Posts Tagged Daily Stuff
ઈ-વાચકમાં “રીક્ષા અને રીક્ષાવાળાઓ”
Posted by saksharthakkar in રોજબરોજ on June 11, 2011
ટાઈટલ થોડું બઘવાઇ જવાય એવું છે નહિ? વાંધો નહિ… થોડીક લીંકોમાં બધું સ્પષ્ટ થઇ જશે…
ઓરકુટની એક કોમ્યુનીટી ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ છેલ્લા ૩ વર્ષથી ઈ-મેગેઝીન પ્રસિદ્ધ કરે છે… તો આ વખતના મેગેઝીનમાં મેં “રીક્ષા અને રીક્ષાવાળાઓ” નામનો લેખ લખીને મોકલાવ્યો હતો… જે તમે નીચેની લીંકો દ્વારા વાંચી શકશો.
મેકિંગ ઓફ ધ મેગેઝીન : http://rajniagravat.wordpress.com/2011/06/08/e_vachak-2011/
ઈ-મેગેઝીન ઓનલાઈન વાંચવાની લીંક –> https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0ByoruaF8i9lHYTRlMjgzNzQtODFjMS00MjQ4LTk4OTAtY2M3M2RiMDEzM2Zh&hl=en_US&authkey=CIPRhe8C&pli=1
ઈ-મેગેઝીન download કરવાની લીંક –> http://www.4shared.com/document/DxttwuM8/E_mag_3.html
પગ જમીન પર ક્યાંથી પડે? (સિક્વલ કવિતા)
Posted by saksharthakkar in કવિતાઓ, રોજબરોજ on April 3, 2011
ખોલ્યા વગરની બધી બેગો મને એટલી નડે,
આજકાલ પગ જમીન પર પછી મારા ક્યાંથી પડે?
બોર્નવીટામાં ખાંડ નાખ્યા પછી મેં ચાખ્યું છે,
આજે પહેલીવાર જીવનમાં દૂધ ખારું લાગ્યું છે;
બટનને આમ ફેરવું તો સગડી ક્યાંથી બળે?
આજકાલ પગ જમીન પર…
ઊંઘમાંથી પાણી પીવા માટે જ્યારે જાગું છું,
અંધારાથી ડરી સીધો ફ્રીજ તરફ ભાગું છું,
માઈક્રોવેવમાં પાણીની બોટલ ક્યાંથી મળે?
આજકાલ પગ જમીન પર…
સુર્ય આંખોમાં આવે છે અહીં મોડો,
કચરાનો ઉકરડો પણ દુર છે થોડો;
જુના ઘરેથી નીકળ્યાની કળ હવે ક્યારે વળે?
આજકાલ પગ જમીન પર…
- સાક્ષર
હમણાં ફરી પાછુ ઘર શીફ્ટ કર્યું છે…નવા ઘરમાં શરૂઆતમાં સેટ થતા થોડો સમય લાગે. એકદમ નવું ઘર હોય તો થોડું સરળ પડે કેમ કે આપણે જ ત્યાં જઈને બધું ગોઠવવાનું હોય પણ જો already કોઈએ ગોઠવેલુ ઘર હોય તો સેટ થતા થોડી વધારે વાર લાગે. બેગો અનપેક ન કરી હોય તો પગમાં આવે, ખાંડ અને મીઠાના ડબ્બામાં લોચા વાગે, સગડી કંઇક અલગ જાતની હોય, ઊંઘમાંથી ઉઠીને પણ જગ્યાથી ટેવાયા ન હોય એટલે અંધારામાં ફ્રીજની જગ્યાએ માઈક્રોવેવ ખુલે, ઊંઘવાની દિશા બદલાઈ ગઈ હોય અને ઘરમાં બારીઓની ગોઠવણ અલગ હોય તો ઊઠવાના સમયમાં ફેરફાર થઇ જાય, જુના ઘરમાં નજીકમાં બધું મળતું હતું(કચરાનો ઉકરડો – dumpster) એ યાદ આવે વગેરે વગેરે.
