સુપરહીરો

બહુ નાનો હતો ત્યારે દુરદર્શન(હેં? એ શું છે?) પર સવારે હિ-મેન આવતું હતું. ખાસ કંઈ યાદ નથી પણ એવી ખબર પડતી હતી કે હિ-મેન બધા ગુંડાઓને મારી શકે, પછી લગભગ ૭મા કે ૮મા ધોરણમાં આવ્યો ત્યારે દુરદર્શન પર શક્તિમાન આવતું હતું (હા, એ જ “સોરી શક્તિમાન” વાળું). એમાં આપણા ભારતીય સુપરહીરો શક્તિમાન વેંકટેશ પ્રસાદની જેમ આંગળી ઉંચી કરીને જે ચકરડી ખાતા, જે ચકરડી ખાતા, કે કોઈ ‘અંધેરા’ને કાયમ નહોતા રહેવા દેતા. કોલેજમાં આવ્યા પછી સ્પાયડરમેન અને બેટમેનને ફિલ્મોમાં જોયા, એ બંનેના પણ અલગ અલગ સુપર-પાવર હતા. આવા બહુ બધા સુપરહીરો હશે, પણ આજે એક એવા સુપરહીરોની વાત કરવી છે કે જેમની સાથે નાનપણથી રહ્યો છું અને એમના સુપરપાવરો (ફોટોનું બહુવચન ફોટાઓ હોય એમ)નો ભરપુર લાભ લીધો છે અને લેવાનું ચાલુ છે…. પપ્પા.

હું નાનો હતો ત્યારે કોઈ વખત સ્કુલની કોઈ નોટ ખોવાઈ જતી. નાની મારી આંખ ગમ્મે એટલું કાંક કાંક જુએ પણ કંઈ મેળ નહોતો પડતો, પણ અજબ જેવી વાત એવી હતી કે પપ્પા એમના સુપરપાવરથી ક્યાંકથી પણ શોધી આપતા.  હું પહેલા-બીજા ધોરણમાં હતો ત્યારે પતંગ ચગાવવાની ઈચ્છા બહુ થતી, પણ આવડતું નહિ. અગાસીના એક છેડેથી બીજા છેડે દોરો પકડીને દોડતો અને એટલામાં જેટલો ટાઈમ પતંગ હવામાં રહે એ મારા માટે “પતંગ ચગાવી” એવું લાગતું , અને પપ્પા એક જ જગ્યાએ ઉભા ઉભા ચગાવી દેતા. રસોડામાં કોઈ બરણીનું ઢાંકણું ના ખુલતું હોય, મમ્મી અને હું મથ્યા પછી પપ્પા ને બોલાવતા, અને એ એમના સુપરપાવરથી ખોલી દેતા. પપ્પા સૌથી શક્તિશાળી  અને સૌથી બુદ્ધિશાળી છે એવું જોઈને જ  હું મોટો થયો.

આ તો બધી નાની નાની વાતો હતી, પણ હંમેશા એમણે મને મજબુત બનતા અને positive રહેતા શીખવાડ્યું છે. મને પોતાની ક્ષમતા પર જેટલો વિશ્વાસ ન હોય એના કરતા વધારે વિશ્વાસ મારી પર રાખ્યો છે. મારી નાનામાં નાની ઉપલબ્ધીઓને વખાણી છે. મારી દરેક સિદ્ધિ (છોકરીનું નામ ન સમજવું) માટે ગર્વ અનુભવ્યો છે, એ એમણે દર વખતે મને કીધું ન હોય તો પણ એ એમના મિત્રો સાથે જ્યારે પણ મારા વિષે કંઈક વાત કરે એ પરથી સ્પષ્ટ છલકી આવતું.

ટૂંકમાં, ખોવાઈ ગયેલી નોટ હોય કે ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ, ઉતરાયણમાં દોરાના ગૂંચવાડા હોય કે જીવનમાં ઘટનાઓના ગૂંચવાડા, દર વખતે સુપરહીરોની માફક દરેક મુસીબતોમાં થી ઉગાર્યો છે અથવા ઉગરતા શીખવાડ્યું છે.

કોઈએ સાચું જ કહ્યું છે, બાપા એટલે બાપા, બાકી બધા પસ્તીના છાપા. 😉

તા.ક. –

A Very Happy Birthday to my friend, philosopher, guide and idol… Pappa.

Advertisements

17 thoughts on “સુપરહીરો

 1. સાક્ષરભાઈ,

  ખૂબ સુંદર લેખ. આવી ગુણવત્તા વાળા લેખ બ્લૉગજગતમાં ઓછા જ જોવા મળે છે. આપે હાસ્યમાં લપેટીને પિતા પ્રત્યેના વહાલની લાગણી વ્યક્ત કરી છે અને એમ કરવામાં ગજબનું સંતુલન જાળવ્યું છે. હાસ્યપ્રદ બની રહેતો આ લેખ હાસ્યાસ્પદ બનતો નથી તો સામે પક્ષે લાગણીશીલતા ક્યાંય હદ ઓળંગીને લાગણીવેડા બનતી નથી.

  ખાસ તો “નાની મારી આંખ”ને હાસ્યમાં પરોવીને આટલી સુંદર રીતે પણ વાપરી શકાય અને હાસ્યથી તરબતર લેખને છેલ્લી બે પંક્તિઓ વડે ફેરવીને કેવી ઊંચાઈએ લઈ જઈ શકાય એ આપે શીખવાડ્યું. વાહ વાહ…બહુ મજા પડી. આવું સરસ સરસ લખતા રહેજો.

