નવરાત્રી અને મારા અનુભવો

આમ તો મને અને નૃત્યને રામગોપાલ વર્માની ફિલ્મ અને સારાપણા જેવો સંબંધ છે, પણ મને અને સંગીતને અમર સિંહ અને અમિતાભ બચ્ચન જેવો સંબંધ છે એટલે નવરાત્રિ મારા ફેવરેટ તહેવારો માં આવે છે. 

નાનપણનાં(બર્થ સર્ટીફિકેટ જોયુ તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો!!!) થોડા સંસ્મરણોને ખંખોળુ તો એ કંઇક આ પ્રમાણે છે. પહેલા દર વર્ષે અમારી સોસાયટી માં ગરબા થતા અને થતા એટલે બહુ સરસ રીતે થતા. મારા પપ્પા અને બીજા ૩-૪ કાકાઓનું સંગીત ગ્રુપ જેવુ બનાવેલુ હતુ, મારા પપ્પા હાર્મોનિયમ વગાડતા(બીજા વર્ષે મોટો કેસિયો લાવ્યા’તા એટલે પછી થી એ) અને બીજા વાંજિત્રો માં અમારી પાસે ઢોલ, મંજીરા, થાળિઓ, ચમચીઓ, ખંજરી વગેરે રહેતુ અને અમે નાનકડા ટેણિયાઓ કોરસમાં રહેતા. નવરાત્રિ ચાલુ થવાના અઠવાડિયા પહેલાથી પ્રેક્ટિસ ચાલુ કરી દેતા ગરબા ગાવાની(ગાવુ – To Sing, મને એ ખબર નથી પડતી ગરબા ગાવા = ગરબા રમવા કેવી રીતે થાય છે? ). એ પ્રેક્ટિસમાં સંગીત વૃંદ સાથે એમ તો અમને ગાવાની બહુ જ ઇચ્છા થતી પણ બધા કાકાઓનું માનવુ હતુ કે અમે બધા ટેણિયાઓ સાથે ગાઇશુ તો કોઇ ગરબા રમવા નહિ આવે(ટીઆરપી પ્રોબ્લેમ…યુ નો) છતા પણ અમને ખુશ કરવા માટે રોજ રાતની પ્રેક્ટિસ બાદ એકાદ બે ગરબામાં અમને ગાવા દેતા સાથે(દુધપાક સિસ્ટમ..છેલ્લે બે બોલ રમાડી દેવાના ખુશ કરવા માટે..) અને પછી જે રીતે અમે ઘરો ગજાવતા… ગાયકો કંઇક અલગ ગાતા હોયને અમે ટેણિયાઓ કંઇક અલગ. અમારા આ પ્રકારના ગાનમાં એક પોસિટીવ પોઇન્ટ હતો, મારા પપ્પાના કહેવા મુજબ “લોલ” માં અમે બધા ભેગા થઇ જતા…એટલે કે “કેસરિયો રંગ મુને લાગ્યો રે ગરબા, કેસરિયો રંગ મુને લાગ્યો રે લોલ” માં કોઇક ‘કેસરિયો’ પર હોય કોઇક ‘મુને’ પર હોય કોઇક ‘લાગ્યો રે’ પર હોય પણ જ્યારે કોઇક ‘લોલ’ પર પહોંચે તો બધા પોતે જ્યાં હોય ત્યાં થી ‘લોલ’ માં ભેગા થઇ જાય.

બસ પછી તો આવુ ૩-૪ વર્ષ ચાલ્યુ અને પછી અમારી સોસાયટીના પાછળના જ ગ્રાઉન્ડમાં “મા-શક્તિ ગરબા(રિષભ ગ્રુપ” મોટા પાયે ચાલુ થયા. એ જમાનામાં આવા મોટા પાયે થતા ગરબા નવા નવા હતા (જમાનાઓ ના ડિફર્ન્સ વ્યક્ત કરવાથી આપડે બે-ત્રણ જમાના જોઇ કાઢ્યા એવી ફિલિંગ આવે છે) એટલે ધીમે ધીમે સોસાયટીના ગરબામાં આવવા વાળા ઓછા થવા લાગ્યા અને એ મોટા અવાજે થતા ગરબાઓમાં અમારા હાર્મોનિયમ અને ઢોલકના અવાજ ક્યાંય ગાયબ થઇ ગયા, મોટી માછલી નાની માછલી ને ખાય (અથવા બાટા મોચીને ખાય) ના ધોરણે અમારી સોસાયટીમાં ગરબા બંધ થઇ ગયા.

હાલની પરિસ્થિતિ –
ગરબા ગાતા(ગાવુ – To Sing) તો બાળપણ થી જ આવડતુ હતુ, રમવાના કોલેજ માં આવ્યા પછી શિખ્યો(હું શિખ્યો એવુ હું માનુ છુ, કદાચ તમે ના પણ માનો…મને રમતા જુઓ તો). દાંડિયા એક જ વાર રમ્યો છુ એ પણ અહીયા અમેરિકા આવી ને અને એમાં કોઇને ઇજા નથી પહોચાડિ(ઍટલિસ્ટ મને ખબર છે ત્યાં સુધી). અહિ એકરાત્રી થાય છે, એટલે કે એક દિવસ જ ગરબા થાય છે પણ એમાં અમે પુરા જોશ ને ઉમંગથી ભાગ લઇએ છે. અત્યારે પણ મનની ઇચ્છાઓ પુરી કરવા માટે ૪-૫ જણ ભેગા થઇને ગરબા ગાઇએ(ગાવુ – To Sing) છે મન ફાવે તેમ… અને “લોલ” માં ભેગા થઇએ છે.

 

-Sakshar Thakkar

4 thoughts on “નવરાત્રી અને મારા અનુભવો

  1. Bhai Sakshar,
    After reading this piece and previous hasya kavitas, it is obvious that u have a genre of humor. Keep it up and make sincere efforts to maintain & develop it.The env. of USA will help u a lot.If posible, try to get MAD magazine(preferably old issues).U will get so many inspirations.

Leave a comment