એમ જોવા જઈએ તો આ કવિતા ગયા વખતે ઘર બદલ્યું એ કવિતાની સિક્વલ કવિતા(પ્રીક્વલ કવિતાની લીંક: મારો થોડો સામાન…) છે, અને જેમ એ વખતે ગુલઝારદાદાના એક ગીતમાંથી પ્રેરણા લીધી હતી આ વખતે પણ એમના જ બીજા એક ગીતની એક લાઈન ‘आजकल पाँव ज़मीं पर नहीं पड़ते मेरे…’ પરથી પ્રેરણા લીધી છે.
તા.ક. -
મારા જુના ઘરની નજીક રહેતા એક મિત્ર સાથે ફોન પર વાત કરતી વખતે મેં કહ્યું,
“અમે ગઈકાલે જ ઘર બદલ્યું.”
તો એ કહે,
“હા એ તો કચરાનો ટ્રક તમારા ઘર આગળથી જતો જોયો એટલે મને થયું જ”
સુપરહીરો
Posted by saksharthakkar in રોજબરોજ on January 31, 2011
બહુ નાનો હતો ત્યારે દુરદર્શન(હેં? એ શું છે?) પર સવારે હિ-મેન આવતું હતું. ખાસ કંઈ યાદ નથી પણ એવી ખબર પડતી હતી કે હિ-મેન બધા ગુંડાઓને મારી શકે, પછી લગભગ ૭મા કે ૮મા ધોરણમાં આવ્યો ત્યારે દુરદર્શન પર શક્તિમાન આવતું હતું (હા, એ જ “સોરી શક્તિમાન” વાળું). એમાં આપણા ભારતીય સુપરહીરો શક્તિમાન વેંકટેશ પ્રસાદની જેમ આંગળી ઉંચી કરીને જે ચકરડી ખાતા, જે ચકરડી ખાતા, કે કોઈ ‘અંધેરા’ને કાયમ નહોતા રહેવા દેતા. કોલેજમાં આવ્યા પછી સ્પાયડરમેન અને બેટમેનને ફિલ્મોમાં જોયા, એ બંનેના પણ અલગ અલગ સુપર-પાવર હતા. આવા બહુ બધા સુપરહીરો હશે, પણ આજે એક એવા સુપરહીરોની વાત કરવી છે કે જેમની સાથે નાનપણથી રહ્યો છું અને એમના સુપરપાવરો (ફોટોનું બહુવચન ફોટાઓ હોય એમ)નો ભરપુર લાભ લીધો છે અને લેવાનું ચાલુ છે…. પપ્પા.
હું નાનો હતો ત્યારે કોઈ વખત સ્કુલની કોઈ નોટ ખોવાઈ જતી. નાની મારી આંખ ગમ્મે એટલું કાંક કાંક જુએ પણ કંઈ મેળ નહોતો પડતો, પણ અજબ જેવી વાત એવી હતી કે પપ્પા એમના સુપરપાવરથી ક્યાંકથી પણ શોધી આપતા. હું પહેલા-બીજા ધોરણમાં હતો ત્યારે પતંગ ચગાવવાની ઈચ્છા બહુ થતી, પણ આવડતું નહિ. અગાસીના એક છેડેથી બીજા છેડે દોરો પકડીને દોડતો અને એટલામાં જેટલો ટાઈમ પતંગ હવામાં રહે એ મારા માટે “પતંગ ચગાવી” એવું લાગતું , અને પપ્પા એક જ જગ્યાએ ઉભા ઉભા ચગાવી દેતા. રસોડામાં કોઈ બરણીનું ઢાંકણું ના ખુલતું હોય, મમ્મી અને હું મથ્યા પછી પપ્પા ને બોલાવતા, અને એ એમના સુપરપાવરથી ખોલી દેતા. પપ્પા સૌથી શક્તિશાળી અને સૌથી બુદ્ધિશાળી છે એવું જોઈને જ હું મોટો થયો.