  1. આભાર. તમને ગમ્યું એ જાણીને આનંદ થયો, અને શીખવાની વાતમાં તો એવું છે કે

   એકાદ વસ્તુ તમે મારી પાસેથી શીખો,
   મારે ઘણું તમારી પાસે શીખવાનું છે.

 2. Shakshar, tame jane ajane pan, loko ne e batavi apyu ke baap banvu sahelu bhale che- vali banvu aghru che. Rachna (!) badal tamne ane janmadin mate tamara vadil ne abhinandan.

 3. સાક્ષરભાઇ,
  માતાના પ્રેમના વખાણ કરવામાં આપણે બધાં(આપણે જ કેમ કવિઓ ને લેખકો સુદ્ધાં) પિતાને ભુલી ગયાં.તમે એ ભુલ સુધારી.અભિનંદન.

  આપણને ભણવામાં સપોર્ટ કરવા એટલે કે આપણે આગળ વધીએ માટે પોતે આગળ વધવાનું ટાળે-પ્રમોશન/ટ્રાન્સફર એવોઇડ કરીને એવા ઘણા પિતાઓ જોવા મળે છે.

  માતા બિમાર હોય ત્યારે પોતે મા બની આપણને નવડાવી,જેવું આવડે તેવું ખાવાનું બનાવી ખવડાવી,રડતા હોઇએ તો છાના રાખી સુવડાવી ,ડબલ રોલ ભજવતા પિતાઓને પણ આપણે જોયા છે.

  સંસ્કાર-સિંચન ભાષણ આપીને નહીં પણ પોતાના વર્તનથી દાખલો બેસાડી કરતા પિતાઓ પણ આપણને જોવા મળ્યા છે.

  “વાંચતો કેમ નથી” કહી હળવી ટકોર કરતા ,પણ પછી “બહુ ઉજાગરા ના કર,તબિયત બગડશે” કહી ચિંતા જતાવતા પિતાઓ પણ જોવામાં આવ્યા છે.

  હું જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે મારી માતાએ બાપુજીને કહ્યુંઃ “તમારી કાંડા ઘડીયાળ હવે છોકરાને આપી દો.” મારી લક્ઝરી માટે એમની જરુરીયાતનો ભોગ આપ્યાના એ પ્રસંગને યાદ કરું છું ત્યારે માતાના સ્નેહ કરતાં,પિતાનો પ્રતિભાવ મને વધારે ટચ કરી જાય છે,સાચું કહું તો રડાવી જાય છે.

  છેલ્લે, મારા પિતા મારો એક બાલીશ(ચાઇલ્ડીશ ,ચાઇલ્ડ-લાઇક નહીં) જોક સહન કરી લેતાઃ
  એક માતા= સો શિક્ષક ( જાણીતી કહેવત )
  માટે એક શિક્ષક= ૧/૧૦૦ માતા
  બાપા= બાનો પામો ભાગ
  માટે એક બાપા=૨૫ શિક્ષક
  એક શિક્ષક=૧/૨૫ બાપા

  કાવ્યે કરીને કહેવું હોય તો-
  બટાકાના પીતાની જેમ કપાતા,આપણા અમૃત માટે વિષ પીતા પિતાને અર્પિતાય છે આ સ્પંદનો !!!!

  ધન્ય છે સાક્ષર ભાઇ તમને- અમારાં સુતેલા સ્પન્દનોને વર્ષો પછી સળવળાટ સાથે જાગતા જોવાની તક ઉભી કરવા બદલ.

  મારો બ્લોગ છેઃvipindesai2002.wordpress.com છે તો અંગ્રેજી લેખો માટે,પણ ગંભીરતાથી વિચારી રહ્યો છુંઃગુજરાતી લેખોનું પણ ત્યાં એક સેક્શન હોય.
  -વિપિન દેસાઇ

  1. વિપિનકાકા,

   Crosswordમાં મેં ખાલી ઉભી ચાવીઓ ભરી હતી, આડી ચાવીઓ ભરીને તમે Crossword પૂરી કરી દીધી તે બદલ આભાર. તમારું ગુજરાતીમાં લખાણ જોઈને એક section શું એક અલગ ગુજરાતી બ્લોગ જ બનાવવાનું સુચવીશ. બાકી રહી વાત સુતેલા સ્પંદનોને જગાડવાની, તો મારા ભાઇને(જે મને ઘણી બધી વખત ઊંઘમાંથી ઉઠાડી દે છે) આ બતાવીશ અને કહીશ કે, “ભાઇ, જો કોઈ ને જગાડવું જ હોય તો કોઈનાં સુતેલા સ્પંદનોને જગાડ, ભર ઊંઘમાં સુતેલા મને નહિ…” (just kidding)

 4. સાક્ષરભાઈ, આંખમાં પાણી લાવી દીધું તમે. મેં પપ્પાને લગભગ ૭ વર્ષ પહેલાં ગુમાવ્યા, ત્યારથી જીવનની દરેક સિદ્ધી/નિષ્ફળતા વખતે અને નવા સાહસ કરતી વખતે એમની ખોટ સાલી છે. તમારી આ પોસ્ટ વાંચીને આજે જીવનમાં પિતાનું મહત્વ કેટલું છે તે અન્યની દૃષ્ટિએ જાણ્યું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s