Archive for June, 2008
એ દિવસો ભારે ગમતાં’તા
Posted by saksharthakkar in કવિતાઓ on June 28, 2008
પાછો વીકએન્ડ અને વીકએન્ડની નવરાશ અને નવરાશનાં સમયે હંમેશની માફક ઉદભવતાં વિચારો… પરિણામ એક કવિતા ફરીથી જૂના દિવસો પર… ક્રિકેટ રમવું, રખડવું, એક સાથે મેચ જોવી, સાથે જમવા જવું, સાથે ભણવું, કોઇ વાર લડવું, પાછા મળવું, ઉનાળાની ગરમીમાં બળવું કે વરસાદમાં અગાસી પર જઇને સાથે પલળવું… ખબર નહિ હજુ કેટલી વાર કહીશ પણ… MISSING THOSE DAYS
યાદ છે પેલા કમ્પાઉન્ડમાં કેવું ક્રિકેટ રમતાં’તા,
બાઇક-સ્કૂટી પર ૩ સવારી વિદ્યાનગર આખું ભમતાં’તા.
પેલી દુકાનના એક જ ટીવી પર ૫૦ જણ મેચ જોતાં’તા,
પાછળ ઉભા તો ડોકી ઉંચી ને આગળના નીચે નમતાં’તા.
“જમવા ક્યાં જઇશું” એ વાત પર ૧૦ અલગ અભિપ્રાય મળતાં’તા,
કલાક રહી નક્કી કરી ને બધા એક જ સ્થળે જમતાં’તા.
ભણતાં, લડતાં, મળતાં, નડતાં, બળતાં ને પલળતાં’તા,
કાંઇ પણ કહો પણ હું તો માનું એ દિવસો ભારે ગમતાં’તા.
-સાક્ષર
ગુડ ન્યુઝ
Posted by saksharthakkar in રોજબરોજ on June 26, 2008
હમણાં જ આ વીકનાં અપ્રેઝલ પછી બે સરસ ન્યુઝ મને મળ્યાં,
- મારી સેલેરીમાં ઇન્ક્રિઝ મળ્યો અને
- મને બીજા ત્રણ મહિના માટે ઇન્ટર્નશીપ ઓફર કરવામાં આવી
હાશ હવે ઇન્ડીયા જવાશે, ઇન્ટર્નશીપ પતે અને નવુ ક્વાર્ટર ચાલુ થાય એની પહેલાંની રજાઓમાં.
સુરતી કવિતા
Posted by saksharthakkar in કવિતાઓ on June 24, 2008
એમ તો હું વડોદરાનો છું પણ મને સુરતી ભાષા બહુ જ ગમે છે અને એવામાં હું વિદ્યાનગર ભણ્યો ત્યારે મારા ત્રણ રુમ પાર્ટનર સુરતી બોલવાવાળા હતાં. પ્રશાંત પટેલ (ચિખલી), રવિ પારેખ (નવસારી) અને વિનીત નાયક(ગણદેવી). તો એ લોકો સાથે હું સુરતીમાં જ વાત કરતો અને મજા આવતી. ઘણી ભૂલો પણ કરતો, પણ એમાં પણ મજા આવતી. હવે આ ત્રણ મિત્રોમાં રવિની વાત કરું તો, અમે જ્યારે પણ રાત્રે સાથે જમવા જઇએ ત્યારે અમુકવાર સાથે નહોતો આવતો કારણકે કોલેજથી છૂટીને નાસ્તો કરતો અને એમાં જ એનું પેટ ભરાઇ જતું. તો એ જ્યારે પણ ના આવા નો હોય ત્યારે એ કહેતો કે “આજે ખાવાનું ની મલે” પણ અમે તો એને એમ જ કહેતાં કે તું રિસાઇ ગયો છે અમારાથી એટલે ખાતો નથી. એટલે પછી તો અમે જ્યારે પણ જમવા જતાં ત્યારે હું એને પૂછતો કે, ” ચાલ ની આવાનો કે? કે પછી તારે આજે બી ખાવા નું ની મલે?”