આ તો બધી નાની નાની વાતો હતી, પણ હંમેશા એમણે મને મજબુત બનતા અને positive રહેતા શીખવાડ્યું છે. મને પોતાની ક્ષમતા પર જેટલો વિશ્વાસ ન હોય એના કરતા વધારે વિશ્વાસ મારી પર રાખ્યો છે. મારી નાનામાં નાની ઉપલબ્ધીઓને વખાણી છે. મારી દરેક સિદ્ધિ (છોકરીનું નામ ન સમજવું) માટે ગર્વ અનુભવ્યો છે, એ એમણે દર વખતે મને કીધું ન હોય તો પણ એ એમના મિત્રો સાથે જ્યારે પણ મારા વિષે કંઈક વાત કરે એ પરથી સ્પષ્ટ છલકી આવતું.
ટૂંકમાં, ખોવાઈ ગયેલી નોટ હોય કે ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ, ઉતરાયણમાં દોરાના ગૂંચવાડા હોય કે જીવનમાં ઘટનાઓના ગૂંચવાડા, દર વખતે સુપરહીરોની માફક દરેક મુસીબતોમાં થી ઉગાર્યો છે અથવા ઉગરતા શીખવાડ્યું છે.
કોઈએ સાચું જ કહ્યું છે, બાપા એટલે બાપા, બાકી બધા પસ્તીના છાપા.
તા.ક. -
A Very Happy Birthday to my friend, philosopher, guide and idol… Pappa.
લેપટોપને શબ્દાંજલિ…
Posted by saksharthakkar in રોજબરોજ on November 2, 2010
T = Current Time
(Time given is approximate time)
Time: T minus 5 days
૩ દિવસથી લેપટોપ અડધા કલાકથી વધારે નથી ચાલતું, ગરમ થઇ ને બંધ થઇ જાય છે . આજે તો એનું ઓપરેશન કરવું જ પડશે, અને જાણે મારા મનની વાત સાંભળી ગયો હોય એમ મ્હાત્રે(મારો રૂમમેટ) , “अरे कुछ तो फेन का ज़ोल होगा | खोल के देखते हैं |मैंने इंडियामें २-३ फ्रेंड्स के लेपटोप खोले थे |”
અને આમ બેસી ગયા લેપટોપ ખોલીને અને “fanના ઝોલ” ને દુર કરવા, એને સાફ કર્યો. આખી પ્રક્રિયામાં ૫૦ એક સ્ક્રુ ખોલ્યા’તા, લેપટોપ પર સ્ક્રુ ફીટ તો કરી દીધા, પણ ૩ સ્ક્રુ વધ્યા.
મેં અને મ્હાત્રે એ ભગવાનનું નામ લઇ ને લેપટોપ ચાલુ કર્યું અને પ્રયોગ સફળ. લેપટોપ ચાલુ. અમારી આ ખુશી લોગીન સ્ક્રીન આવી ત્યાં સુધી જ રહી, ખબર પડી કે માઉસ અને કી-બોર્ડ નથી ચાલતા. પાછુ ખોલી અને બીજું કંઈ બગાડવું એના કરતા એક્ષ્ટર્નલ માઉસ અને કી-બોર્ડ લઇ આવવાનું વિચાર્યું અને માઉસ અને કી-બોર્ડ આવતાની સાથે જ મારું લેપટોપ ફરી પાછુ હેવી-વેઈટ થઇ ગયું. ( હવે મારે માઉસ અને કી-બોર્ડ લઇ ને બધું ફરવું પડશે)
Time: T minus 1 year
પહેલા તો ૫ મીનીટ પણ ચાલતું હતું. હવે તો જેવો પ્લગ નીકાળું એવું લેપટોપ બંધ થઇ જાય છે. મને થયું થાય હવે, ૨ વર્ષ થયા રોજ ૨૪ કલાક ચાલે છે હવે તો બેટરી ઉડી જ જાય ને, અને મારું લેપટોપ ટી.વી. બની ગયું, સારી ભાષામાં કહું તો(ટી.વી. – ઇડીયટ બોક્સ, યુ નો) ડેસ્કટોપ બની ગયું. બેટરી લેપટોપમાં હતી પણ કોઈ કામની નહિ, પાવર પ્લગ નીકાળો એટલે લેપટોપ બંધ.
