Archive for January, 2012
એક શુક્રવારની દિનચર્યા
Posted by saksharthakkar in કવિતાઓ on January 27, 2012
૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે;
ત્રણ જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે?
આમ વિચારીમેં પ્રોજેક્ટ કરવા લેપટોપ કર્યું ચાલુ;
પણ મનમાં વિચાર ચાલ્યા,”દર વખતે આવું કેમ થાય સાલું?”
શું મને ટાઈમ મેનેજમેંટ કરતા નથી આવડતું?
કે હું બસ મજા જ કરી ખાઉં છું કામ રાખી ને પડતું?
આવા વિચારોના સમાધાન રૂપે ગુગલમાં “ટાઈમ મેનેજમેન્ટ આર્ટીકલ્સ” સર્ચ્યા,
પછી ટાઈમ મેનેજમેન્ટ પર ૧૨ આર્ટીકલ વાંચવામાં બે અઢી કલાક ખર્ચ્યા.
ટાઈમ મેનેજમેન્ટનું બધું જ જ્ઞાન મેળવી પાછો પ્રોજેક્ટ તરફ વળ્યો;
એટલામાં ટાઈમપાસ કરવા મગજ ને બીજો વિચાર મળ્યો.
ફેસબુક પર જઈને લખ્યું “Very busy day ahead”
પછી થયું સ્ટ્રેસ ઓછો કરવા એકાદ-બે ગેમ રમી નાખું હેંડ.
ગેમમાં બીજા બે કલાક નીકળી ગયા ખબર પણ ના પડી,
પછી એક્ઝામનું ટેન્શન આવ્યું ત્યારે ચોપડી પકડી .
એક પેજ વાંચ્યું ને થયું કે એસાઈનમેંટ માટે એક્સ્ટેન્શન માંગી લઉં,
પ્રોજેક્ટ પહેલા પતાવી દઉં અને પછી પૂરું એક્ઝામ પર ધ્યાન દઉં.
એક્સ્ટેન્શન માટે પ્રોફેસરને ઇમેલ કર્યો અને વિચાર્યું પ્રોફેસર શું કહેશે?
એમ તો strict છે પણ જોઈએ એક્ઝામ છે એટલે કદાચ ચાલવી લેશે.
પ્રોફેસરના જવાબની રાહ જોતા બેઠા રહેવા કરતા,
મને થયું મંદિર જઈ આવું તો મળે થોડી સફળતા.
મંદિર જઈ, દર્શન કરી, પ્રસાદ લેતા વિચાર્યું જમવાનું શું કરશું?
જમવાનું બનાવવામાં ટાઈમ બગાડવા કરતા, બહાર જમી લઉં કશું.
ડીનર કરીને ઘેનવાળી હાલતમાં ઘરે જઈ ફરી પાછુ પકડ્યું ચોપડું,
આ બાજુ “You will not get extension” ના ઇમેલથી પ્રોફેસરે સંભળાવ્યું રોકડું.
ઊંઘમાં વાંચવા કરતા થયું નાનું ઝોકું લઇ ફ્રેશ થઇ જાઉં લાવ,
નાનું ઝોકું થોડું વધારે મોટું થઇ ગયું, ને મારા થઇ ગયા દાવ.
૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે;
બે જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે?
- સાક્ષર
તા.ક. -
Procrastination (લાસરિયાપણું) વિષેની આ કવિતા આવું જ્યારે થયું ત્યારે લખવાની ઈચ્છા હતી, (આજથી દોઢ વર્ષ પહેલા). પહેલી બે લીટી લખેલી હતી અને ડ્રાફ્ટમાં પડી હતી, બાકીની આજે પૂરી કરી. કારણ – લાસરિયાપણું.