પછી એવા અરસામાં એક ઇમેલ માં રઇશ મણીયારની સુરતી હઝલ મળી. એ મને ખૂબ ગમી. તો મેં એમાંથી પ્રેરણા લઇ સુરતીમાં જ આ મારા મિત્રનાં થોડા ગુણધર્મોને ધ્યાનમાં અને “ખાવાનું ની મલે” ને કેન્દ્ર માં રાખી ને આ કવિતા બનાવી હતી. અહીં સ્મેશી એનું હુલામણું નામ છે
થોડી થોડી વાતે કંઇ થાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.
જ્યારે બી સ્મેશી અડ્ડાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.
આજે હું ખાવાનાં પાંઉભાજી કે ઢોસા?
એવું પુછે કોઇ તો પહેલા બઘવાય, પછી કેહે કે આજે ખાવાનું ની મલે.
sad song લખવાને ગાવાનું તાં હુધી તો ઠીક ઉ’તુ.
પન જ્યારે બી એનું દિલ ટૂટી જાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.
કવિતા બો અગાડી ચલાવાની તો હિમ્મત ની ચાલે,
ની તો ચડાવી દેહે એ બાંય, અને કેહે કે આજે ખાવાનું ની મલે.
- સાક્ષર
યુ.એસ.એ.માં આપનું સ્વાગત છે
Posted by saksharthakkar in કવિતાઓ on June 17, 2008
મારો એક મિત્ર નેહલ જેનું હુલામણું નામ પાજી છે એ યુ.એસ.એ. આવવાનો હતો, ત્યારે તે નિમિત્તે લખેલી કવિતા, સ્ટુડન્ટ લાઇફનાં અનુભવો પરથી…
હવે થઇ જશો થોડા દિવસમાં તમે મૂળા-ભાજી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
ઘણી બધી વાનગીઓ ખાવાની ઇચ્છા તો થશે,
પણ જાતે જ બનાવવું પડશે, દાળ-ભાત કે પાઉં-ભાજી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
ડોક્ટરો ગજવા ખાલી કરવા જ બેઠા છે,
એટલે તબિયત તો એની જાતે જ રહેશે સાજી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
વાળ કપાવવું એક history બની જશે,
ક્યારે કપાવશો વાળ ને કોણ કહેશે તાજ્જી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
હવે આવી જ ગયા છો તો જાતે જ સમજી જશો,
કરવી નથી વાત બહુ ઝાઝી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
ફરી ક્યારે મળીશું?
Posted by saksharthakkar in કવિતાઓ, વિડીઓ on June 13, 2008
ઘણી વિચિત્ર લાગણીઓ અનુભવાય છે આ મન પર, ફરી ક્યારે મળીશું?
એક જ સવાલ સતત ઘુંટાય છે આ મન પર, ફરી ક્યારે મળીશું?
જેમાં સમય વિત્યો સાથે મોજ-મસ્તીમાં,
એ ઘટનાઓનાં પુનરાવર્તન પર ફરી ક્યારે મળીશું?
અત્યારે તો બધા જુદી દિશાઓમાં જઇ રહ્યાં છે,
આ જમીન પર તો ક્યાંક ગગન પર ફરી ક્યારે મળીશું?
આવશે કોઇની યાદ, ત્યારે મન ને કહીશું,
બસ બે ઘડી સંભાળ, ફરી ચોક્કસ મળીશું.
