આળસનાં પ્રયોગો: ઈસ્ત્રી

(“આળસના પ્રયોગો” શ્રુંખલા હેઠળ હું અલગ અલગ વિષયોમાં મારા અનુભવો અને સમજણ પ્રમાણે આળસ કેવી રીતે કરવી તે વિષે લખીશ.)
માણસે પહેલા કપડાની શોધ કરી, પછી ઈસ્ત્રીની. 17મી સદીમાં ઈસ્ત્રી “sad iron”નાં નામે ઓળખાતી હતી, “કેમ?” એ કહેવાની કોઈ જરૂર જેવું લાગતું નથી.

આપણા જીવનમાં ઈસ્ત્રીનો ત્રાસ નાનપણથી જ શરુ થઇ જાય છે, જ્યારથી સ્કુલ યુનિફોર્મ પહેરવાનાં શરુ થાય છે અને શર્ટ ઈસ્ત્રીની સાઈઝ કરતા પણ નાના હોય છે ત્યારથી ઈસ્ત્રીનો ત્રાસ શરુ થઇ જાય છે અને એ ત્રાસ આજનમ રહે છે. કહેવાય છે ને કે માનવ જન્મ લીધો એટલે ઈસ્ત્રી તો કરવી જ પડે. જો તમે ધોબીને ઈસ્ત્રી કરવા ન આપતા હો અને પોતે દર વખતે ઈસ્ત્રી કરતા કંટાળતા હો તો ઈસ્ત્રી કરવાથી બચવાના/સહેલાઇથી ઈસ્ત્રી કરવાના ઉપાયો આગળ વાંચો.

જીન્સ અને ટીશર્ટ
બહુ પુરાણી કહેવત છે આપણી, ન હોય વાંસ તો ક્યાંથી વાગે વાંસળી? એમ જો તમે તમારો પહેરવેશ જીન્સ અને ટીશર્ટ રાખો તો ઈસ્ત્રી કરવાની જરૂર પડતી નથી. આ પહેરવેશ એવો છે કે જેને સમાજે વિના ઈસ્ત્રીએ કરચલીઓસહ સ્વીકારેલો છે.

નાની બાંય vs મોટી બાંય
પણ દરેક વખતે એમ જીન્સ ટીશર્ટ પહેરી છટકી જવાતું નથી. અમુક પ્રસંગોની કે અમુકવાર નોકરીની જરૂરીયાત પ્રમાણે ફરજીયાતપણે ફોર્મલ કપડા પહેરવા પડે છે. આવા વખતે ધ્યાનમાં રાખવું કે શર્ટના ત્રણ પ્રકાર હોય છે, ૧. આખી બાંયનું ૨. અડધી બાંયનું અને ૩. બાંય વગરનું. બાંય વગરના શર્ટને જોઈએ એટલી સમાજમાં માન્યતા મળી નથી. બાકીના બે પ્રકારના શર્ટ માટે યાદ રાખવું કે અડધી બાંયના શર્ટને ઈસ્ત્રી કરવામાં ઓછો સમય અને મહેનત લાગે છે. તો બને એટલા અડધી બાંયના શર્ટ ખરીદવા.

જરૂર જેટલી ઈસ્ત્રી
આળસનો પ્રથમ નિયમ છે કે જરૂર જેટલી જ મહેનત કરવી. (એમ તો એવો નિયમ છે કે મહેનત ન કરવી, પણ જ્યારે મહેનત કરવી જ પડે એમ હોય તો જરૂર જેટલી કરવી)
જો તમારે ઈન્ટરવ્યુંમાં શર્ટ પહેરીને જવાનું હોય, તો તમે માત્ર શર્ટની આગળની બાજુ ઈસ્ત્રી કરીને ચલાવી શકો છો.
જો ટાઈ પહેરીને જવાનું હોય તો બટનવાળા ભાગની ઈસ્ત્રી કરવાની જરૂર નથી, અને જેટલી લાંબી ટાઈ એટલું વધારે સારું.
જો સુટ પહેરીને જવાનું હોય તો નીચેની આકૃતિમાં તીરથી બતાવેલો જેટલો ભાગ બહાર દેખાય છે એને જ ઈસ્ત્રી કરવી.