Procrastination ના સમાધાન માટે કોઈ પ્રેરણાત્મક ચોપડી, આર્ટીકલ કે લેકચરની જરૂર નથી, તેનું સમાધાન આ ત્રણ શબ્દોમાં રહેલું છે: Nike નું સ્લોગન: “Just Do It”
(નોંધ – આ પોસ્ટ Nike દ્વારા sponsored નથી :p )
ઉત્તરાયણ હાઈકા
Posted by saksharthakkar in કવિતાઓ on January 18, 2012
બે લચ્છીઓ,
એક પીલ્લું બનતા
પડેલી ગુંચ.
—
ઝંડુ છે ભઈ,
પતંગ પકડે બી
અને ફાડે બી.
—
એન્ટેના -> હાથી?
કાં તો પતંગ ઝાલે,
કાં તો ફીરકી.
—
સારી પતંગ,
કિન્ના ય પરફેક્ટ;
પવન નહિ.
—
સાંકળ “આઠ”,
“આઠસો” હોત તોય
દત્તિ પડત.
—
આ સાલ પણ
આખી ઉત્તરાયણ
ગૂંચો ઉકેલી.
- સાક્ષર
તા.ક. -
૧. આ વખતે બે લાઈનની વચ્ચે પણ લખવા નો પ્રયત્ન કર્યો છે, તમે વાંચવાનો પ્રયત્ન કરજો.
૨. મુકેલ ઈમેજમાં જે દેખાય છે એને દત્તિ જ કહેવાય કે બીજું કંઈ એવો પ્રશ્ન થયો હતો ? ગુજરાતીલેક્સિકોન સહમત થયું, પણ ગુગલમાં “દત્તિ” સર્ચ કર્યું તો ખાલી ૪ એન્ટ્રી મળી. (એ પણ રીલેટેડ નહિ)
3. ઉત્તરાયણ પર વધારે હાઈકા બનાવવા માટે પ્રેરવા બદલ બીરેન કાકાનો આભાર.
કાયપો છે (હાઇકુ)
Posted by saksharthakkar in કવિતાઓ on January 16, 2012
પક્ષીને થયું:
“ચાલ, પતંગ કાપું”
પક્ષી કપાયું.
- સાક્ષર
આની પહેલા ઉત્તરાયણ વિષે:
૧. કે યાદ કરું છું ઉત્તરાયણ
૨. કપાયેલા પતંગની આત્મકથા
તા.ક. -
“I always wonder why birds choose to stay in the same place when they can fly anywhere on the earth, then I ask myself the same question.”
― Harun Yahya
નિર્દોષ?
Posted by saksharthakkar in કવિતાઓ on January 3, 2012
આખો દિવસ ભીંતો ચણ્યા બાદ મળેલા
૫૦ રૂપિયા ફાટેલા ખમીસના ખિસ્સામાં મૂકી,
વિચારોમાં પોતાના સપનાઓની ભીંતો ચણતો ચણતો
એ જતો હતો અને એકવાર ખાતરી કરવા ખીસામાં હાથ નાખ્યો,
પણ ખિસ્સું પણ એના નસીબ જેવું નીકળ્યું, ફાટેલું.
પાછળ ફરીને જોયું તો બે ડગલા પાછળ શેઠનો ત્રણ વર્ષનો દીકરો
૫૦ની નોટને ફાડી ને હસતો હસતો રમતો હતો.
બાળકની નજીક જઈને પોતાની મહેનતને ધૂળમાં મળેલી જોઈ,
એ રડવા લાગ્યો.
આ જોઈને શેઠના દીકરાએ,
એની આંખો લુછી અને
મમ્મી એ ગઈ કાલે શીખવાડ્યું હતું એમ
કાલી-ઘેલી ભાષામાં કહ્યું,
“ખોટું લાગ્યું? ઘલે જઈને બે લોટલી વધાલે ખાઈ લેજે”
- સાક્ષર
તા.ક. – આ પોસ્ટ કરતી વખતે મને યાદ આવ્યું કે આ ત્રીજી પોસ્ટ છે જેમાં ઈમેજમાં રૂપિયા છે… (પહેલી અને બીજી)












તમે કહ્યું