(આ કવિતાની સૌથી અસરદાર છેલ્લી બે લાઇન એક મિત્ર પ્રિતીશ દેસાઇ એ લખી છે)
આ કવિતા બી.ઇ. પતી ગયું પછી લખી હતી, બધાને કોલેજ અને મિત્રો છોડવાનું દુઃખ તો હોય જ છે, અને એ દુઃખ થોડું વધારે હોય જ્યારે ઘરથી દૂર મિત્રો સાથે રહ્યા હોય, આવામાં ખાલી કોલેજ જવા માટે નહિ પણ ખાવા-પીવામાં,રમવામાં, અરે બ્રશ કરવામાં પણ બધા દોસ્તો સાથે જ હોય છે અને અચાનક કોલેજ પૂરી થઇ જાય. કોઇ રાજકોટ, કોઇ નવસારી, કોઇ વડનગર તો કોઇ વડોદરા. થોડા દિવસ પછી કોઇની જોબ ચાલું થઇ જાય તો કોઇ આગળ ભણવા માટે પરદેશ જાય અને ભૌગોલિક અંતર પાછા વધી જાય. બધી જુની વાતો યાદ આવે ને આવું કંઇક લખવાનું મન થઇ જાય અને આવી જ વાતો ને યાદ કરતાં એક વિડીઓ પણ મેં બનાવ્યો હતો, જેમાં કોલેજની થોડા ફોટો રાખ્યા છે. તે પણ Share કરીશ.
અને આ વાત પર લયસ્તરોમાં એક વખત વાંચેલું એક અછાંદસ પણ યાદ આવી ગયુંઃ
લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.
-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)
જોકે મારે સુનીલ ગંગોપાધ્યાયની જેમ એટલો બધો ટાઇમ નથી થયો કે એ છોકરીનું નામ યાદ ન હોય
આળસ
Posted by saksharthakkar in કવિતાઓ, રોજબરોજ on June 11, 2008
આ સમર જોબ ચાલુ થઇ ત્યારથી થોડા નવાં કામ આવી ગયાં, કોલેજમાં ટી-શર્ટને જીન્સ પહેરતાં’તા એટલે ઇસ્ત્રીની કોઇ ઝંઝટ જ નહિ, અને હવે જોબ માટે ફોર્મલ પહેરવાં પડે છે એટલે દર વીકએન્ડમાં ઇસ્ત્રી કરવાની ઝંઝટ અને આ પાછું ઇંડીયા તો છે નહિ કે ઇસ્ત્રીવાળા કાકા આવી ને કપડાં લઇ જાય અને બીજા દિવસે પાછા આપી જાય, એ બે ક્ષણો વચ્ચેની ક્ષણોમાં શું થાય છે એ હમણાં જાણવા મળ્યું જ્યારે ઇસ્ત્રી કરવા બેઠો, એમ તો પહેલાં બે ત્રણ વાર કરી હતી જાતે પણ એકાદ શર્ટ આવી રીતે અઠવાડીયાનાં કપડા પહેલી વાર લઇને બેઠો’તો અને બધા કહે છે એમ જેમ જેમ આગળ વધો જવાબદારી વધતી જાય એનું સામાન્ય ઉદાહરણ મને આ કિસ્સામાંથી જ મળી ગયું, ઇસ્ત્રી કરવાની જવાબદારી વધી ગઇ. હવે ઇસ્ત્રી કરવામાં થોડા અડધી બાંયના શર્ટ હતાં ને થોડા આખી બાંયનાં, તો મારા આળસુ સ્વભાવને લીધે મેં એક સામાન્ય અવલોકન કર્યું અને એ પ્રમાણે બીજા અઠવાડીયાથી શર્ટ પહેરવાનાં ચાલું કર્યાં. અને એના પરથી મને મારા પર એક શેર સુઝ્યો,
“આમ તો હું લાગું છું શાંત પાણી, પણ અંદરથી હું ગહેરું છું,
ઇસ્ત્રી કરવાંમાં પણ આળસુ છું, એટલે અડધી બાંયના શર્ટ પહેરું છું”
-સાક્ષર, જૂન ૧૦, ૨૦૦૮.