એમ તો પાછા આપણે છોડીએ નહિ, ગુજરાતી રહ્યા ને! ગુગલ કર્યું, એક ફોરમમાં જાણવા મળ્યું કે બેટરી ઉડી ગઈ હોય પછી પણ થોડો ચાર્જ એમાં હોય છે, અને એ મેળવવા માટે બેટરીને ફ્રીઝરમાં ૨ દિવસ મુકવી પડે, એટલે થયું ટ્રાય કરી જોઈએ, નહિ થાય તો એમેય ક્યાં અત્યારે ચાલે છે! એટલે પનીર અને બરફની ટ્રે ની વચ્ચે લેપટોપની બેટરી મૂકી.
Time: T minus 1 year plus 2 days
બેટરીનો શીતનિંદ્રામાંથી આવવાનો સમય થઇ ગયો હતો, અને એક ચમત્કારની આશા સાથે બેટરી લેપટોપમાં નાખી અને લેપટોપ ચાલુ કરી પ્લગ કાઢ્યો અને લેપટોપ બંધ.
બેટરી Dispose કરી દીધી. કંઈ નહિ ચાલો લેપટોપ લાઈટ-વેઈટ થઇ ગયું.
Time: T minus 4 days
“ભલે એક કી-બોર્ડ ને માઉસ સાથે લઇને ફરવું પડે, પણ લેપટોપ બરાબર ચાલે તો છે ને! એ જ મોટી વસ્તુ છે. ચાલો આજથી દર અડધો કલાકે લેપટોપ બંધ થઇ જશે એની ચિંતા કરવી મટી.” આમ વિચારી ગઈકાલ રાતનાં કામયાબ ઓપરેશન પછી આજે પહેલીવાર લેપટોપ ચાલુ કર્યું.
અને…
કમાલ થઇ ગયો….સળંગ ૧૨ કલાક અટક્યા વગર લેપટોપ ચાલ્યું. આજની ઊંઘ રોજ કરતા સારી આવવાની હતી. જો કે કાલની ઊંઘ આજની જેવી જ રહેવાની છે એવી ક્યાં કોઈ ખાતરી હતી.
Time: T minus 3 years, Venue: Best Buy, Rochester, NY
“Sony Vaio જો તો કેટલામાં છે?”
“૮૫૦.”
“અરે પણ જવા દે આપડા કામનું નથી Budgetની બહાર છે”
“આ ૫૫૦માં છે. ગેટ-વે કરી ને કોઈ છે”
“જવા દે યાર નામ પણ નથી સાંભળ્યું”
આમ એક પછી એક cancel કરતા કરતા અમારું ૭ જણનું ટોળું તોશીબા પર અટક્યું,
કિંમત – $૭૫૦ , 2 GB RAM , 120GB HDD , AMD Turion 2.0GHz, Integrated Webcam અને free Printer. J
સાતે જણ એક સરખા લેપટોપ લઇને Best Buyની બહાર નીકળ્યા.
ઘરે જઈને જલ્દીથી લેપટોપનું ખોખું ખોલીશુંના excitementમાં ખોખું લઇને બસમાં બેઠા, અને આખા રસ્તામાં ખોખા પર રહેલી બધી વિગતો વાંચી લીધી. ક્યાંય expiry date નહોતી લખી.
Time: T minus 3 days
ગઈકાલ રાતની સરસ ઊંઘ પછી બેફીકર થઇ લેપટોપનું પાવર બટન દબાવી તે બુટ થાય ત્યાં સુધી બ્રશ કરવા બાથરૂમમાં ગયો. પાછો આવીને જોયું તો લેપટોપ બંધ.
