ સુધી શિયાળ આજુ બાજુ નજરતો નાખતું જ હતું. થોડા કદમ ચાલ્યા બાદ, એક ઝાડ ઉપર એક કાગડો મોઢામાં પૂરી લઇ ને બેઠો હતો, અને શિયાળ ને અચાનક એક વિચાર આવ્યો. એણે કાગડાની ગાયકી ના ખોટા વખાણ કરવા નું ચાલુ કર્યું અને આ સાંભળીને કાગડો ફુલાઈ ગયો અને ગીત ગાવા માંડ્યો અને તેને કારણે તેની ચાંચમાં થી પૂરી નીચે પડી. શિયાળ એ પૂરી ને ખાઈ ગયો.

બોધ – Recession નાં જંગલમાં Opportunity ની વેલ પર Job (દ્રાક્ષ)નું ઝુમખું ભલે થોડું ઊંચું લટકતું હોય અને બહુ કુદકા મારો અને હાથ માં નહિ આવે એવું લાગતું હોય, થોડા કદમ આગળ પેલી દ્રાક્ષ કરતા દસ ગણી ઊંચાઈવાળા ઝાડની ટોચ પર એક Employer (કાગડો) હમેશા તમારા માટે Job (પૂરી) લઇ ને બેઠો જ હોય છે બસ તમારા માં આવડત હોવી જોઈએ એ કઢાવવાની.

તા.ક. – “વાર્તાઓ મહત્વની નથી હોતી, એમાંથી લેવાતો બોધ મહત્વનો હોય છે. “