અહીં આળસની જ વાત કરું છું તો બીજો પણ એક કિસ્સો યાદ આવી ગયો, મારો એક મિત્ર રવિ પારેખ, એ પણ મારા જેવો આળસું અને આળસુ લોકો આળસ ખરાબ છે એવું તો ક્યારેય કબૂલે નહિ, તો એ હમેશા કહેતો કે, “કમ્પ્યુટર એન્જીનીયર હંમેશા આળસુ હોવા જોઇએ.” અને એનું કારણ એનાં જણાવ્યા પ્રમાણે એ હતું કે જો આપણે આળસુ હોઇશું તો જ ક્રીએટીવ વિચારો આવશે જેનાથી લોકો ને સરળતા પડે અને એમ પણ કમ્પ્યુટરનું કામ લોકોનું કામ ઓછું કરવાનું જ છે એટલે આપણે જેટલા વધારે આળસુ એટલું સારું.
કોઇ કવિએ પણ આળસ વિશે આવું કંઇક કહ્યું છે, મેં ક્યાંક સાંભળ્યું’તું, કોઇને કવિનું નામ ખબર હોય તો પ્લીઝ જણાવજો..
“હું પણ કશું માંગુ નહિ, એ પણ કશુ આપે નહિ,
મારા જ જેવો આળસુ પરવરદિગાર છે.”
જીના ઇસીકા નામ હૈં
Posted by saksharthakkar in વિડીઓ on June 10, 2008
પહેલાં થોડા સોન્ગસ જાતે ગાઇને રેકોર્ડ કર્યાં,બાકી જે જગજીતસિંહવાળું ગીત છે એમાં ખાલી લિપ સિન્ક કર્યું અને પછી એક સાઇટ મળી ગીતનેટ.કોમ જેના પર કારાઓકે મળી રહેતાં હતાં, એટલે પહેલીવાર કારાઓકે સાથે પ્રયોગ કર્યો અને પ્રયોગ જ કરવાં બેઠા’તાં તો બધાં પ્રયોગ કરી લીધાં, પહેલાં કારાઓકે વર્સન ને રેકોર્ડ કર્યું, પછી એને હેડફોનથી સાંભળીને મારો અવાજ ખાલી રેકોર્ડ કર્યો આ બંને રેકોર્ડીંગ માટે વિન્ડોઝનું સાઉન્ડ રેકોર્ડર વાપર્યું, પછી ઓડેસીટી નામનાં સોફ્ટવેરથી આ અવાજ અને સંગીત બંને ભેગા કર્યાં અને એ ફાઇલ સેવ કરી અને વગાડી અને મારો વેબકેમ લઇ ને ખાલી હોઠની મુવમેન્ટ કરી અને વિડીઓ અને ઓડિઓને વિન્ડોઝ મૂવી મેકરથી ભેગા કર્યાં એના પરિણામે આ વિડીઓ બન્યો, અને મારા વિડીઓસમાં બીજા ક્રમાંકે હીટ્સ ધરાવતો વિડીઓ. આ બધું કર્યા પછી થોડો આત્મવિસ્વાસ પણ આવી ગયો કે જો માસ્ટર્સ પુરું થાય ત્યારે કમ્પ્યુટર સાયન્સનું માર્કેટ ડાઉન હશે તો આપણે ઓડીઓ ને વિડીઓ એડીટીંગ માં ઝંપલાવી દઇશું.
એક શેર
Posted by saksharthakkar in કવિતાઓ on June 10, 2008
એક મિત્ર નેહલે એનાં ઓરકુટ પર આ લાઇન રાખી’તી કે,
“પૈસા હાથનો મેલ છે ને મારા હાથ ચોખ્ખા છે!!!”
તો એના પરથી આ શેર લખી નાંખ્યો,
“પૈસાનો તું રંજ ન કર ભાગ્ય તારાં નોખા છે,
પૈસા હાથનો મેલ છે ને ભલે હાથ તારા ચોખા છે.”
