બા મને વહેવાર કરતા આવડી ગયો

આ કવિતા રમેશ પારેખની કવિતા “બા મને ચપટી વગાડતા આવડી ગઈ” ની sequel કવિતા છે. નાના હોય ત્યારે બસ ચપટી વગાડતા, બિલ્લી ભગાડતા અને મુન્ની રમાડતા આવડે એટલે બહુ થઇ ગયું, પણ જેમ જેમ મોટા થતા જઈએ તો ઘણું બધું શીખવું પડે છે, સમાજના વ્યવહારો શીખવા પડે છે, જે કોઈ શાળા શીખવતી નથી, જાતે મહેનતથી શીખવું પડે છે. આ કવિતા એ બધા વ્યવહારો શીખ્યાના નીચોડ રૂપ છે.

દરેક તહેવાર કરતા આવડી ગયો,
બા મને વહેવાર કરતા આવડી ગયો.

મામાના ઘરેથી નીકળતી વખતે આપે છે કવર જ્યારે મામી,
ગજવામાં પૈસા એ મુકતો હોઉં ત્યારે, કરું હું ઔપચારિકતા સામી.
“ના લેવાય મારાથી” ને “આટલા બધા ના હોય” એવો સદાચાર કરતા આવડી ગયો.
બા મને વહેવાર કરતા આવડી ગયો.

તેમની અનિચ્છાએય “મારા માન ખાતર” મહેમાનોના પેટ પર કરું જુલમ,
ભાત ખવડાવુંને પછી શ્રીખંડ ખવડાવુંને પછી ના ખાય તો ખવડાવું સમ;
આપણા ઘેર આયા છે તો આપણું જ ચાલેને , એવો અધિકાર કરતા આવડી ગયો.
બા મને વહેવાર કરતા આવડી ગયો.

પોતાને સાચવું કે સાચવું નહિ હું, પણ સાચવું  છું પ્રસંગો બા,
ચાંદલાઓ નોંધીને નક્કી કરું કે કયા મોંઘેરા સંબંધો બા.
સમાજમાં આપણું કેવું દેખાય એવો વિચાર કરતા આવડી ગયો.
બા મને વહેવાર કરતા આવડી ગયો.

-સાક્ષર

તા.ક.– આ પોસ્ટને લાઈક કરો, બ્લોગને સબસ્ક્રાઈબ કરો, નીચે કોમેન્ટ કરો, હું તમારા બ્લોગમાં આવીને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી જઈશ… બ્લોગ વ્યવહારે જે કરવું પડે એ તો કરવું જ પડે ને બોસ!!!

13 thoughts on “બા મને વહેવાર કરતા આવડી ગયો

  1. કટાક્ષ અને કરુણા’થી સભર આ ‘ કરુટાક્ષ ‘ રચના ફાવી’ને પણ હં’ફાવી ગઈ😉

    જય જગત – જય વાટકી વ્યવહાર !

    1. અમેરિકામાં તો “ના પૂછો ને વાત” એટલા બધા વહેવાર થાય કે “તમે નહિ માનો સાહેબ”

  2. મારા બ્લોગ પર તારી કમેન્‍ટની સરખામણીએ તારા બ્લોગ પર મારી કમેન્‍ટ વધુ છે. આમ તો કહેત નહીં, પણ તને વહેવાર આવડી ગયો છે, તો કહી જોયું. બૅક ઈફેક્ટથી અમલમાં લેવાનો છે કે આવડી ગયો ત્યારથી, એ જણાવવા વિનંતી.

    1. આ જુઓ તમને જ યાદ કરતો હતો ને તમે આવી ગયા… તમારા બ્લોગ પર કોમેન્ટ કરવાનું વિચારતો તો જ ને કંઈકને કંઈક કામ આવી જાય એટલે સાલું જવાતું નથી…પાછુ એવું પણ થાય કે દોડાદોડમાં તમારા બ્લોગ પર આવીને કોમેન્ટ કરીને જઉં ને તમને ય સારું નાં લાગે અને મને ય ના લાગે….એટલે થોડો સમય લઇને બેસાય એવી રીતે આવાનું સેટિંગ પાડું છું અને પછી કોમેન્ટ કરું છું… next time તમે જ્યારે પૂછશો ત્યારે સો ટકા એવું જ કહીશ કે બસ તમારા બ્લોગ પર પહોંચવાના રસ્તામાં જ છું, બે મિનીટમાં પહોંચું…😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s