istri

જાડા લોકોનો સહારો
જાડા લોકોના ઘણા બધા ફાયદાઓમાંથી એક ફાયદો એવો છે કે તમે એમના દ્વારા તમારા કપડા ઈસ્ત્રી કરાવી શકો છો. જો તમારા ઘરમાં કોઈ મોટી સાઈઝમાં ઉપલબ્ધ હોય તો ક્યાંક જતી વખતે એમને શર્ટ પહેરાવી અને ઉતારી દેવાથી instant ઈસ્ત્રી થઇ જતી હોય છે પણ ધ્યાન રાખવું કે એ એટલા પણ જાડા ન હોય કે તમારું શર્ટ ફાટી જાય અને તમારે નવું અડધી બાંયનું શર્ટ લેવું પડે.

ગાદલું અને બીજા ભારે પદાર્થો

જો ઈસ્ત્રી કરવી પડે એ કોઈ રોગ હોય તો, કપડાને ગાદલા નીચે મૂકવાનો ઉપાયને એ રોગનો આયુર્વેદીક ઉપચાર કહી શકાય. આ ઉપાય એકદમ જુનો અને જાણીતો છે પણ આ ઉપાયમાં એટલું ધ્યાન રાખવું કે કપડાને ગડી બરાબર રીતે વાળીને ગાદલા નીચે રાખવું. જો કોઈ વાર ખોટી ગડી વળી જાય અને ખોટી ઈસ્ત્રી થઇ જાય તો એ પછી અમુક કરચલીઓ permanent થઇ જાય છે, એ કરચલીઓ પર એના પછી બુલડોઝર પણ ફેરવવામાં આવે તો સરખી થતી નથી. આ ઉપાયમાં એવું પણ થવું શક્ય છે કે રાતે જો કોઈ શર્ટ ગાદલા નીચે મુક્યું હોય અને સવારે ભૂલી જઈએ તો બધા ખાના ફરી વળીએ અને શર્ટ મળતું નથી, પછી કોઈ દિવસ તિજોરીની ચાવી શોધતી વખતે એ શર્ટ ઈસ્ત્રી-ટાઈટ મળી આવે છે.

સૌથી સરળ ઉપાય
કરચલીઓ સાથે જીવવાની ટેવ પાડી દો. બધા એ વહેલા કે મોડા કરચલીઓ સાથે જીવવાનું શીખવું જ પડશે,
એમ પણ, અમુક કરચલીઓ એવી હોય છે કે જેમના માટે કોઈ ઈસ્ત્રી કામ નથી લાગતી.

તા.ક.-

“શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?” – અનિલ ચાવડા

Advertisements

17 thoughts on “આળસનાં પ્રયોગો: ઈસ્ત્રી

 1. હોમ મિનિસ્ટર આયુર્વેદાચાર્ય હોવાથી આયુર્વેદિક ઉપચારો ઘરમાં વધુ પ્રચલિત છે. પરંતુ આ દેશમાં સાલા ગાદલા પણ પાણી વગરનાં (એટલે કે વજન વગરનાં) છે એટલે એ ઉપચાર પણ કામ આવતો નથી. ઉપચાર ક્રમાંક ૩ મને શ્રેષ્ઠ લાગ્યો, એકાદ-બે વાર અજમાવ્યો પણ છે, હવે વધુ પ્રયોગો હાથ ધરવામાં આવશે.

  1. મને પણ એ ઉપચાર બહુ ગમે છે. સુટ પહેરવાથી ઓછી ઈસ્ત્રી કરવી પડશે એમ કરીને જ મનને મનાવી ને સુટ પહેરું છું બાકી સુટ પહેરવાનો કંટાળો(આળસ) આવે છે… 😉

 2. સાક્ષર ભાઈ ,

  મસ્ત પોસ્ટ

  અહી વાપરેલ શબ્દ ગળી ની જગા પર ગડી શબ્દ યોગ્ય છે. મારી પેહલા ની પોસ્ટ માં ભૂલ છે.

  આભાર

  સંદીપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s