-સાક્ષર, તા. ૯ જુન, ૨૦૦૮
મન્નુભાઇની મોટર ચાલી પમ પમ પમ
Posted by saksharthakkar in રોજબરોજ on June 9, 2008

મારા ખાસ મિત્ર અને છેલ્લા ૫ વર્ષથી મારો રુમપાર્ટનર મનને નવી ગાડી લીધી અને અમારા જીવનના થોડા સંઘર્ષો સમાપ્ત થઇ ગયાં. જેમ કે પહેલાં અમે ગ્રોસરી બે અઠવાડિયે એક વાર લેવાં જતા હતાં અને અમે ૪ એ રુમમેટ્સ બસમાં બધુ ઉચકીને આવતાં’તા. શોપિંગ પણ બસનાં ટાઇમ પ્રમાણે કરવું પડતું’તું. રાતે ૮ વાગ્યાની ઘરેથી વોલમાર્ટની બસ,જે ત્યાં ૮.૨૦ એ પહોંચાડે અને ત્યાંથી ૯.૨૦ની પાછા આવવાની બસ, એટલે ૧ કલાકમાં બધુ ફટાફટ પતાવવાનું અને પછી ટ્રોલી લઇ ને બસસ્ટેન્ડ પર પહોંચવાનું, અમુકવાર જો બસ મીસ થાય તો માર્કેટપ્લેસથી જ બસ મળે તો આવા કેસમાં ટ્રોલી લઇને ૧ કિલોમીટર જેવું ચાલેલા પણ છે, રોડની વચ્ચેથી ટ્રોલી લઇને અમે ૪ જણ જતાં હોય, એ દ્રશ્ય હવે રોચેસ્ટરનાં લોકો ને જોવા નહિ મળે.
રોચેસ્ટરમા હજુ સુધી કોલેજ, ઘર અને વોલમાર્ટ સિવાય કંઇ જોયું જ નહોતું, તો થોડું રોચેસ્ટર જોવાનું આ ગાડી ને લીધ શક્ય બન્યું અને શનિવારે હાઇલેન્ડ પાર્ક અને રવિવારે લેક ઓન્ટારિઓ જઇ આવ્યા મજા આવી અને પાછો સોમવાર આવી ગયો, હવે એક વીક પાછી એ જ લાઇફ, એક જ દિવસના શીડ્યુલને કોપી કરી ને પાંચ વખત પેસ્ટ કરતાં હોય એવું લાગે. બટ ધેટ્સ હાઉ ઇટ ગોસ!!!
અનુવાદ
Posted by saksharthakkar in કવિતાઓ on June 9, 2008
શહેરની આ દોડમાં દોડી ને કરવું શું છે?
જો આ જ જીવવું છે તો પછી મરવું શું છે?
પહેલા વરસાદમાં ટ્રેન લેટ થવાની ચિંતા છે!
ભુલી ગયાં! પલળતાં પલળતાં ફરવું શું છે?
સિરીયલનાં બધાં પાત્રોની ખબર છે તમને…
પણ માની તબિયત પૂછવાની ફુરસદ ક્યાં છે?
હવે રેતીમાં ખુલ્લા પગે ચાલતાં કેમ નથી?
એકસો આઠ છે ચેનલ તો પણ હૈયાં મ્હાલતાં કેમ નથી?
ઇન્ટરનેટથી દુનિયાનાં સંપર્કમાં તો છો,
પણ પડોશમાં કોણ રહે છે તે પણ જાણતાં નથી!!
મોબાઇલ લેન્ડલાઇન બધાનો ભંડાર છે,
પણ જીગરી દોસ્ત સુધી પહોંચ શકે એવા ક્યાં તાર છે?
છેલ્લે ક્યારે ડૂબતા સૂરજને જોયો’તો યાદ છે?
ક્યારે જાણ્યું’તું સાંજનું પ્રસરવું શું છે?
તો દોસ્તો,શહેરની આ દોડમાં દોડી ને કરવું શું છે?
જો આ જ જીવવું છે તો પછી મરવું શું છે?
—-
લગે રહો મુન્નાભાઇનાં ડાયલોગનો ગુજરાતીમાં અનુવાદ, આ જ અનુવાદ તમે અહીં મારા અવાજમાં સાંભળી શકો છો.







તમે કહ્યું