ફરી પાવર બટન દબાવ્યું. ૨ સેકંડ ચાલ્યું. પાછુ બંધ.
ફરી ચાલુ કર્યું, ૩-૪ સેકન્ડ પછી બંધ.
ભલે ખોખા પર લખી નહોતી, પણ બોસ, expiry date આવી ગઈ છે.
Time: T
લેપટોપમાં પ્રોબ્લેમ શું છે ખબર પડી ગઈ છે. ગરમ થાય છે તો બંધ થઇ જાય છે, અને ઠંડું હોય છે ત્યારે ચાલુ નથી થતું. સાંજે ઓફીસથી ઘરે જઉ ત્યાં સુધીમાં ઠંડું થઇ ગયું હોય છે, અને પુરમાં ક્યાંક સ્કુટર ફસાઈ ગયું હોય અને કીક મારી ને ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ એ રીતે ૨ કલાકે ચાલુ થાય છે. પહેલા ૨ સેકંડ, પછી ૪ સેકંડ, પછી પહેલી સ્ક્રીન સુધી, પછી લોગીન સ્ક્રીન સુધી, પછી કોઈ એપ્લીકેશન ખોલો ત્યાં સુધી એમ કરી ને ૧.૩૦ એક કલાકે સારી રીતે ચાલુ થાય છે અને ૧૫ મીનીટમાં ગરમ થઇને બંધ થઇ જાય છે, પછી તરત ચાલુ નથી થતું, થોડું ઠંડું કરવા દઈ ને ચાલુ કરવું પડે, અને ફરીથી એ જ પ્રોબ્લેમ.
હવે, તોશી’બા’ ઘરડા થઇ ગયા છે. L
તા.ક. ૧ – શ્રી લઘરવઘર અમદાવાદી એ કહ્યું છે કે , “બહુ લખવું નહિ, લોકો એ વાંચવાનું પણ હોય છે” એમના આ નિયમનો આજે ભંગ કરી ને ઘણું બધું લખી દીધું છે, પણ જેની સાથે મારા દિવસનો સૌથી વધારે સમય પસાર કરતો હોઉં એ લેપટોપ માટે આટલું તો નહિ તુલ્ય છે.
તા.ક. ૨ – થોડા દિવસ પહેલા જ ખબર પડી કે દુનિયાનું પહેલુ Mass-Market Laptop Computer તોશીબાનું હતું અને ૨૫ વર્ષ પછી એ હજુ પણ ચાલે છે. (“સૌથી ઘરડા તોશી’બા’ “)
લીંક – http://thenextweb.com/shareables/2010/10/26/worlds-first-laptop-25-years-old-and-running/
ટૂંકમાં, મને લેપટોપ વાપરતા બરાબર નથી આવડતું.
કવિ બનવું છે?
Posted by saksharthakkar in કવિતાઓ, રોજબરોજ on August 12, 2010
તો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો:
૧. કમ્પલસરી વાપરવા પડે એવા શબ્દો: મૃગજળ, ઝરણું, આભ, ઝાકળ, ઝળહળવું વગેરે… (મૃગજળ અતિ અગત્યનો શબ્દ છે)
૨. ‘પ્રેમ’ અને ‘મૃત્યુ’ વિષયો પર ઢગલાબંધ કવિતા લખવી.
૩. સેન્ટી કવિતાનો ટી.આર.પી. સાદી કવિતા કરતા વધારે હોય છે…એટલે કે પ્રેમ ની કવિતામાં વિરહ ઉમેરવું.
૪. સહેલા શબ્દો કદિ ન વાપરવા જેમ કે બારણું શબ્દ વાપરવાની જરૂર હોય ત્યાં ‘દ્વાર’ કહેવું, પગ ની જગ્યા એ ‘ચરણ’ વગેરે વગેરે…
૫. ઉપમાઓ આપવી અનિવાર્ય છે… લહેરો જેવા વાળ અને સમુદ્ર જેવી આંખો ને એવું બધું…
૬. થોડાક છંદ શીખી લેવા… જો કે ના શીખો તો અઘરા શબ્દો વાળી કવિતાઓ લખી પોતે ‘અછાંદસ સ્પેશીયાલીસ્ટ’ છો એવી રીતે પોતાના વખાણ કરાવવા.
૭. પોતાનું એક તખલ્લુસ રાખવું જે મારી મચેડીને છેલ્લી પંક્તિમાં લાવી દેવું… એક શબ્દનું કોઈ પણ નામ હોય તો ચાલે…. પણ જેટલું અઘરું રાખો એટલું છેલ્લી પંક્તિ માટે એક નવો અઘરો શબ્દ શોધવાની મહેનત ઓછી.
(બસ આનાથી વધારે વિચારો નથી આવતા… આવતા હોત તો કવિ હોત)
——
તો આ સાંભળીને કવિશ્રી અધીર અમદાવાદી એ આ બધા મુદ્દાઓ આવરી લઇને ઉદાહરણ કવિતા બનાવી.
મને મારા જ પડછાયા આકરા લાગે છે. (શરુઆતમાં એક અધરી વાત કહી દો )
શશિ આભમાં સળગતા કાકડા લાગે છે.
કે ત્યાં લગી આવી અટકી ગયા પગરવ
એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે.
(અઘરા શબ્દો :દ્વાર, પગરવ, સમીપ)
મધુર રસ સભર અસર અંતર તરબતર (અલંકાર)
હોઠ જલેબી, હાથ તારા ફાફડા લાગે છે. (ઉપમા)
ગાલગા ને ગાગાલગા એ ઘોળીને પી ગયા (તખલ્લુસ ઘુસાડો !)
‘અધીર’ સાચા કવિ થવાના તાયફા લાગે છે.
- અધીર અમદાવાદી
—–
તા.ક. -
ઈચ્છાઓ, તદબીરો, વિચારો, સંકલ્પો અને ઈરાદા આપી દઉં,
તમારી આ કવિતા પર જન્મો-જન્મના વાદા આપી દઉં,
તમારી આ કવિતા એટલી તો ગમી છે ‘અધીર’;
દાદ તો શું તમારી કવિતા માટે દાદા આપી દઉં.
- સાક્ષર
(પ્રાસ સાચવવા માટે લોકો દાદાને પણ નથી છોડતા)
લ્યો, અમે તો આ ચાલ્યા…
Posted by saksharthakkar in રોજબરોજ on મે 14, 2010
જોબ પરથી ૧૫ દિવસની રજા મળી છે એટલે થયું ચાલો જઈ આવીએ ઇન્ડિયા. તો ૧૫મી મે થી ૩૦મી મે સુધી ઇન્ડિયામાં છુ. ક્યારે કયા શહેરમાં હોઈશ એ હજુ ખબર નથી. (ડોનકો પકડના…you know)
સમ્પર્ક નંબર -
((576 *576 * 576 ) + (576 * 0.9694092502 * 10^8) )/ 5.76
(બહુ મહેનતનું કામ નથી, અહીથી કોપી પેસ્ટ કરીને, ગુગલને પૂછશો તો પણ મળી જશે)
હવે પછીનું બુલેટીન… ભારતથી.
નમસ્કાર.
તા.ક. –
* ગયા વખતે આવ્યો હતો એના પછી ૫૭૬ દિવસ પછી આવું છુ.
* તમેં જ્યારે આ વાંચતા હશો ત્યારે હું હવામાં હોઈશ… એટલે કે પ્લેનમાં… જ્યારથી વર્ડપ્રેસનું શીડ્યુલ્ડ પોસ્ટ ફીચર આવ્યું’તું ત્યારથી વિચાર્યું તું કે, ઇન્ડિયા જઈશ ત્યારે આ ફીચર આ રીતે વાપરીશ.













તમે કહ્યું